March 31, 2013

ભૂલ કરવી, પ્રયોગ કરતાં રહેવું એ જ વિજ્ઞાનનો શ્વાસોચ્છવાસ છે

જે જોષી એવો દાવો કરતો રહે છે કે એ હંમેશાં સાચો પડે છે એ જોષીમાં મને જોષી તરીકે નહીં પણ માણસ તરીકે પણ વિશ્વાસ નથી. જેને ભૂલ કરવાનો આટલો ભય છે અથવા જેનામાં ભૂલ કરવાની પણ હિંમત નથી, એ પૂર્ણ મનુષ્ય નથી. જુઠું બોલવું અને ખોટા પડવું એ બે વચ્ચે માણસે સ્વયં પસંદગી કરવાની હોય છે. પોતે હંમેશાં સાચું બોલે છે એવું કહેનારા માણસનું જૂઠ એક રોગની અધોસ્થિતિ પર પહોંચી ગયું છે. સાચા હોવાનો દાવો એ એક હિંદુસ્તાની બીમારી છે, ભૂલ કરવાની તૈયારી કે બહાદુરી કે નિશ્ચિતતા એ અમેરિકન ગુણ છે. અમેરિકામાં નોકરી માટેના બે ઉમેદવારો, એક જવાન અને એક મધ્યવયસ્ક હોય તો ત્યાં જવાનને તક આપવામાં આવે છે. કારણ? એનામાં ભૂલો કરવાની હિંમત છે, એ નવું કરવા તૈયાર છે. એ પ્રયોગ કરીને ભૂલ સ્વીકાર કરે એટલો ઈમાનદાર છે. જૂનો માણસ એની જડ કલ્પિત હોશિયાર અનુભવી સચ્ચાઈના વર્તુળમાં બેસીને એવો મુડદાલ થઈ ગયો છે કે એનામાં નવી ભૂલ કરવાની આગ રહી નથી. પાળેલા કૂતરાને જ બગાઈઓ કરડતી રહેતી હોય છે. શિકારી કૂતરાને બગાઈઓ થતી નથી. ભૂલ કરવી, પ્રયોગ કરતા રહેવું, જૂની ભૂલ સુધારતા રહેવું એ જ વિજ્ઞાનનો શ્વાસોચ્છવાસ છે. જોષી અને વૈજ્ઞાનિકનો મારી દ્રષ્ટિએ ફરજ એક જ છે. જોષી ક્યારેય ભૂલ કરતો નથી, વૈજ્ઞાનિક ભૂલો કરતો રહે છે અને આસમાનના ગ્રહોને સ્પર્શી આવે છે. જોષી કાગળ ઉપર ચોકડીઓ કરીને આકાશના ગ્રહો સાથે રમ્યા કરે છે! શૂન્ય ચોકડીની રમત કદાચ જન્મકુંડળીઓ પરથી જ આવી હશે, નવરા જોષીઓની સામે પડેલી જન્મકુંડળીઓમાંથી.


 
અજ્ઞાતના ક્ષેત્રમાં ચરણ મૂકનારે ભૂલા પડવું પડે છે અને ભૂલ પણ કરવી પડે છે. ક્યારેક આ ભૂલોએ જગતની પ્રગતિ અટકાવી દીધી છે. ક્યારેક ભૂલના અકસ્માતે જગતને શતકો આગળ ફેંકી દીધું છે. વૈજ્ઞાનિક પ્રગતિના બે માર્ગો છે. એક સ્ટીમ એન્જિનનો, જેમાં પ્રગતિ ધીરે ધીરે, કદમ-બ-કદમ, એક એક પગથિયું ચડીને, સંજોગો પ્રમાણે ફેરફારો કરતા રહીને થઈ છે. 1775માં જેમ્સ વૉટના આવવા સુધીમાં તો આગળ કેટલાય માણસો કામ કરી ગયા હતા. પશુશક્તિ, પાણીશક્તિ, પવનશક્તિ અને અંતે ડચ વૈજ્ઞાનિક ક્રિશ્ટીઅન હ્યુજેન્સે દારૂગોળાની શક્તિથી એન્જિન ચલાવવાની કોશિશ કરી હતી, પછી હ્યુજેન્સના સાથી ડેનિસ પેપીને પાણી ઉકાળીને, વરાળ ઠંડી કરીને એંજિન ચલાવવાનો યત્ન કર્યો હતો. આઠ વર્ષ પછી થોમસ સેવરીએ કોશિશ કરી, પછી થોમસ ન્યુકોમેન નામના પ્લમ્બરે પ્રયાસ કર્યો. ન્યુકોમેનના એન્જિનથી કોલસાની ખાણોમાં ભરાતું પાણી બહાર કાઢી શકાયું. પછી જોન સ્મીટને એન્જિન બનાવ્યું પણ એના એન્જિનમાંથી ઘણી ખરી વરાળ બહાર છૂટી જતી હતી. છેવટે જેમ્સ વૉટનું એન્જિન આવ્યું જે વરાળથી ચાલતું હતું. આપણી સ્કૂલોમાં એક બનાવટી વાર્તા શીખવવામાં આવે છે કે જેમ્સ વૉટ અંગ્રેજ સાહસિક હતો. એણે એની માતાના ચૂલા પર પડેલી કીટલીને વરાળથી હાલતી જોઈ અને એને વરાળ સંચાલિત એન્જિન બનાવવાનો વિચાર આવ્યો અને એણે એન્જિન બનાવ્યું. આ બકવાસ છે. જેમ્સ વૉટને કીટલી સાથે કોઈ સંબંધ ન હતો. 

સ્ટીમ એન્જિનની શોધ માટે મશક્કત કરનારા સંશોધકો: ડાબેથી અનુક્રમે ક્રિશ્ટીઅન હ્યુજેન્સ, ડેનિસ પેપીન, થોમસ સેવરી, થોમસ ન્યોકોમેન અને જૉન સ્મીટન... અંતે જેમ્સ વૉટ (છેલ્લે)ને સફળતા મળી.

વૈજ્ઞાનિક પ્રગતિનો બીજો માર્ગ છે: બ્રેક થ્રુ! અથવા એકાએક સિદ્ધિ, એક જ ધડાકે રહસ્ય ખૂલી જવું, કંઈક નવી સામગ્રી અનાયાસ હાથ આવી જવી. અકસ્માત, ભૂલ! ટ્રાન્ઝિસ્ટર એવી જ એક શોધ છે. શરૂમાં ટ્રાન્ઝિસ્ટરમાં મુખ્ય પદાર્થ તરીકે જીરેનિયમ વપરાતું હતું જે ઈલેક્ટ્રોનને ત્વરાથી ફરવા માટે સારું માધ્યમ હતું. એ સિલિકોન કરતાં વધારે યોગ્ય માધ્યમ પણ હતું. પણ સિલિકોનનો ઉપયોગ કરતાં એક ફાયદો એ જોવા મળ્યો કે એને કારણે મુખ્ય અંગ અથવા "ચીપ"ના ઉપર ઓક્સાઈડનો થર જામી જતો હતો, જેનાથી ચીપની રક્ષા થતી હતી! આજે સિલિકોનનું તંત્રજ્ઞાન વિશ્વભરમાં ફેલાઈ ગયું છે. કોમ્પ્યુટર ક્ષેત્રના બે પ્રસિદ્ધ નામો માઈક્રોપ્રોસેસર અને સુપર કન્ડક્ટર પણ આ જ રીતે બ્રેક થ્રુ દ્વારા એટલે કે પ્રેરણાગત, અકસ્માત ઉપલબ્ધ થયેલી સિદ્ધિઓ છે. જો કે ભૂલથી થઈ ગયેલા અકસ્માતો કે એ પ્રકારની સિદ્ધિઓ પ્રમાણમાં બહુ જ ઓછી હોય છે.

વિચિત્ર પરિસ્થિતિઓ સરજાવી કે વર્ષો સુધી ભૂલભરેલી માન્યતાઓ સ્વીકારાવી વિજ્ઞાનવિશ્વમાં સ્વાભાવિક છે અને ક્ષમ્ય પણ છે, કારણ કે વૈજ્ઞાનિક અજ્ઞાતભૂમિનો સંશોધક છે. મહાન ન્યુટને એના સમયમાં આગાહી કરી હતી કે સૂર્યમાં મનુષ્યવસતિ જરૂર છે! અને જગતે ન્યુટનને એની ભૂલ માટે ક્ષમા પણ આપી દીધી છે. ન્યુટન એના અમીટ યોગદાન માટે વિજ્ઞાનના ઈતિહાસમાં અમર છે. ઘણી વાર માણસ ખોટો પણ પડે છે. ભૂલ પણ કરે છે, ઘણીવાર એ એના દેશકાળ કરતા ઘણો આગળ નીકળી ગયેલો દ્રષ્ટા કે મનીષી હોય છે. એને ખોટો સમજનાર દુનિયા ખોટી હોય છે અને એના મરી ગયા પછી એની "ભૂલ" સત્ય બનીને મનુષ્યજાતિ માટે પથપ્રદર્શક બને છે. 

આઈઝેક ન્યૂટન, ટૉલેમી, નિકોલસ કોપરનિકસ અને યોહાનેસ કૅપલર

 ટોલેમીનું નામ સર્વકાલીન મહાન ખગોળશાસ્ત્રીઓમાં ગણાય છે. એણે કહ્યું હતું કે આ પૂરા બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ પૃથ્વી છે અને આ ભૂલ જગતે 1500 વર્ષ સુધી સ્વીકારી ! જગતની પ્રગતિ 1500 વર્ષો સુધી ટોલેમીના આ એક વિધાને અટકાવી દીધી. પછી કોપરનિકસે આવીને કહ્યું કે એવું નથી, પણ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. સૂર્ય પૃથ્વીની આસપાસ ફરતો નથી. બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ પૃથ્વી નથી. પણ સૂર્ય છે. ટોલેમીની "ભૂલ" સુધારવાનું પાપ કરવા માટે કોપરનિક્સને ભયંકર સહન કરવું પડ્યું. કેથલિક ચર્ચે કોપરનિક્સના પુસ્તકની સખત બદનામી કરી. માર્ટિન લ્યુથર જેવા ક્રાંતિકારી ધર્મપ્રવર્તકે કહ્યું: બેવકૂફ પોલ ! (પોલ એટલે પોલેન્ડનો નાગરિક એ અર્થમાં.) કેલ્વિન અને બેકન જેવા વિચારકોએ કોપરનિક્સની મજાક ઉડાવી. અંતે યોહાનેસ કેપલર અને ચાર્લ્સ ન્યુટને કોપરનિક્સના સિદ્ધાંતને અનુમોદન આપ્યું અને સત્ય સ્વીકારાયું. આજે કોપરનિકસ આધુનિક ખગોળશાસ્ત્રનો પિતા ગણાય છે.

કેપલરને પણ એ જ તકલીફ પડી. એ હાઈસ્કૂલમાં ગણિતનો શિક્ષક હતો. ઈશ્વર એને એક સજારૂપ લાગતો હતો. જ્ઞાન ભયથી પ્રાપ્ત થતું નથી. જિજ્ઞાસાથી પ્રાપ્ત થાય છે એ કેપલરનું સ્પષ્ટ મંતવ્ય હતું. આજથી બરાબર 400 વર્ષ પહેલાં કેપલરે 1589માં માલર્બન છોડ્યું. પહેલે વર્ષે સ્કૂલમાં એના વર્ગમાં થોડા વિદ્યાર્થીઓ હતા. બીજે વર્ષે એક પણ વિદ્યાર્થી આવ્યો નહીં. એ સારો શિક્ષક પણ ન હતો. કેપલરનો એ જમાનો હતો જ્યારે દૂરબીન હજી શોધાયું ન હતું અને જગત એમ જ માનતું હતું કે આકાશમાં છ ગ્રહો છે. કેપલરનું કહેવું હતું: શા માટે ફક્ત છ જ ગ્રહો? શા માટે, આઠ, દસ, પંદર, વીસ નહીં? આવા વિચારો માટે કેપલરને દેશનિકાલ કરવામાં આવ્યો. યોહાનેસ કેપલરે એક જ વાક્ય કહ્યું: હું દંભ ક્યારેય શીખી શક્યો નથી...

ભૂલ કોણ કરે છે, શોધક કે જગત? વૈજ્ઞાનિક પોતાની ભૂલ તરત જ સ્વીકારી શકે છે પણ જગત એટલું જલદી પોતાની ભૂલ પણ સ્વીકારી શકતું નથી. અને એટલું જલદી ભૂલી પણ શકતું નથી. સત્યમેવ જયતે નામનો મુદ્રાલેખ જગતને બહુ મોડો સમજાય છે પણ અન્ય દુનિયાઓની જેમ, વિજ્ઞાનની દુનિયામાં પણ સત્યનો જ જય થાય છે. જો કે પોતાના જીવનકાળ દરમિયાન જ માણસના સત્યનો જય થવો જરૂરી નથી. ઘણી વાર માણસનું સત્ય જગત એના મૃત્યુ પછી સ્વીકારતું હોય છે.

જ્યોર્જ સાઈમન ઓહ્મ એક જર્મન સ્કૂલ શિક્ષક હતો. વિદ્યુતના ક્ષેત્રમાં ઓહ્મ શબ્દ આજે એક માપ કે સંજ્ઞારૂપે વપરાય છે. ઓહ્મે કહ્યું કે વિદ્યુતનો પ્રવાહ વીજળીના તાર સાથેના આંતરિક ઘર્ષણ પર આધાર રાખે છે. આને ઓહ્મના નિયમ તરીકે વિદ્યુતશાસ્ત્રમાં સ્થાન મળ્યું છે: બૅટરીના વૉલ્ટેજ પ્રમાણે પ્રવાહની વધઘટ થાય છે અને તાર સાથેના આંતરિક ઘર્ષણ સાથે ઊંધા અનુપાતમાં એ પ્રવાહની વધઘટ થતી રહે છે. 1826માં ઓહ્મનો નિયમ પ્રકટ થયો અને એના માથા પર આસમાન તૂટી પડ્યું. એનો ઉપહાસ કરવામાં આવ્યો. જ્ઞાનીઓએ એના વિચારને તોડીફોડી નાખ્યા અને કોલોન નગરમાં ઓહ્મ જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી એને રાજીનામું આપી દેવું પડ્યું. 

વર્ષો સુધી ઉપહાસ અને અવહેલના સહન કર્યા પછી ઓહ્મને પોતાનું સ્થાન પુન:પ્રાપ્ત થયું. એ સાચો હતો, એની ભૂલ જ સત્ય હતી, એને ઉતારી પાડનાર વિદ્વાનો ખોટા હતા. ઓહ્મ એટલો ખુશકિસ્મત હતો કે એના જીવનકાળ દરમિયાન જ, પણ વર્ષો પછી 1849માં એને ભૌતિકશાસ્ત્રનો પ્રોફેસર બનાવવામાં આવ્યો.

વિજ્ઞાન અને તંત્રજ્ઞાનમાં દરેક અન્વેષક જ્યૉર્જ ઓહ્મ જેટલો સૌભાગ્યવાન હોતો નથી. કેટલીય શોધો ઘણી પહેલાં થઈ ચૂકી હતી પણ તત્કાલીન સમાજ એ સ્વીકારવા તૈયાર ન હતો એવું મનાય છે કે આજનાં લેસર કિરણો જેવા જ કિરણો મેક્સિકોની આઝટેક પ્રજાએ વાપર્યાં હતાં. દિલ્હીમાં ઊભેલો લોહસ્તંભ સેંકડો વર્ષોથી વરસાદ અને તડકામાં ઊભો જ છે અને એને કાટ લાગ્યો નથી. લોખંડને શુદ્ધ કરવાની કોઈક કલા કારીગરી આપણી પાસે હતી જે કાલની ગર્તામાં ખોવાઈ ગઈ છે. પ્રાચીન ઈજિપ્તમાં જ્યારે ટોલેમીનું રાજ્ય હતું ત્યારે એક સ્ટીમ એન્જિન શોધાયું હતું અને એનું કામ હતું દીવાદાંડી પર પાણી ચડાવવાનું. બહુ જ આરંભિક યાંત્રિક પંપ એમાં જોડવામાં આવ્યો હતો અને આ દીવાદાંડી ફારોસના ટાપુ પર હતી. પણ એના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. રાજાને થયું કે જો પંપ હશે તો મજૂરો કામ નહીં કરે. મધ્યકાલીન બગદાદમાં એક ઈલેક્ટ્રિક બૅટરી બનાવવામાં આવી હતી પણે અમાં સંશોધન કરવા પર મનાઈ ફરમાવવામાં આવી. એવો ભય હતો કે હસ્તઉદ્યોગો આવી શયતાની શોધથી નાશ પામશે. પોપોવ નામના શોધકે પ્રથમ રેડિયો-સેટ બનાવ્યો ત્યારે લોકોને થયું કે આ એક મનહૂસ યંત્ર છે અને એમણે રોષમાં આવીને એ સેટ તોડી નાખ્યો. ઘઉં દળવા માટે રોમમાં એક પાણી દ્વારા ચાલતી મિલ બનાવવામાં આવી હતી. આ દ્રષ્ટાંતમાં પણ રાજાએ નિષેધ ફરમાવ્યો, કારણ કે એને લાગ્યું કે ગુલામો નકામા થઈ જશે. જો આવાં મશીનો કામ કરવા માંડશે તો માણસોનું શું કરીશું?

વિજ્ઞાન અને કલાનો એક ફરક છે. કલામાં મારા પૂર્વજ અને મારી વચ્ચે માત્ર એક ભાવનાત્મક સંબંધ છે, જે બિંદુ પર અટકે છે ત્યાંથી મારે શરૂ કરવાનું નથી. મારું આરંભબિંદુ અને મારું અંતબિંદુ મારા જીવનની જેમ મારાં પોતાનાં છે. વિજ્ઞાનની દુનિયામાં એક આઈનસ્ટાઈનની પાછળ એક ન્યુટન જરૂર રહેલો છે. ન્યુક્લીઅર પાવર કે સૌરઊર્જા કે વિદ્યુતની પાછળ કોલસો છે અને કોલસાના પહેલાં લાકડું ઊર્જાનો સ્ત્રોત હતું. વિજ્ઞાન એક પરંપરા છે, કલાઅંશત: એક પ્રણાલિકાનું ભંજન છે. કલામાં ભૂલ નામનો શબ્દ બાહ્ય છે, બહુ સાંદર્ભિક પણ નથી. વિજ્ઞાનમાં ભૂલ એ બુનિયાદ છે અને ગુંબજ છે. ભૂલ એક સહાયક શબ્દ છે.  

ક્લોઝ અપ:
દવા મારી ધર્મપત્ની છે, પણ સાહિત્ય મારી પ્રિયા છે. જ્યારે હું એકથી થાકી જઉં છું ત્યારે જઈને બીજી સાથે સૂઈ જઉં છું. 
- એન્ટન ચેખોવ
(મહાન રશિયન નાટ્યકાર-વાર્તાકાર, જે વ્યવસાયે ડૉક્ટર હતો).

"Medicine is my lawful wife and literature my mistress; when I get tired of one, I spend the night with the other."

(સમકાલીન : જૂન 11, 1989)
(પુસ્તક: યુવતા / વિજ્ઞાન વિશે/ચંદ્રકાંત બક્ષીના ઉત્કૃષ્ટ નિબંધો)

March 30, 2013

સાહિત્ય

આજનો જમાનો લેબલો લગાવવાનો છે. દ્રષ્ટાંત. દલિત સાહિત્ય. સાહિત્ય સાહિત્ય હોય છે, સારું હોય છે અથવા ખરાબ હોય છે, એ દલિત કે લલિત હોતું નથી. ભાટિયા પ્રેમ કે વાઘરી દોસ્તી કે આદિવાસી આંસુ કે જૈન હાસ્ય કે પાટીદાર દુશ્મની જેવું કંઈ હોય તો મને ખબર નથી. માતૃપ્રેમ કે વફાદારી કે ઉલ્લાસ કે નિર્દોષતા કે વીરત્વને જાતિવાચક કે સમૂહવાચક વિશેષણો લગાવવાની જરૂર નથી. મારે માટે સાહિત્ય એક બુનિયાદી પ્રાકૃતિક શબ્દ છે, વેદના કે વિલાસ કે વિરક્તિ જેવો. ગાંધીવાદી વેદના કે દલિત વેદના કે રૂપવાદી, કલાવાદી, સૌંદર્યવાદી વેદના કે સર્વેક્ષણાત્મક-આલોચનાત્મક વેદના કે ગ્રામીણ આંચલિક નાગરિક વેદના કે કાળી ઘઉંવર્ણી-ગોરી વેદના... જુદી જુદી વેદનાઓ હોય એવું હું માનતો નથી. હું કલાકારની એક જ વેદના સમજ્યો છું જેમાંથી સાહિત્ય પ્રકટે છે. જો એ વેદના સાચી હોય તો એ સાહિત્ય મને ગમે છે. એ વેદનામાં મિલાવટ હશે તો એ સાહિત્ય માત્ર લેબલો બદલવાથી મને ગમાડી શકાતું નથી.

(સમકાલીન: જાન્યુઆરી 25, 1989માં સયાજીરાવ ગાયકવાડ વિશેના લેખમાંથી)

(પુસ્તક: વિવિધા-1)

March 29, 2013

ગોવર્ધનરામ: લેખક, માણસ, સરસ્વતીચંદ્ર (Govardhanram Madhavram Tripathi and Saraswatichandra)

1988ના એપ્રિલમાં સરસ્વતીચંદ્ર નવલકથાના પ્રથમ ખંડના પ્રકાશનને એકસો વર્ષ થઈ ગયાં. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની ઉંમર 32 વર્ષની હતી, ત્યારે 1887માં એ પુસ્તક પ્રકટ થયું. એ વર્ષ હતું જ્યારે કનૈયાલાલ મુન્શી, રામનારાયણ વિ. પાઠક અને ચુનીલાલ વર્ધમાન શાહ જન્મ્યા હતા, બળવંતરાય ઠાકોર ઈન્ટર પાસ થયા હતા, ગાંધીજી મેટ્રિક પાસ થયા હતા, રમણભાઈ નીલકંઠ બી.એ. પાસ થયા હતા. કેશવ હર્ષદ ધ્રુવ ભુજમાં હેડમાસ્ટર બન્યા હતા. મહારાણી વિક્ટોરીઆના અભિષેકનો સુવર્ણ મહોત્સવ ઊજવાઈ રહ્યો હતો. એક વર્ષ પહેલાં કવિ નર્મદનો દેહાંત થયો હતો. જ્યોતીન્દ્ર દવેના પિતા હરિહરશંકર દવે ભાવનગરની શામળદાસ કોલેજના પ્રથમ વિદ્યાર્થીઓની સાથે બેંચ પર બેઠા હતા... અને બે વર્ષ પહેલાં શ્યામજી કૃષ્ણવર્મા બેરિસ્ટર થઈને હિંદુસ્તાન આવ્યા હતા અને રતલામના દીવાન બન્યા હતા, ગિજુભાઈ બધેકા જન્મ્યા હતા.

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

સરસ્વતીચંદ્ર અને ગોવર્ધનરામ ગુજરાતી સાહિત્યમાં પર્યાયવાચી શબ્દો બની ગયા છે. ઉમાશંકર જોષીએ કહ્યું છે એમ ગોવર્ધનરામ નસીબદાર છે, દરેક પેઢીના કલાકારો અને વિવેચકોને એ આકર્ષતા રહ્યા છે. કોઈપણ લેખક જો તીવ્ર ભાવો-પ્રતિભાવો પ્રકટાવી શકે અને પેઢીઓ પછી પણ પ્રકટાવી શકે તો મારી દ્રષ્ટિએ લેખકને માટે એ ઉચ્ચતમ સાહિત્યિક સિદ્ધિ છે. મહાન કૃતિકાર એવું લખી શકે છે જે દરેક ભાવકને પોતાનું નિજી અર્થઘટન કરવાનો અનાયાસ વ્યાયામ કરવા આક્રોશિત કરી શકે છે. વાચકને પોતાની બૌદ્ધિક ભૂમિકા પર લાવવો, મુકાબિલ કરવો, વાચકને વાચા આપવી એ લેખકનો પ્રથમ ધર્મ છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી એ અર્થમાં શતાંશ: યુગપ્રવર્તક ગુજરાતી નવલકથાકાર સાબિત થયા છે. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા 'કરણઘેલો' લેખક નંદશંકરથી આ પેઢીના નવલકથાકાર પ્રકાશ ત્રિવેદી સુધી દરેક ગંભીર ગુજરાતી શબ્દકારે ગોવર્ધનરામના સરસ્વતીચંદ્ર પર પોતાનો અભિપ્રાય આપ્યો છે, એને આપવો પડ્યો છે. તમે જ્યારે ગોવર્ધનરામ વિશે અભિપ્રાય આપો છો ત્યારે તમારા હૃદયના નહીં, પણ તમારી બુદ્ધિમતાના, નીતિમત્તાના, ઈયત્તાના ઈલેક્ટ્રો-કાર્ડીઓગ્રામના 'પી'-વેવ અને 'ક્યુ'-વેવ અને 'ટી-વેવ' અને 'ક્યુ-ટી ઈન્ટરવલ' અને બધું જ સ્પષ્ટ થઈ જાય છે. સેલ્સીઅસ કે ફેરનહાઈટ કે વોટ કે ઓહમ્સની જેમ 'ગોવર્ધનરામ' શબ્દ ગુજરાતી સાહિત્યકારને માપવાના બુદ્ધિદંડનું નામ છે.

ગુજરાતીના પ્રથમ નવલકથાકાર નંદશંકરે લખ્યું હતું: મારા વહાલા ગોવર્ધનરામ... તમારો ફિલસૂફ રખડું, આ પેઢી જે જ્ઞાનને ખાતર જ્ઞાન માટે તૃષા ધરાવે છે પણ કાર્યશીલતાવિહોણીછે અને સમાજના જીવનપટને સરખું સમું કરવા માટે પોતાના જ્ઞાનનો વિનિયોગ કરવા માટે તો તેથીય વધુ અસમર્થ છે તેનું સાચું સંતાન છે....!' સન 1907માં આનંદશંકર બાપુભાઈ ધ્રુવે ગોવર્ધનરામના મૃત્યુ સમયે જરા વધારે સ્પષ્ટ લખ્યું હતું: સરસ્વતીચંદ્રને નવલકથા કહેવી કે નહીં એ શબ્દપ્રયોગનો પ્રશ્ન છે. ' કવિ નાનાલાલ વરસી ગયા હતા, એમના વિશેષ ધોધને અંતે એમણે નિષ્કર્ષ કાઢ્યો હતો: 'સરસ્વતીચંદ્ર જગતની ચિરંજીવી મહાકાદંબરી છે.'

ગુજરાતી ભાષાના જબરદસ્ત નામોએ સરસ્વતીચંદ્ર અને ગોવર્ધનરામ વિશે વ્યક્તિગત અભિપ્રાયો આપ્યા છે. મહાદેવ દેસાઈની માર્ચ 25, 1932ની ડાયરીમાં ગાંધીજીએ સરસ્વતીચંદ્ર પર આપેલા મંતવ્યની નોંધ છે: 'પહેલા ભાગમાં એમણે પોતાની શક્તિ ઠાલવી. નવલકથાનો રસ પહેલામાં ભરેલો છે. ચરિત્રચિત્રણ એના જેવું ક્યાંય નથી; બીજામાં હિંદુ સંસાર સરસ ચીતરાયો છે, ત્રીજામાં એમની કળા ઊડી ગઈ; અને ચોથામાં એમને થયું કે હવે મારે જગતને જેટલું આપવું છે તે આ પુસ્તક દ્વારા જ આપી દઉં તો કેવું સારું.'

ગોવર્ધનરામે સ્વયં લખ્યું છે કે એમની ઈચ્છા નિબંધ લખવાની હતી. નવલકથા વધારે લોકપ્રિય માધ્યમ હતું. માત્ર બાવીસ વર્ષની વયે ગોવર્ધનરામે 'વ્યવહારુ સંન્યાસ' વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. માત્ર 19-20 વર્ષે એમણે એકસો એક કાંડવાળું સંસ્કૃત ખંડકાવ્ય 'હૃદય-રુદિત શતક' લખ્યું હતું, જેની સંસ્કૃત 'વિજ્ઞપ્તિ:'ને અંતે લખ્યું હતું; 'ગોવર્ધનસ્ય ત્રિપાઠીન:'! સરસ્વતીચંદ્રના ચાર ભાગો સાચા અર્થમાં મહાનવલની કક્ષાના છે: લગભગ 150 જેટલાં પાત્રો, 1900 પૃષ્ઠો. એ 19મી સદીની નવલકથાઓની વિશિષ્ટતા હતી. સોળમે વર્ષે એ છઠ્ઠા ધોરણમાં હતા અને મેટ્રિક (સાતમું ધોરણ)ની પરીક્ષા આપીને પાસ થઈ ગયા હતા. એ જ વર્ષે એમણે પ્રથમ સંસ્કૃત શ્લોક બનાવ્યો હતો. 1873માં 18મે વર્ષે ગોવર્ધનરામ અંગ્રેજીમાં ભાષણો કરી આવેલા. એ ભાષણોના વિષયો હતો: Is there any creator of this universe? અને The state of Hindu society in Bombay Presidency!

કવિ નાનાલાલ દ્વારા ગોવર્ધનરામને 'બાણભટ્ટના ગુર્જરાવતાર કહેવાય છે (બાણ 'કાદંબરી' પૂરી લખી શક્યો ન હતો, એના પુત્ર પુલિન ભટ્ટે એ પૂરું કર્યું હતું એવી કથા છે). એક જરા રસિક વાત પણ છે કે 1905માં ગોવર્ધનરામને સરસ્વતીચંદ્રનો પાંચમો ભાગ લખવા માટે વિનંતી કરવામાં આવી હતી પણ એમણે ઈનકાર કર્યો હતો. એ પછી બીજા કોઈએ પાંચમો ભાગ લખ્યો પણ છે! ગોવર્ધનરામનું અંગ્રેજી બહુ સરસ હતું. એમણે 1885થી એમની ડાયરી જેવી સ્ક્રેપ-બુક લખવી શરૂ કરી હતી. એ ડાયરીઓનું પ્રકાશન 1969માં થયું હતું એવી માહિતી છે! મતલબ કે 84 વર્ષો પછી એ સ્ક્રેપ-બુકો પ્રકટ થઈ! ગોવર્ધનરામના વાંશિક ગુજરાતી નવલકથાકાર ડૉ. પ્રકાશ ત્રિવેદીએ આ વિશે થોડી માહિતી આપી છે. ડૉ. ત્રિવેદી એમની 'જેક્સન સિમ્ફની' અને 'સીમાનું આકાશ' નવલકથાઓથી પ્રસિદ્ધ છે. એમણે અમેરિકામાં પોલિમર વિજ્ઞાનમાં પીએચ.ડી પ્રાપ્ત કર્યું છે. ગોવર્ધનરામની 1894માં આકસ્મિક રીતે અવસાન પામેલી નાની બહેન સમર્થલક્ષ્મીના પુત્ર કાન્તિલાલ પંડ્યાની પુત્રી રશ્મિબહેનના પુત્ર ડૉ. પ્રકાશ ત્રિવેદી છે. એટલે એમના નાનાના મામા ગોવર્ધનરામ હતા. ડૉ. પ્રકાશ ત્રિવેદીએ આપેલી માહિતી પ્રમાણે ગોવર્ધનરામ જાન્યુઆરી 1907માં એમના મિત્ર ડૉ. ત્રિભુવનભાઈ ગજ્જરના બંગલામાં અવસાન પામ્યા અને બાણગંગાના સ્મશાનમાં એમના અંતિમ સંસ્કાર થયા. ગોવર્ધનરામની સ્ક્રેપ-બુકો 1907થી 1957 સુધી ડૉ. ગજ્જરના બંગલામાં જ રહી હતી. એ અંગ્રેજી હતી અને પ્રથમ ભાગ કાન્તિભાઈ પંડ્યાએ બહાર પાડ્યો હતો. બીજા અને ત્રીજા ભાગો અંગ્રેજીમાં છે. આજકાલ બધું જ અપ્રાપ્ય છે.

નંદશંકર, આનંદશંકર, નાનાલાલ અને ગાંધીજીના વિવિધ અભિપ્રાયોની જેમ અન્ય સાહિત્ય-દિગ્ગજોના પણ વિભિન્ન અભિપ્રાયો છે. કનૈયાલાલ મુનશીએ 1934માં લખ્યું હતું: '(સરસ્વતીચંદ્રમાં) પ્રેમીઓ, અનંતકાલ માટેના પ્રેમ અને સખ્યના શપથ લે છે, અને ન પરણવાનો નિર્ણય કરે છે. સ્પષ્ટ છે કે કુમુદ વિધવા છે એ સિવાય એ નિર્ણય પાછળ કોઈ વધુ વજૂદવાળું કારણ નથી. ઝવેરચંદ મેઘાણીએ 1946માં 16મી ગુજરાતી સાહિત્ય પરિષદના રાજકોટ સંમેલનમાં કહ્યું હતું: 'મારો પ્રાંત (ગુજરાત) અવ્વલ દરજ્જાના પ્રતિભાવંતોથી વંચિત રહે એ અલબત્ત મને અકળાવે છે. એકદા ગોવર્ધનરામનું સ્થાનેય અર્ધી સદી સુધી ખાલી પડ્યું રહે એ અસહ્ય છે. કારણ કે પ્રતિભાવંતોને અભાવે સામાન્યોમાં વામણા આદર્શોની પૂજા પેસી જાય, સામસામા કૂપમંડકો પેટ ફુલાવતા બેસીએ છીએ. પ્રજા સમસ્ત પણ સાહિત્ય અને સાહિત્યકાર એ બે શબ્દોના ઉચ્ચાર માત્ર સાથે જે એક રગરગવ્યાપી ગંભીરતાને આકાશી વિસ્તીર્ણતાનો ભાવસ્પર્શ અનુભવી રહે તે સાચા સ્વામીને અભાવે અનુભવી શકતી નથી. હું ટાગોરને તો નહીં, પણ ગોવર્ધનરામને તો ગુજરાતને ટીંબે માગું છું. વાણીના સ્વામીઓ વિનાની ગુજરાત સેંકડોને પ્રસવ્યા છતાંય વાંઝણી કહેવાય.' 

મુનશી અને મેઘાણી પછી નર્મદનો અભિપ્રાય જાણવાની ઉત્સુકતા થાય એ સ્વાભાવિક છે. 1885ની 18મી સપ્ટેમ્બરે ગોવર્ધનરામે સરસ્વતીચંદ્રનો પ્રથમ ભાગ લખવો શરૂ કર્યો અને પાંચ જ મહિનાપછી 1886ની 25મી ફેબ્રુઆરીએ નર્મદનું દેહાવસાન થયું. નર્મદ અને ગોવર્ધનરામ સમસામયિકો ન હતા એ ગુજરાતી સાહિત્યની એક વિધિવક્રતા ગણવી જોઈએ. નર્મદે જ્યારે પ્રથમ કાવ્ય લખ્યું ત્યારે એ 22 વર્ષના હતા. અને એ જ વર્ષે ગોવર્ધનરામનો જન્મ થયો હતો: 1855! કદાચ આ બંને મનીષીઓમાં એક ક્રૂર સમાનતા હતી: નર્મદ અને ગોવર્ધનરામ બંને બાવન વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. નર્મદે જ્યારે 'દાંડિયો' શરૂ કર્યું ત્યારે ગોવર્ધનરામ 8 વર્ષના હતા, નંદશંકરનું 'કરણઘેલો' પ્રગટ થયું ત્યારે ગોવર્ધનરામ 11 વર્ષના હતા, દલપતરામનું 'ફારબસ વિલાસ' આવ્યું ત્યારે ગોવર્ધનરામ 12 વર્ષના હતા, કલાપીનો જન્મ થયો ત્યારે ગોવર્ધનરામ 19 વર્ષના હતા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને નરસિંહરાવ ભોળાનાથ દિવેટીઆ એલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણી રહ્યા હતા ત્યારે ગોવર્ધનરામ 22 વર્ષના હતા, ગાંધીજી અને કસ્તૂરબા તેરમે વર્ષે પરણ્યા ત્યારે ગોવર્ધનરામ 27 વર્ષના હતા, રવિશંકર મહારાજનો જન્મ થયો ત્યારે ગોવર્ધનરામ 29 વર્ષના હતા. અને જ્યારે સરસ્વતીચંદ્ર લખવું શરૂ કર્યું ત્યારે ગોવર્ધનરામ 30 વર્ષના હતા! નર્મદ અને ગોવર્ધનરામ બંનેને બહુ જ અલ્પ સર્જનકાળ મળ્યો છે. નર્મદને 30 વર્ષો, ગોવર્ધનરામને 31 વર્ષો (1875માં એમણે સંસ્કૃતમાં હૃદયરુદિત શતકં શરૂ કર્યું એ સર્જનના શ્રીગણેશરૂપે ગણીએ તો).

નર્મદ અને ગોવર્ધનરામ વચ્ચે એક કાલખંડ આવી ગયો. મુનશી ગોવર્ધનરામના પ્રશંસક લાગતા નથી. મેઘાણી પ્રબળ સમર્થક છે. નર્મદ, મુનશી અને મેઘાણીને મેં ગુજરાતી સાહિત્યમાં મારા પિતામહો માન્યા છે અને હું એમનો વાંશિક છું. ગુજરાતી સાહિત્યના એક અદના, નાચીઝ પ્રેમી તરીકે, વાચક તરીકે, શ્રમિક તરીકે, સૈનિક તરીકે મેં 1970માં સરસ્વતીચંદ્ર અને ગોવર્ધનરામ વિશે આપેલા અભિપ્રાયને 1989માં હું જરા પણ ફેરવવાની જરૂર જોતો નથી. સરસ્વતીચંદ્ર મને કોઈ દિવસ બહુ મહાન કૃતિ લાગી જ નથી. એ મને ફોસિલ લાગી છે. ફોસિલ એટલે અશ્મિયુગનું ઉત્ખનન કરીને પ્રાપ્ત કરેલું એકાદ હાડકું, એકાદ દાંત, એકાદ જડબાનો ટુકડો, જેના પરથી એ કાલખંડના પૂરા મનુષ્યપ્રાણીનું હું કલ્પનાચિત્ર સર્જી શકું છું. ફોસિલ ઈતિહાસથી પૂર્વ પરા-ઈતિહાસ અને એથી પણ પૂર્વ પ્રાગૈતિહાસિકનું હોઈ શકે છે. ફોસિલનું ઐતિહાસિક મહત્ત્વ છે, ભૂસ્તરીય મહત્ત્વ છે, નૃવંશીય મહત્ત્વ છે. ગોવર્ધનરામ મારે માટે ગુજરાતી નવલકથાનું પ્રથમ ચરણ છે, પણ સરસ્વતીચંદ્ર એ શ્રેષ્ઠ નવલકથા નથી, આજની શ્રેષ્ઠ નવલકથા નથી. ગુજરાતી સાહિત્યની સર્વકાલીન ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા મને લાગી નથી. ગોવર્ધનરામ મહાન છે, સરસ્વતીચંદ્ર મારે માટે ગુજરાતી નવલકથા સાહિત્ય તવારીખની એક દેશકાળમાં સ્થિત, માત્ર ઐતિહાસિકતાના માપદંડથી માપી શકાય એટલી જ મહત્ત્વપૂર્ણ નવલકથા છે. સમયકાળને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરવા સિવાય વધારે માન આપવાની જરૂર હું જોતો નથી. દરેક કલાકારને જ્ઞાની થવાનો કે અજ્ઞાની રહેવાનો, પૂર્વગ્રહથી અભિગ્રહ સુધીના બધા જ આગ્રહો રાખવાનો મજબૂત હક છે. ગોવર્ધનરામના કૃતિત્વની એ કમાલ છે અને વ્યક્તિત્વનું એ વૈશિષ્ટ્ય છે કે નંદશંકરથી ઉમાશંકર સુધી એ આજે પણ તીવ્ર વિરોધાભાસી પ્રતિભાવો જન્માવી શકે છે. ગુજરાતી ભાષામાં પાઠ્યપુસ્તકો છે, ગુજરાતમાં વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો છે એટલે બસો વર્ષો સુધી સરસ્વતીચંદ્રને 12થી 22 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ ભણતા રહેશે.

માર્ક્સ અને એંગલ્સના "ડાસ કેપિટલ" ગ્રંથ માટે કહેવાય છે: જગતની સૌથી વધુ ચર્ચાયેલી, સૌથી ઓછી વંચાયેલી કૃતિ ! ગુજરાતીમાં  સરસ્વતીચંદ્રને માટે આ વાક્ય લાગુ પડી શકાય. મેં સરસ્વતીચંદ્રનાં પૂરાં 1900 પાનાં વાંચ્યાં નથી. ઘણુંબધું એડિટ થઈ ગયા પછી એ "સુવાચ્ય" નવલકથા બની જશે એ નિશ્ચિંત છે. જો માત્ર પ્લોટ જોઈએ તો પણ સરસ્વતીચંદ્ર સામાન્ય વાચકને પકડી રાખે એવી સશક્ત કૃતિ છે. એના વિશે ઘણું બધું લખાઈ ચૂક્યું છે પણ એક બે નોંધનીય વાતો તરફ ધ્યાન ખેંચવું જોઈએ. 1982માં સરસ્વતીચંદ્રની હસ્તપ્રતો ઉમાશંકર જોઈ રહ્યા હતા અને એમણે જોયું કે પ્રથમ ભાગને મૂળ શીર્ષક 'નવીનચંદ્ર' આપવામાં આવ્યું હતું. પછી છેકીને એ "સરસ્વતીચંદ્ર" કરવામાં આવ્યું હતું. નવીન એટલે નવો માનવી, અને એ જ આશય હતો ગોવર્ધનરામનો. સરસ્વતી એટલે જ્ઞાન, વિદ્યા અને  સરસ્વતીચંદ્ર એક શિક્ષિત, જ્ઞાનસંપન્ન નાયક છે એ ગોવર્ધનરામનો આશય હતો.

પણ મને ગોવર્ધનરામની વિચારધારા જેટલી જ એમની જીવનધારામાં રસરુચિ છે. ગોવર્ધનરામનાં માતા શિવકાશીનું એક પ્રતિભાવંત ચિત્ર ઊપસે છે. ભયંકર ઠંડીમાં સવારે સાડા ત્રણ વાગ્યે ઊઠીને એ સ્નાન કરતાં હતાં. એક વાર એ ઘોડિયું  હલાવતાં હાલરડું ગાઈ રહ્યાં હતાં અને એમણે સાપ જોયો અને હાથથી પકડી લીધો. એમની પાસે જૂનાં ગીતોનો ખજાનો હતો, જેમાંથી કેટલાંક સરસ્વતીચંદ્રમાં વપરાયાં છે. નાનપણમાં ઊંચા ઝાડ પરથી તળાવમાં કૂદીને એ પૂરું તળાવ તરી જતા હતા.

ગોવર્ધનરામ એમની સંસ્કૃત કૃતિ 'હૃદયરુદિત શતકં'ના 99મા શ્લોકમાં લખે છે: આ ભુવન શૂન્યમાર્ગ બનો ભલે, વિધિ એને ફાવે તેટલી ક્રૂરતા ધારણ કરો, એને હવે હું મારા ચરણની રજ જેવો ગણીને કચરું છું!...' પણ આ વીરત્વભાવ અન્યત્ર ક્વચિત જ દેખાય છે. આ લાઈનો વીસમે વર્ષે લખાઈ હતી. એ જ વીસમે વર્ષે એમણે બી.એ. થઈને નિશ્ચય કર્યો કે એલએલ.બી કરીને વકીલાત કરવી પણ નોકરી ન કરવી અને 40મે વર્ષે ધંધામાંથી નિવૃત્ત થઈ જવું, પછી શેષ જીવન સાહિત્ય અને સંસ્કાર સાધનામાં વ્યતીત કરવું. એ વાત લખ્યા પછી 23 વર્ષ બાદ ગોવર્ધનરામ 43મે વર્ષે સ્ક્રેપ-બુકમાં લખે છે કે એ એમના ધંધાની ટોચે પહોંચ્યા હતા અને તમામ ગુજરાતી વકીલોની કુલ આવક કરતાં એમની આવક વધારે હતી. બસ, એ વખતે કારકિર્દીના શીર્ષસ્થાને બિરાજેલા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગુજરાતી સાહિત્યની સેવા કરવા માટે નિવૃત્ત થઈ ગયા. 1887, 1893, 1898 અને 1901માં એમ  સરસ્વતીચંદ્રના ચાર ભાગો પ્રકટ થતા ગયા. એ ચૌદ-પંદર વર્ષોનો યજ્ઞ સાહિત્ય પછી હતો.

ગોવર્ધનરામના જીવનમાં તૂટનો સતત આવતી રહી છે. મુરબ્બીઓની ઈચ્છા એમને આઈસીએસ કરાવવાની હતી, પણ એમણે ના પાડી. 1874માં ગૃહક્લેશ થયો, ગોવર્ધનરામ ઘર છોડીને ભાગી ગયા, ચોપાટીથી ભાયખલા ગયા, ભાયખલામાં ટ્રેન ચૂકી ગયા એટલે ઘેર પાછા આવ્યા. એ વખતે એમની વય 19 વર્ષની હતી, 13મે વર્ષે એમનું પ્રથમ લગ્ન હરિલક્ષ્મી સાથે થઈ ચૂક્યું હતું, ગૃહત્યાગ કર્યો એ જ વર્ષે પ્રથમ પત્ની હરિલક્ષ્મીનું અવસાન થઈ ગયું, પછી પુત્રી રાધા પણ ત્રણેક માસમાં મૃત્યુ પામી. માધવરામની પેઢી તૂટી ગઈ, ભૂલેશ્વરનો માળો વેચી નાખ્યો. બી.એ.ની પરીક્ષામાં પહેલો પેપર બરાબર ગયો નથી એમ ધારીને બીજો ન આપ્યો. પછી પેપરો તપાસાયા ત્યારે ખબર પડી કે પહેલા પેપરમાં બહુ સારા માર્ક હતા! એ બી.એ.માં નાપાસ થયા. બીજે વર્ષે ઉત્તીર્ણ થયા, બીજા વર્ગમાં ભાવનગરમાં નોકરી કરવી પડી. કરકસરના દિવસો આવી ગયા. બીમાર પડી ગયા. 1879માં બીજી એલએલ.બીમાં બેસી શક્યા નહીં. બીજે વર્ષે 1880માં નાદુરસ્ત તબિયત છતાં પરીક્ષામાં બેઠા, નિષ્ફળ ગયા. 1881માં ફરીથી બીમાર થયા, ફરી નાપાસ થયા. 1882માં પરીક્ષા સમયે બીમાર હતા, નાપાસ થયા. છેવટે 1883માં એ એલએલ.બી પાસ થયા.

ગોવર્ધનરામની બીમારી સતત ચાલુ રહે છે, જેમ્સ ટોડના રાજસ્થાનનું ગુજરાતી ભાષાન્તર કરવાનું કામ મળે છે, શરૂ કરીને એ છોડી દે છે. વડોદરાના દીવાન મહિને 500 રૂપિયાની નોકરી અપાવે છે, ગોવર્ધનરામ જતા નથી. આ પૂર્વે પણ નોકરીઓની ઓફરો આવી છે, એ અસ્વીકાર કરતા રહે છે. બીમારીઓ, ખર્ચાઓ ચાલુ રહે છે. 1892માં ન્યૂ ઓરીએન્ટલ બેંક તૂટી એમાં એમના 2700 રૂપિયા ડૂબી ગયા. એમને સંધિવા, ક્ષય, આંખોની તકલીફો થાય છે. એક વર્ષ પછી નાની બહેન સમર્થલક્ષ્મીનું અકસ્માતમાં મૃત્યુ થાય છે. ગોવર્ધનરામ પિતાનું બધું જ દેવું ચૂકવી નાખે છે.

સરસ્વતીચંદ્રનો ત્રીજો ભાગ પૂરો થયો તે પછી કોઈએ તેને પ્રકટ કરવાની હિમ્મત બતાવી નહીં, કારણ કે રાજકીય અશાંતિ અને પ્રેસ એક્ટના દમનને લીધે છાપનારા મુદ્રકો ગભરાતા હતા. એ પ્રકટ થવામાં વિલંબ થઈ ગયો. ગોવર્ધનરામ એ દિવસોમાં રહેવા માટે વસઈ ચાલ્યા ગયા હતા, કારણ કે મુંબઈમાં પ્લેગ ચાલતો હતો. એમને રોજ વસઈથી મુંબઈ આવજા કરવી પડતી હતી. બે વર્ષ પછી ત્રીજો ભાગ પ્રકટ થયો, ગોવર્ધનરામ મુંબઈને હંમેશને માટે છોડીને નડિયાદ ચાલ્યા ગયા. બીજે જ વર્ષે એ સખત બીમાર પડી ગયા, બહુ મુશ્કેલીથી બચી ગયા. 

દર બેત્રણ વર્ષે એક આઘાત આવતો હતો. 1902માં એમની સૌથી પ્રિય પુત્રી લીલાવતી ગુજરી ગઈ, જેનો આઘાત ગોવર્ધનરામ માટે અસહ્ય થઈ ગયો. એક વર્ષ પછી નડિયાદમાં પ્લેગ આવ્યો અને પ્લેગમાં એમનાં માતા શિવકાશી અને સાસુ લહેરલક્ષ્મીનાં એકસાથે અવસાન થઈ ગયાં. એ પછી બીમારી વધી ગઈ, વધતી ગઈ. એમના મિત્ર પ્રો. ગજ્જરે એમને મુંબઈમાં નેપીઅન સી રોડ પર એમના બંગલાની પાસે જ "જેસ્મિન લોજ"માં રાખ્યા. પણ હવે દીપશિખાનું નિર્વાણ સમીપ હતું.

પચાસમાં જન્મદિવસે એમણે એમની સ્ક્રેપ-બુકમાં લખ્યું હતું: 'ઘેર બેઠાં સંન્યાસ એ જ એકમાત્ર ઉકેલ છે.' 

1907ના જાન્યુઆરીની ચોથી તારીખે બપોરે દોઢ વાગ્યે એમનો દેહધર્મ સમાપ્ત થયો. 

જીવનની સંઘર્ષમય ગતિ, અનિશ્ચિતતાનો પ્રકૃતિદોષ, સતત રુગ્ણાવસ્થા, નિકટજનો અને સ્વજનોનાં મૃત્યુ.... ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીને કલાકાર તરીકે જીવવા માટે જીવનમાં કેટલી વાર મરવું પડ્યું હતું?

ક્લોઝ-અપ: 
કોઈ કહેશે કે જુદા જુદા અભિપ્રાય દર્શાવે તેમાં ફળ શું, પરંતુ તેમાં જ ફળ છે. સૌ ઊભરો કાઢ્યા પછી પાશ્ચાત્યશાસ્ત્રના નિયમ પ્રમાણે અનેક ચર્ચા થયા પછી જે ઉત્તમ હશે તે જય પામશે. 
- ગોવર્ધનરામ ત્રિપાઠી
(1905માં અમદાવાદમાં ભરાયેલી પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષીય ભાષણમાંથી) 

(સમકાલીન: ડિસેમ્બર 21, 1989) 

(પુસ્તક: ગુજરાતી ભાષા અને સાહિત્ય-2)

(An Article on Govardhanram Madhavram Tripathi and Saraswatichandra written by Chandrakant Bakshi in Samkalin daily on 21st December, 1989)

March 28, 2013

ગુડ ન્યૂઝ ઈઝ નો ન્યૂઝ

એક જમાનો હતો જ્યારે શીખ્યા હતા: 'નો ન્યૂઝ ઈઝ ગુડ ન્યૂઝ'! (સમાચાર નથી એ જ સારા સમાચાર છે!) આજે હિન્દુસ્તાનની દુનિયા બદલાઈ ગઈ છે. આજે મંત્ર છે: 'ગુડ ન્યૂઝ ઈઝ નો ન્યૂઝ'! (સારા સમાચાર એ સમાચાર જ નથી!) સમાચારમાં શું હોવું જોઈએ? બે આહત, ચાર નિહત, ડાકુ, સ્મગલિંગ, ગૃહિણીની ચેઈન ખેંચી લેવી, બળાત્કાર, લઠ્ઠો પીને મરવું, ગોળીબાર, આતંકવાદ, ઝેરી મીઠાઈ, ભેળસેળવાળાં ઈન્જેક્શન, મકાન હોનારત, રેલવે અકસ્માત, વિમાન દુર્ઘટના, ભાંડોનાં કૌભાંડ, જાસૂસી, ચાર્લ્સ શોભરાજ...

છાપાંનાં પાનાં પરથી ચીસો સંભળાય છે. હિન્દુસ્તાનમાં જો પશ્ચાદભૂમિમાંથી અવાજો અને ધ્વનિઓ અને સાઉન્ડ-ઈફેક્ટ્સ સંભળાય એવાં છાપાં કોઈ તંત્રજ્ઞ (તંત્રી નહિ) શોધી કાઢે તો એ ભારતનું જગતના પત્રકારત્વને એક વિશિષ્ટ યોગદાન હશે. એક જ પાના પર પશ્ચિમ ભારતમાં દુકાળ અને પૂર્વ ભારતમાં નદીની રેલના સમાચાર વાંચવા મળે એથી વધુ સમાચારપત્રવાચકની ખુશકિસ્મતી શું હોઈ શકે? ખરાબ સમાચારથી શરૂઆત કર્યા વિના સવાર જામતી નથી. હિન્દુસ્તાનમાં નવા પત્રકારોની પેઢી ઊભરી આવી છે. એમના અહેવાલોમાંથી મીઠા અને નમકીન બંને સ્વાદો આવી રહ્યા છે!....

પણ ક્યાંય છાપાંઓના ખૂણામાંથી બે ચહેરા નાના માણસની આસમાની યંત્રણા સહન કરવાથી અથવા પર્વત જેટલા ઊંચા પુરુષાર્થની વાત વાંચવા મળી જાય છે અને ઈન્સાન નામના શબ્દની ઝળહળતી ગરિમાથી આંખો ભરાઈ જાય છે. પ્રેરક સમાચાર વાચકને સર્જનાત્મક બનાવે છે. પણ એ જ સમાચારને મહત્ત્વ અથવા યોગ્ય સ્થાન આપવાનો રિવાજ નથી.

(સમકાલીન: મે 14, 1986માં છપાયેલા લેખના અંશો)

(પુસ્તક: પત્રકારત્વ અને માધ્યમો-2)

March 27, 2013

અછૂત કન્યાથી અમેરિકા 1997: ધૂપ મિલ ગઈ રાત મેં...

જીવનની પ્રથમ ફિલ્મ ક્યારે અને કઈ જોઈ હતી એ બરાબર યાદ નથી પણ છેલ્લી ફિલ્મ ગઈકાલે રાત્રે વીડિયો પર જોઈ. જેનું નામ હતું, 'ધ બોર્ન આઈડેન્ટીટી, ભાગ બીજો!' એ અમેરિકન ટેલીફિલ્મ હતી. એના પહેલાં 'અમેરિકન-1997'ના બે ભાગ જોયા હતા. પ્રથમ ફિલ્મ કદાચ 1937માં જોઈ હશે અથવા એ અરસામાં, જ્યારે હું પાંચેક વર્ષનો હતો. અશોકકુમાર અને દેવિકારાણીનું એ ફિલ્મદ્રશ્ય એ વૃક્ષની ડાળીઓ, એ લીટીઓ મન:ચિત્રની જેમ બરાબર યાદ છે: 'મૈં બનકી ચિડિયા...'વાળું એક ગીત હતું, જેને ફિલ્મોની ભાષામાં દોગાના કહેવાય છે. 'અછૂત કન્યા' નામની એક ફિલ્મનો ઉલ્લેખ થતો રહેતો હતો. પણ મને બરાબર યાદ હોય અને જે પૂરી ફિલ્મ જોઈ હોય એ હતી: 'કંગન'. પછી 'બંધન' જોઈ. અશોકકુમાર અને લીલા ચીટણીસ. ફિલ્મી ગીતો કંઠસ્થ થઈ જવાં સ્વાભાવિક હતાં. હું ધારું છું એ વર્ષ 1939નું હતું. મેં જોયેલી પ્રથમ અંગ્રેજી ફિલ્મ 'ધ થીફ ઑફ બગદાદ' હતી. એમાં હિન્દી અભિનેતા સાબુ હતો જેને એલેક્ઝાંડર કોરડાએ બેંગલોરમાંથી ઉઠાવ્યો હતો અને વિશ્વપ્રસિદ્ધ કરી દીધો હતો. સાબુ એક મહાવતનો દીકરો હતો અને કોરડાને હાથીઓની ફિલ્મ માટે હાથીઓ પર ચડી શકે, રમી શકે એવો છોકરો જોઈતો હતો. 'થીફ ઑફ બગદાદ' મેં કલકત્તામાં જોઈ હતી અને બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું એટલે હું મારા ગામ પાલનપુર આવ્યો હતો અને ખોડા લીમડાની નીચે રાત્રે ઠંડીમાં હું મારા નાના નાના દોસ્તોને એની દિલધડક વાર્તા પહેલેથી છેલ્લે સુધી કહેતો અને રોજ રાત્રે કહ્યા કરતો.

અશોકકુમાર અને દેવિકારાણી


અને પાલનપુરમાં પહેલીવાર સિનેમા હાઉસ ખૂલ્યું એ યાદ છે. કદાચ 1940-41નો સમય હતો. અને દિલ્હી દરવાજા બહાર એક ઓપન-એર થિયેટર ખૂલ્યું હતું અને બે આનાની (બાર પૈસાની) ટિકિટ લઈને મેં પ્રથમ ફિલ્મ જોઈ હતી. બે આનામાં ધૂળમાં બેસવાનું, બધા બીડીઓ પીતા-પીતા સિનેમા જુએ. ફિલ્મ કપાયેલી હોય એટલે છ-સાત ઈન્ટરવલ પડે અને ઈન્ટરવલ પડે એ એટલે બધા 'હો....! કરતાં ઊભા થઈ જાય, ફરીથી બીડીઓ સળગે, બધા ફરીને પાછળ જુએ જ્યાં દીવાલની પાછળ અદ્રશ્ય પ્રોજેક્ટર હોય. એકાએક ફરીથી ફિલ્મ શરૂ થાય, અલ્યા બેસી જા!'ના અવાજો થાય, એક બે જણા દોડતા દેખાય અને એમનો પડછાયો 'સ્ક્રીન' પર દોડે, બધું તદ્દન શાંત થઈ જાય, ન થાય તો એક-બે ઊંચા અવાજો વાત કરનારાઓને ધમકાવી નાખે. જે ગીત તૂટી ગયું હોય તે ફરીથી શરૂ થાય, તૂટી ગયું હોય ત્યાંથી અથવા વચ્ચેનો ભાગ કપાઈ ગયો હોય. બે આનામાં મહાઆનંદ મળવાના એ દિવસો હતા. સિનેમા જીવનના પ્રથમ અને અંતિમ રોમાન્સનું નામ હતું.

'અછૂત કન્યા' કે 'અમૃત મંથન' શરૂની ફિલ્મો હતી. પછી 'કંગન', 'બંધન' આવી, દરમિયાન 'કિંગકોંગ' અને 'ઝિમ્બો' આવ્યા, 'હન્ટરવાલી' અને 'ચાબુકવાલી'માં ફિયરલેસ નાદિયા (અમે એમ જ બોલતા) અને જૉન કાવસ આવ્યા. ફિયરલેસ નાદિયા પહેલા માળથી કૂદીને ઘોડાની પીઠ પર પડતી, ઘોડો ઉડાવીને ભાગતો, અમે કૂદી કૂદીને તાળીઓ પાડતા! પછી સોશિયલ ફિલ્મોમાં અમારી દિલચસ્પી થઈ. ધોતિયાની અંદર ખમીસ નાખીને હાફકોટ પહેરેલા, પંકજ મલિકનું 'પિયા મિલન કો જાના... (કે 'આઈ બહાર'!) સાંભળ્યું, ઝૂમી ગયા. નૂરજહાંને જોઈ. શેતાની સુંદરીઓને જોઈ. પરીઓના રાજકુમારને જોયો. પાંખોવાળા સફેદ ઘોડાને જોયો. સિનેમા નવું રમકડું હતું. જેને કલકત્તામાં બંગાલીમાં 'બાઈસ્કોપ' કહેતા હતા. (મને આશ્ચર્ય થયું જ્યારે 1988ના ઓગસ્ટમાં મેં દક્ષિણ આફ્રિકામાં સિનેમા માટે 'બાયોસ્કોપ' શબ્દ સાંભળ્યો. ત્યાં હજુ સુધી 'બાયોસ્કોપ' શબ્દ પ્રચલિત છે.




લોરેલ અને હાર્ડીને શાંત અભિનય કરીને હસાવતા જોયા. ચાર્લી ચેપ્લીનની ફિલ્મ 'ધ ગ્રેટ ડિક્ટેટર'માં હિટલરની અદભુત મીમીક્રી જોઈએ. જ્યારે સ્ટાન લોરેલના મૃત્યુના સમાચાર વાંચ્યા ત્યારે ખરેખર ગ્લાનિ થઈ હતી. 1940ના દશકમાં 'સિકંદર' ફિલ્મ દિમાગ પર એટલી છવાઈ ગઈ હતી કે અમે લાકડીઓના ઘોડા બનાવીને યુદ્ધગીતો પૂરી બપોર ગાતા રહેતા હતા. પછી કલકત્તા ગયા ત્યારે ખબર પડી કે રોક્ષીમાં ત્રણ વર્ષથી 'કિસ્મત' ફિલ્મ ચાલતી હતી, એ જોઈ હતી. પણ એક ફિલ્મ બરાબર યાદ છે એનું નામ હતું: 'હમ સબ એક હૈ!' હું ધારું છું 1945 હશે - એ ફિલ્મમાં ત્રણ છોકરાઓ હતા, એક હિન્દુ, એક મુસ્લિમ અને એક ખ્રિસ્તી. મુસ્લિમ છોકરો બનનાર કલાકારનું નામ હતું રહેમાન અને હિન્દુ છોકરો બનનાર પ્રથમ વાર હિન્દી ફિલ્મમાં ઊતર્યો હતો, એનું નામ: દેવ આનંદ.

ધ ગ્રેટ ડિક્ટેટરનું પોસ્ટર અને 1941માં આવેલી સિકંદર ફિલ્મનું એક દ્રશ્ય


1950ના દશકમાં અમે ઈંગ્લીશ, અમેરિકન અને થોડી વિદેશી ફિલ્મો જોવી શરૂ કરી. કારણ કે હિન્દી ફિલ્મોમાં રાજેન્દ્રકુમાર, શેખર અને ભારતભૂષણ જેવા એક્ટરો આવી ગયા. હીરોઈનો પોર્સીલેઈનની ચમક જેવો મેકઅપ કરવા લાગી અને હિન્દી ફિલ્મોએ એમના એડિટિંગ ડિપાર્ટમેન્ટ બંધ કરી દીધા! મદ્રાસી ફિલ્મોની અનંત ટ્રેજેડીઓ અને અઢી કલાક સુધી રડ રડ કરતી સ્ત્રીઓએ અમને અંગ્રેજી ફિલ્મો તરફ ભગાડી મૂક્યા. દર્શકોના બે વર્ગો પડી ગયા. એક જે હિન્દી ફિલ્મો જોતો હતો, અને બીજો, જે કહેતો હતો કે અમે હિન્દી ફિલ્મો જોતા નથી! હું બીજા વર્ગમાં હતો. બુદ્ધિ અને ધૈર્યની ક્રૂર કસોટી થઈ જતી હતી. 

એના મેગ્નીની, સીલ્વાના મેન્ગોનો, જીના લોલોબ્રિગિડા અને સોફિયા લોરેન


અને એ વખતે હોલીવૂડ અને અમેરિકન ફિલ્મો એમની પરાકાષ્ઠા પર હતાં. ક્લાર્ક ગેબલ અને સ્પેન્સર ટ્રેસી અને ચાર્લટન હેસ્ટન હતા. ઈટાલિયન એના મેગ્નીની અદભુત એક્ટિંગ હતી. સીલ્વાના મેન્ગોનો 'બીટર રાઈસ'માં આવી હતી. જીના લોલોબ્રિગિડા અને સોફિયા લોરેન ઊભરી રહી હતી. ફક્ત આ બધાની સામે એક જ હિન્દી કલાકાર હજી અમને ખેંચી શકતો હતો, એની એક પણ ફિલ્મ અમે છોડતા ન હતા. નામ : રાજ કપૂર.



હું ધારું છું કે બૌદ્ધિક વર્ગને પકડી રાખનારા દેવ આનંદ અને રાજ કપૂર હતા, બન્ને જુદા જુદા કારણોસર લોકપ્રિય હતા. ગુરુદત્તે લોકપ્રિયતાની વ્યાખ્યા બદલી નાંખી. કદાચ ભારતીય દર્શક પુખ્ત થઈ રહ્યો હતો. 'બેધિંગ બ્યુટી'ની એસ્થર વિલિઅમ્સને પણ જોતો હતો અને નરગીસને પણ જોતો હતો. પણ હોલીવૂડનું એ આક્રમણ મહાનગરોની પેઢીઓ પર સંપૂર્ણ હતું. અમે અંગ્રેજી સમજવા અને સુધારવા માટે પણ અંગ્રેજી ફિલ્મો જોતા. કોટ કેમ પહેરાય, ટેબલ પર કેમ બેસાય, કેમ ઓફિસમાં પ્રવેશ કરાય....! કદાચ આ માર્ગ બરાબર ન હતો પણ અમારા માટે આ જ માર્ગ હતો !

એસ્થર વિલિઅમ્સને ચમકાવતી 'બેધિંગ બ્યુટી' ફિલ્મનું પોસ્ટર


અને 1950ના દશકના મધ્યાંત તરફ કલકત્તામાં ચિદાનંદ દાસગુપ્તા અને સત્યજીત રાયે શરૂ કરેલી સિનેક્લબમાં અમે લોકો જોડાઈ ગયા. વર્ષે પચ્ચીસ રૂપિયા ફી હતી. એ વર્ષોમાં કલકત્તા નવી ફિલ્મધારાઓની રાજધાની હતી. બધું જ યાદ છે, 'સ્વરલિપિ' અને 'સાત પાકે બાંધા' જોયાં હતાં, 'આકાશ કુસુમ' અને 'કોમલ ગાંધાર' જોયાં હતાં, બાદલ સરકારનું નાટક 'એબં ઈન્દ્રજીત' શરૂમાં જ જોઈ લીધું હતું. આજે દંતકથાઓ બની ગયેલાં એ નામો નવાં નવાં હતાં: મૃણાલ સેન, સત્યજીત રાય, ઋત્વિક ઘટક, તપન સિંહા. પણ એ દશક સૌથી મહત્ત્વનો એટલા માટે છે કે ફિલ્મ સોસાયટીઓની પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી. નવી નવી કોન્ટીનેન્ટલ અને અન્ય ફિલ્મો ડઝનોના હિસાબે જોઈ. ઈન્ગમાર બર્ગમેન અને આલેં રેને અને આન્દ્રેઝ વાજોદા અને ફ્રાંસ્વા ત્રુફો અને ટોર નીલસન અને અકીરા કુરોસાવા અને... જગતના મહાન દિગ્દર્શકોએ કેમેરા અને કચકડા વચ્ચે જે જાદુઈ વિશ્વ ખડું કર્યું હતું એ જોયું, આંખોથી પીધું, દિલોદિમાગથી અનુભવ્યું, એ કદાચ મારો કલાકાર તરીકેનો સંક્રાંતિકાળ હતો. એ મિલોસ ફોરમેન કે હંગેરિયન ઈસ્તવાન ગાલ રશિયન કે સર્ગઈ બોન્દાર્ચુક કે મિખોઈલ રોમનાં વિશ્વો મેં પહેલાં જોયાં ન હતાં. ફ્રેડરિકો ફેલીની કે માર્સેલ કામ્યુ કે આન્દ્રઝ મુન્કનાં નામો સાંભળ્યાં હતાં. ફિલ્મો જોઈ ત્યારે સ્તબ્ધ થઈ ગયા. સિનેમા કઈ વસ્તુ છે? વરસાદી ફૂટપાથ પર ચાલતા કોન્ટીનેન્ટલ હીરોને જોયા અને દિમાગમાં સેક્સોફોનનો ધ્વનિ પડઘાતો ગયો. લેનિને કહ્યું હતું એમ વિદ્યુતથી લખાયેલી ભાષા વંચાતી ગઈ...

ફ્રેડરિકો ફેલીની, માર્સેલ કામ્યુ અને આન્દ્રઝ મુન્ક


અને એ ન્યૂ વેવ અને નવી ફિલ્મો અને સમાજવાદી વાસ્તવ પણ પસાર થઈ ગયા. હોલીવૂડ ખતમ થઈ ગયું. યુરોપીય ફિલ્મોનો સ્તર પડી ગયો. બંગાળી ફિલ્મો ઘટિયા થવા લાગી. હિન્દી ફિલ્મો ભેળપૂરી જેવી જ હતી, એમણે ધોરણ સાચવી રાખ્યું હતું. ગુજરાતી ફિલ્મો પણ આવી ગઈ જેમાંની ઘણીખરી ગંધાતી હતી. ગુજરાતી ફિલ્મો વિકલાંગ જ રહી, પચ્ચીસ વર્ષો થયાં, પચાસ વર્ષો થયાં પણ સરકારી બોટલમાંથી ડબલ ટોન્ડ દૂધ દિવસમાં ચાર વાર પીવાની એની આદત છૂટી જ નહીં. આટલા ગમાર હીરો અને આટલી ગંદી હીરોઈનોને વર્ષો સુધી જોયા કરનારી પ્રજા કેવી હશે? જગતના જાડિયા હીરો લોકો જોવા હોય તો ગુજરાતી ફિલ્મો જોવી જોઈએ. ગુજરાતી ફિલ્મો એના વજનથી, સરકારી ઈનામોના વજનથી, હીરો લોકોના ડેડ-વેઈટથી ડૂબી ગઈ. પણ પ્રજાના મનની જલસપાટીમાં ગ્લાનિ કે વેદનાનું એક પણ સ્પંદન આવ્યું નહીં.

સિનેમાની અગ્નિપરીક્ષામાંથી નવી સૃષ્ટિ જન્મી: ટેલિવિઝન! 1972માં મુંબઈમાં આવ્યું અને બીજી ઓક્ટૉબર 1988ને દિવસે મુંબઈમાં ટીવીએ 16 વર્ષ પૂરાં કર્યાં. બ્લેક એન્ડ વ્હાઈટ હતું. પછી કલર આવ્યું. મધ્યમવર્ગે ટીવીને અપનાવી લીધું. જગતભરમાં જે બન્યું એ જ અહીં પણ થયું. સિનેમાગૃહો ખાલી થઈ ગયાં. મધ્યમવર્ગ, શિક્ષિત વર્ગ ટીવીના નવા રમકડાની માયામાં ખોવાઈ ગયો. ફક્ત પીટ ક્લાસ સિનેમાને હંમેશની જેમ વફાદાર રહ્યો. દરમિયાન વિજ્ઞાન અને વિદેશપ્રવાસોએ વીડિયોવિશ્વ ખોલી આપ્યું. જે વીડિયો 70-75 હજારમાં ખરીદાતો હતો એ હવે 12-13 હજારમાં મળવા લાગ્યો. મધ્યમ અને ઉચ્ચ મધ્યમવર્ગ વીડિયોપ્રેમી બની ગયો અને વીડિયો-પાયરસીને લીધે દરેક ફિલ્મ દરેક ઘરમાં પહોંચતી થઈ ગઈ. સિનેમા-સંસ્કૃતિ શેષ થઈ ગઈ.

આજે હું વ્હીસ્કીનો ગ્લાસ લઈને, માથાની નીચે બે તકિયા મૂકીને, લેટીને અમેરિકન ટીવી શ્રેણી 'કોલ્બીઝ'નો 45મો ભાગ જોઉં છું. 'રૂટ્સ; જોઉં છું કે 'ડીનેસ્ટી' જોઈ શકું છું. મારા ઘરમાં, મારા માહૌલમાં, મારા સમયે હું ફિલ્મ જોઈ શકું છું. મારે હાઉસ-ફૂલના પાટિયા સામે ઊભા રહેવું પડતું નથી, બાજુમાં ગળામાં રૂમાલ બાંધેલો ઘાટિયો ચાર કા દસ, ચાર કા દસ બોલતો બોલતો એનો બેવડો શ્વાસ મારા કાનમાં ફૂંકતો નથી અને સભાખંડની અંદર મારી બાજુમાં લુંગી ઊંચી કરીને બે લોફરો ડ્રેસ સર્કલ કે બાલ્કનીમાં બેસી ગયા નથી. મારો એક ક્લાસ છે - સ્વચ્છતાનો, બુદ્ધિનો, અભિજાત, રુચિનો, કલાકારનો. ગંદા કે અબુદ્ધિ અને સીટીઓ મારનારા કે સતત વાતો કર્યા કરનારા દર્શકો સાથે બેસીને હું હવે સિનેમા જોઈ શકતો નથી. જમાનો 1940માં હતો એ 1989માં નથી. બે આનામાં ધૂળમાં બેસીને ફિલ્મ જોઈ હતી, હવે વીડીયો પર 19"ના કાચ પડદા પર ફિલ્મ જોઈએ છીએ. સિનેમા હવે ઘરોમાં આવી ગયો છે. દરેક દર્શક પોતાની બુદ્ધિમત્તા પ્રમાણે પોતાને જે, જેટલું અને જેવું જોવું હોય, જોઈ શકે છે! આ વીડિયોનો વૈજ્ઞાનિક કમાલ છે.

અને સિનેમા અમારી પેઢીના પૂરા જીવન સાથે મોટો થયો છે. 1938થી 1988, લગભગ પચાસ વર્ષો સુધી સિનેમા જીવન સાથે કદમ મિલાવતો રહ્યો છે. થ્રી-ડી પણ આવ્યું અને સ્ટીરીઓફોનિક પણ આવ્યો અને 70 એમએમ પણ આવ્યું. પણ કદાચ બોબ હોપે અંતિમ શબ્દો કહી દીધા છે: સિનેમાને ખરેખર તો ફોર્થ ડીની જરૂર છે અને એ ચોથું પરિમાણ કે ફોર્થ ડિમેન્શન છે: વાર્તા ! સિનેમાની વાર્તા સરસ હોવી જોઈએ.

બસ, હું પણ માનું છું કે વિજ્ઞાન અને તાંત્રિક ખૂબીઓ અને અભિનય અને મોટાં નામો અને સુંવાળી ચામડીઓ...બધું ગૌણ છે. વાર્તા સશક્ત હોવી જોઈએ. વાર્તા સશક્ત હોવી જોઈએ....વાર્તા સશક્ત હોવી જોઈએ....! 

(સ્ટારડસ્ટ, જાન્યુઆરી 1989)
(પુસ્તક: પત્રકારત્વ અને માધ્યમો - 1)

ધાર્મિક પ્રવચન : દાઢી, ઉદાહરણ અને શબ્દની માયા....

ધાર્મિક કથાઓ અને પ્રવચનો લોકપ્રિય હોવાનું એક કારણ એ છે કે લોકો નિરક્ષર છે. જે સ્ત્રીને વાંચતાં આવડતું નથી એને માટે કથા સાંભળવા બેસી જવું એ બીજો શ્રેષ્ઠ માર્ગ છે! જેમને થોડું પણ વાંચતાં આવડે છે એમને ક્યારેક વાંચવાનો કંટાળો આવે છે અને જેમને ઘણું વાંચતા આવડે છે એમને વાંચવા માટે પુસ્તકો મળતાં નથી! આજે ગુજરાતી ભાષામાં રામાયણ કે મહાભારતના દરેક શ્લોકનો સમશ્લોકી અનુવાદ હોય એવા ગ્રંથો મળતા નથી. એટલે કે ગુજરાતીમાં કરોડોપતિઓ છે, મહાત્માઓના સોના-ચાંદીમાં વજન કરી આપનારા અબુધ ભાવકો છે, ટ્રસ્ટો છે, અબજો રૂપિયા છે...પણ સંપૂર્ણ મહાભારત કે રામાયણ મુંબઈના બજારમાં સંસ્કૃત-ગુજરાતીમાં મળતું નથી. અમેરિકન કે રશિયન સરકાર કે ઈંગ્લંડ કે જર્મનીના કોઈ વિશ્વવિદ્યાલયે હવે આવાં મહાભારત કે રામાયણ પ્રકટ કરવાં જોઈએ....! 

ત્યાં સુધી આપણે સાધુ મહાત્માઓને ધર્મની સિઝનમાં સાંભળીને ધર્મ-લાભ પ્રાપ્ત કરવો જોઈએ. દરેક ધાર્મિક ગુરુ કે ગોડમેન મહાન વક્તા હોય છે. એ એના ધંધા માટે જરૂરી છે, જેમ હાઈકોર્ટના વકીલ પાસે સરસ અંગ્રેજી હોવું જરૂરી છે એમ! મને એક બીજી વાત પણ સમજાઈ છે કે ધર્મની વાત કરનાર માટે દાઢી બહુ જરૂરી છે. દાઢી મૂછ વગરના ક્લીન શેવ સાધુ જામતા નથી. દાઢી સાધુના યુનિફોર્મનો એક ભાગ છે.

લગભગ દરેક સફળ સાધુ અદભુત વક્તા હોવો જોઈએ અને હોય છે. એની વાગ્ધારા અસ્ખલિત વહેવી જોઈએ. અને ધારા સતત રહે અને રસિક રહે એ માટે સાધુની વાત પ્રયત્ન વિના સમજાય એવી હોવી જોઈએ. દરેકની બોલવાની પોતાની રીત હોય છે. પણ દરેક સાધુ હંમેશાં ઉદાહરણનો ભરપૂર ઉપયોગ કરે છે! ઉદાહરણ વિનાની, તદ્દન અમૂર્ત ધર્મકથા ભાગ્યે જ હોય છે. એક દલીલ એવી છે કે જ્યારે તમને શુદ્ધ તર્કથી સાબિત કરતાં આવડે નહિ ત્યારે તમારે ઉદાહરણ કે દ્રષ્ટાંત આપવું પડે છે. જે શ્રોતા ઉદાહરણથી જ સમજી શકે છે એનું માનસિક સ્તર સામાન્યથી નીચું હોવું જોઈએ! ઉદાહરણનો આશ્રય એટલા માટે લેવો પડે છે કે શ્રોતાઓ ગંભીર વાત તરત સમજતા નથી અને એક વાત ચોક્કસ છે કે ઉદાહરણ આપવાથી શ્રોતા તરત અને ચોક્કસ સમજી શકે છે.

ઉદાહરણને ભાષ્યની જરૂર નથી. ઉદાહરણ કે દ્રષ્ટાંત સ્વયં પોતાનું ભાષ્ય છે!

એકવાર સરકારી સાધુ ધીરેન્દ્ર બ્રહ્મચારીએ માયા વિશે સમજાવતાં બે દ્રષ્ટાંતો આપ્યાં હતાં. માયાને શબ્દોમાં સમજાવવી એ અઘરું કામ છે. અઘરું બોલવું સહેલું છે પણ સહેલું બોલવું અઘરું છે. એ જ રીતે અઘરું લખવું સહેલું છે પણ સહેલું લખવું બહુ અઘરું છે. (કંટાળીને કવિ બની ગયેલા દરેક ગુજરાતીના પ્રોફેસરને આ વાતની ખબર છે.) સરળ શબ્દોમાં દ્રષ્ટાંત આપો તો આવા ગહન વિષયને આસાનીથી સમજાવી શકાય. નહિ તો પછી કેવી સ્થિતિ થાય છે? એકને કહી. દુજેને સુની...ગુરુ નાનક કહે દોનો ગ્યાની ! મેટા-ફિઝિક્સ અથવા પરા-ભૌતિકવાદ વિશે એકવાર ડૉ. રાધાકૃષ્ણને ફ્રેંચ દાર્શનિક વોલ્તેયરનું વાક્ય ટાંક્યું હતું. મેટા-ફિઝિક્સ એટલે એ વિજ્ઞાન જેમાં સાંભળનારો કંઈ જ સમજતો નથી અને... બોલનારો તો સમજતો નથી જ! જ્યાં આ સ્થિતિ હોય એ શાસ્ત્રને મેટા-ફિઝિક્સ કહે છે.

બ્રહ્મચારીએ ઉદાહરણ આપ્યું હતું. માયા કોને કહેવી? માયાનો અંત શું હોય? એક કમળના ફૂલ પર એક ભમરો બેઠો હતો. સાંજ પડી અને કમળ ધીરે ધીરે બિડાવા લાગ્યું. ભમરો બિડાતા કમળની માયા છોડી શક્યો નહિ. અંતે કમળ બિડાઈ ગયું. જે ભમરો લાકડું કોતરીને બહાર નીકળી શક્યો હતો એ કમળ ભેદીને બહાર નીકળતો નથી. એ વિચારે છે કે રાત પૂરી થશે સવાર પડશે અને કમળ આપોઆપ ખૂલી જશે. ત્યાં સુધી આ આહલાદક અવસ્થા ચાલુ રહેવી જોઈએ.... અને પ્રાત: પહેલાં જ હાથીઓનું એક ઝૂંડ આવે છે. એક હાથી સૂંઢથી કમળ તોડીને ગળી જાય છે... ભમરો હાથીના પેટમાં....અંત પામે છે....! 

આ માયાની સ્થિતિ છે.

બીજું ઉદાહરણ વધારે સચોટ છે. એક સાપના મોઢામાં દેડકો પકડાઈ ગયો. અડધો દેડકો સાપના મોઢામાં ફસાયેલો હતો અને અડધોઅડધ બહાર હતો. બહાર મચ્છરો ઊડતા હતા અને અડધો ફસાયેલો દેડકો ઝડપથી મોઢું ફેરવી ફેરવીને શક્ય એટલા વધારે મચ્છરો પકડવામાં મગ્ન હતો. પોતે મૃત્યુના મુખમાં હોય ત્યારે પણ પ્રાણીને શરીરના ભોગમાંથી મુક્તિ નથી... અને જીવનની માયા છૂટતી નથી !

માયા વિશે હજારો લીટીઓ ભારતીય દર્શનશાસ્ત્રોમાં લખાઈ છે. કબીરદાસે માયાને માટે 'મહા ઠગની' શબ્દો વાપર્યા છે.

માયાને મન સાથે સંબંધ છે. ઉપનિષદકારે મનને એક ઉદાહરણથી સમજાવ્યું છે. મન મહાસમુદ્ર જેવું છે. એની સપાટી પર મોજાઓની સતત ભરતી-ઓટ છે. પણ મહાસમુદ્રની અંદર પાણી સ્થિર છે. મનને પણ બે સતહો છે. એક ઉપરી જે ચંચળ છે અને બીજી અંદરની જે શાંત અને સ્વસ્થ છે.

ઘણીવાર ઈન્દ્રિયો વેદના આપે છે, ઈન્દ્રિયો સુખ આપે છે, એવું સામાન્ય રીતે મનાય છે, પણ ઈન્દ્રિયો ક્યારેક અનાયાસે હાનિ કરે છે એવું વિવેક-ચુડામણિમાં લખ્યું છે. આ કયા પ્રકારની હાનિ છે? દરેક ઈન્દ્રિય માટે એક દ્રષ્ટાંત કે ઉદાહરણ આપ્યું છે. 'સાંભળવા'થી ક્ષતિ થઈ શકે છે. અવાજ સાંભળીને હરણ કાન ઊંચા કરીને દોડે છે અને શિકારીનું નિશાન બની જાય છે! એ જ રીતે માદાનો 'સ્પર્શ' નર હાથીને ઉત્તેજીત કરી મૂકી છે અને આ ઉત્તેજનાને લીધે એ દિશાભાન ભૂલે છે અને પકડાઈ જાય છે! ત્રીજી ઈન્દ્રિય છે 'દ્રષ્ટિ'. પતંગિયું પ્રકાશ સમજીને દીપકની જ્યોતમાં પડે છે... અને એની પાંખો સળગી જાય છે. ચોથી ઈન્દ્રિય 'સ્વાદ' છે. માછલી કાંટામાં ફસાયેલી વસ્તુ ખાવા જાય અને કાંટૉ એ માછલીનું તાળવું ચીરીને એને પકડી રાખે છે અને માછલી મૃત્યુને શરણ થાય છે. પાંચમી ઈન્દ્રિય છે 'વાસ'ની, જેમાં મધની ખુશ્બૂ મધમાખીને આકર્ષે છે, એ મધ પર બેસે છે અને એના પગ ચોંટી જાય છે...આ પણ બધાં માયાનાં પરિણામો છે.

રૂપકો, દ્રષ્ટાંતો, ઉદાહરણો આપીને જેમ પ્રવચન આપી શકાય એમ પ્રસિદ્ધ શબ્દોના શબ્દાર્થ અને વ્યુત્ત્પત્તિ આપીને પણ સ્વીકાર્ય થઈ શકાય છે. એવાં થોડાં નામો જોવાં જોઈએ.

શબ્દોની ઉત્પત્તિનું શાસ્ત્ર વિરાટ છે. આપણાં કેટલાંક મહાન પાત્રોનાં નામો એવાં શા માટે પડ્યાં એ  જાણવાનો રસ પડશે.

યુધિષ્ઠિર એટલે? યુધિષ્ઠિર એટલે યુદ્ધમાં સ્થિર.

કબીરનો અર્થ અરબીમાં મહાન કે શ્રેષ્ઠ થાય છે. કબીરના પુત્રનું નામ કમાલ હતું.

હનુમાન નામની પાછળ એક વાર્તા છે. વાર્તા એવી છે કે પાર્વતીએ અંજનીના કાનમાં કહ્યું હતું એટલે ગર્ભાધાન થયું હતું. માતા અંજની અને પવનના એ પુત્ર હતા. હનુ વજ્રથી એમની દાઢી તૂટી ગઈ હતી એટલે એમનું નામ હનુમાન પડ્યું હતું!

દશરથ એટલે દસ ઈન્દ્રિયો રૂપી ઘોડાઓને કાબૂમાં રાખે એ દશરથ.

અયોધ્યા એટલે એ સ્થાન જ્યાં યુદ્ધ ન થાય !

વિશ્વામિત્ર માટે પાણિનિએ વ્યાખ્યા આપી છે. અર્થ થાય છે વિશ્વના મિત્ર. અને પાણિનિએ જે વ્યાખ્યા આપી છે એ આ પ્રમાણે છે: વિશ્વમિત્રયસ્ય સ: મિત્ર !

ઈન્દ્રિયોને વશમાં રાખવા માટે એક મહાઋષિ વશિષ્ઠ  કહેવાતા હતા. કહેવાય છે કે કામ અને ક્રોધ એમના પગ દબાવતા હતા.

વેદમાં સૂર્યને 'સવિતા'નું નામ અપાયું છે. સવિતા એટલે જે જન્મ આપે છે એ.

અભિમન્યુ મહાભારતનું પ્રસિદ્ધ પાત્ર છે. મન્યુ એટલે? મન્યુ એટલે અન્યાયને સહન ન કરનારો ક્રોધ!

સીતા એટલે ધરતી. જેને અંગ્રેજીમાં 'ફરો'  (furrow) કહે છે. 

કૃષ્ણ એટલે ખેંચનારો, આકર્ષણ કરનારો ! સંપૂર્ણ આકર્ષક એ કૃષ્ણ છે. કૃષ્ણનો એક અર્થ એવો પણ થાય છે જે આપણું પાપનું આવરણ ઉતારી આપે છે.

અર્જુન એટલે સરળ કે ઋજુ સ્વભાવનો.

અને મંત્ર એટલે? મંત્ર એટલે મનને મુક્ત કરે છે એ! અહીં 'ત્ર'નો અર્થ થાય છે મુક્ત કરવું.

શિક્ષિત સ્ત્રીઓ અને પુરુષોના વિશ્વમાં મુક્તિ અંતિમ શબ્દ છે.

(ગુજરાત સમાચાર : 1985)

(પુસ્તક: ગુજરાતી: ભાષા અને સાહિત્ય- 2)

મંદિર : પૈસા ખર્ચનાર શેઠનું કે પત્થર તોડનાર સર્જકનું?

મંદિર અને મૂર્તિ વિનાના કોઈ ભારતવર્ષની કલ્પના થઈ શકતી નથી. મંદિરનું એક સ્થાપત્ય હોય છે. મૂર્તિનું એક શિલ્પ છે. આ શિલ્પ બનાવવાનું એક સૌંદર્યશાસ્ત્ર છે. ભારતીય હિન્દુ વાસ્તુકલા, શિલ્પકલા, મૂર્તિકલા, સ્થાપત્યકલાનું સ્થાન વિશ્વની પ્રાચીનતમ અને શ્રેષ્ઠતમ કલાઓમાં છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી મંદિરો પથરાયેલાં પડ્યાં છે. દરેક નગર, દરેક ગામ, દરેક કસબામાં, ભગ્ન કે ખંડિત મૂર્તિઓ સર્વત્ર છે. બર્બર-તુર્ક-પઠાન આક્રમકો અને ધર્માંધ અને વહશી મુઘલ પાદશાહોએ મંદિરો-મૂર્તિઓની જે અમર્યાદ તોડફોડ કરી છે એ પણ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફેલાયેલી છે. યુરોપીય ઈતિહાસે આવી જંગલી પ્રજા માટે 'વેન્ડાલ' અને એ વિનાશ માટે 'વેન્ડેલીઝમ' શબ્દો વાપર્યા છે. 

ગ્રીસના ઈતિહાસમાં એક અદભુત પ્રસંગ આવે છે. ઈ.સ. પૂર્વે 404માં (આજથી લગભગ 2425 વર્ષ પહેલાં) એથેન્સ હાર્યું ત્યારે સ્પાર્ટાના સેનાપતિઓએ સૂચન કર્યું કે એથેન્સ નગરને બિલકુલ ધરાશાયી કરી નાખવું જોઈએ અને એથેન્સની પ્રજાને ગુલામો તરીકે વેચી નાખવી જોઈએ. એથેન્સે સ્વયં ભૂતકાળમાં હારેલી પ્રજાઓ સાથે આ વ્યવહાર કર્યો હતો. પણ સ્પાર્ટાએ નિર્ણય લીધો કે ગ્રીસે જગતને આટલું બધું આપ્યું છે માટે આ મનુષ્ય સંસ્કૃતિનો નાશ ન થવો જોઈએ! એથેન્સને સ્પાર્ટાએ જીવતું રાખ્યું. આજે સ્પાર્ટા જગતના પટ પરથી ભૂંસાઈ ગયું છે. પણ એથેન્સ જીવે છે, કારણ કે સ્પાર્ટાએ એને જીવતદાન આપ્યું હતું.

બીજા વિશ્વયુદ્ધ સમયે જર્મનો રોમમાં હતા અને બ્રિટિશ-અમેરિકન સેનાઓ રોમની બહાર હતી. જગત વિસ્ફારિત આંખે જોઈ રહ્યું હતું - રોમમાં યુદ્ધ થશે તો બે-અઢી હજાર વર્ષની યુરોપિય સંસ્કૃતિ, મહાન વેટિકન, મહાન સ્થાપત્યો, શિલ્પો, ચિત્રો, ધાર્મિક પરંપરા બધું જ નષ્ટ થઈ જશે! હિટલરનો સેનાપતિ ફિલ્ડ માર્શલ કેસલરિંગ હતો, જે કલારસિક હતો. હિટલરે આદેશ આપ્યો. અડતાળીસ કલાક સુધી બંને દુશ્મનોએ શાંતિ રાખી કે જેથી જર્મનો પીછેહઠ કરીને પાછળ પર્વતોમાં ચાલ્યા જાય અને બ્રિટિશ-અમેરિકન સૈનિકો રોમમાં પ્રવેશ કરીને કબજો લઈ લે! અને એ રીતે જ બન્યું. હિટલરે રોમના અવશેષો અને ભગ્નાવશેષોને ખતમ થવા દીધા નહીં. આજે રોમની ઐતિહાસિકતા સચવાઈ છે કારણ કે બંને પક્ષો શત્રુઓ હતા પણ બર્બર કે વહશી કે વેન્ડાલ કે જંગલી ન હતા.

હિન્દુસ્તાનનો ઈતિહાસ વર્ષો સુધી, દશકો સુધી, શતાબ્દીઓ સુધી આ બર્બર મૂર્તિખંડનના વેન્ડેલીઝમમાંથી પસાર થતો રહે છે. ધર્મ અને આસ્થા એક તરફ રાખીએ. પણ આક્રમક વર્ગ સૌંદર્યનો પણ શત્રુ હતો એ સત્યને કેમ નકારી શકાશે? ભારતના ઈતિહાસને 2500 વર્ષ પહેલાંના સ્પાર્ટનો કે 50 વર્ષ પહેલાંનો હિટલર પણ મળ્યા નહીં. કદાચ બે વિરોધી સંસ્કૃતિઓ ઈતિહાસના ચૌરાહા પર સામસામી ટકરાઈ ગઈ હતી; એ વિશ્વસંસ્કૃતિનું દુર્ભાગ્ય હતું. એક સૌંદર્યની ભાવક હતી, બીજી સૌંદર્યની ભંજક હતી. એક સૌંદર્યવાદી હતી, બીજી સૌંદર્યવિરોધી હતી. એક મૂર્ત હતી, બીજી અમૂર્ત હતી.

મૂર્તિ ભારતીય છે અને પ્રાચીન હિંદુઓએ એનું એક પૂર્ણ શાસ્ત્ર વિકસાવ્યું હતું. મુઠ્ઠીનો ચોથો ભાગ આંગળ હતો અને બાર આંગળનો એક તાલ બનતો હતો. મૂર્તિ પાંચ, છ, બાર, સોળ કે વધારે તાલની બનતી હતી. બાલમૂર્તિથી અસુરમૂર્તિ સુધી એનો વ્યાપ હતો. મનુષ્યમૂર્તિની મુખાકૃતિકેવી હોય? મુર્ગીના ઊંધા ઈંડા જેવી ગોળ. અથવા  પીપળના ઊંધા પાન જેવી. કપાળ એટલે? માથાના કેશથી ભવાં સુધીનો ભાગ એ લલાટ અથવા કપાળ છે. અને એનો આકાર ધનુષ્ય જેવો કહ્યો છે. ભવાં વિષે કેવી કલ્પના છે? પુરુષમૂર્તિમાં લીમડાનાં પાંદડાં જેવાં અને સ્ત્રીમૂર્તિમાં ધનુષ્યાકાર. આંખો વિશે ઘણી ઉપમાઓ છે. સ્ત્રીનાં નયન ચંચળ ગણાવ્યાં છે. અસ્થિરતાથી મર્દન સુધીના ઘણા ભાવ એમાં પૂરી શકાય છે. આંખો હરણ જેવી, માછલી જેવી હોય છે. કમળ જેવી હોય છે ખંજન પક્ષી જેવી હોય છે. કાનનો આકાર કેવો હોય છે? 'લ' વ્યંજન સાથે કાનને સરખાવ્યો છે. કાન ગીધની ઊંચી કરેલી પાંખના આકારનો છે. નસકોરાં ચોળાના દાણા જેવાં છે. નાસિકા તલના ફૂલ જેવી છે. હોઠ ગલગોટાના ફૂલ જેવા છે. ચિબુકને કેરીની ગોટલીની કક્ષામાં મુકાઈ છે. કાન અને ચિબુક જડ છે. ભવાં, નસકોરાં, આંખો અસ્થિર છે, જીવંત છે, ચેતન છે ---

આ હિન્દુઓનું સૌંદર્યશાસ્ત્ર છે. આ અદભુતનો પ્રાંત છે. સ્તનોના અગ્રભાગની શ્યામતા અને નાભિગામિતાનું પણ ધ્યાન રખાયું છે. સ્ત્રીના દેહવર્ણનમાં પ્રાચીન કવિઓ સ્ત્રીની નાભિ ઉપરથી જે હલ્કી રોમરાજિ ઉપર તરફ ઊઠે છે એને પણ શબ્દસ્થ કરી શકે છે. શિલ્પીએ એ દેહના દરેક ભાગ વિશે વિચાર કર્યો છે. ગળા માટે ત્રણ રેખાવાળા શંખના ઉપરી ભાગને આદર્શ ગણ્યો છે. ગળું અને શંખ બંનેમાંથી સ્વર અને ધ્વનિ સ્ફુરે છે. દેહ ગોમુખ જેવો છે,કટિ કે કમર સિંહ જેવી છે. છાતી બંધ દ્વાર જેવી છે. હાથ હાથીની સૂંઢ જેવા છે (આર્યો ભારતમાં પ્રવેશ્યા ત્યારે એમણે એક વિરાટ પ્રાણી જોયું જે એક હાથથી બધું જ કરી શકતું હતું. એ હાથવાળા પ્રાણીને એમણે નામ આપ્યું હાથી!). ખભા હાથીના માથા જેવા છે. સ્ત્રીનું શરીર ડમરુ જેવું છે (આપણા પૂર્વજો પણ 36-24-36ના વાઈટલ સ્ટેટિસ્ટિક્સ વિશે સજાગ હતા, અત્યાધુનિક હતા). શિલ્પશાસ્ત્ર ઉપમાઓના આધાર પર આગળ ચાલે છે. કોણીથી હથેળી સુધીનો હાથ કુમળા કેળના છોડ સાથે સરખાવ્યો છે. આંગળીઓ ચંપાની કળીઓ જેવી છે. સાથળો? સાથળો કેળના થડ જેવી છે. ઘૂંટણ? ઘૂંટણ કરચલાની પીઠ જેવી છે. પિંડી અને નીચેનો પગ મત્સ્યાકાર છે. પગની આંગળીઓ કમળની ખૂલતી ખૂલતી પાંખડીઓ જેવી હોવી જોઈએ. અને આ બધાની સાથે ભાવ છે, ભંગિમા છે.

દેહભંગ માટે પણ શિલ્પ અને નૃત્યશાસ્ત્રોમાં સ્પષ્ટતા છે. દેહના બંને ભાગો સરખા હોય છે. સમંભગની મુદ્રા છે. મૂર્તિની ગતિને ત્રણ ભાગમાં તોડાય છે એ ત્રિભંગની મુદ્રા છે. દેવીઓ અને યુગલો આ ત્રિભંગમા હોય છે. તાંડવનૃત્ય કે યુદ્ધરત મૂર્તિ અતિભંગમાં હોય છે. અને અંતિમ મૂર્તિ, અંતિમ ભંગિમા છે: આભંગ ! એ મૂર્તિ સાધુ પુરુષની છે. બોધિસત્ત્વની છે, વિદ્વાનની છે, પ્રબુદ્ધની છે. આભંગ મુદ્રામાં મૂર્તિનું મસ્તક જમણી તરફ જરા ઝૂકેલું રહે છે...

(Image source: http://anilmenon.com/blog/images/large/bhangasLarge.gif)


કદાચ આપણા સાંસ્કૃતિક ઈતિહાસની સૌથી મોટી કરુણતા એ છે કે આવું દેવી સૌંદર્ય પ્રકટ કરનારા આપણા અમર સ્થપતિઓ-શિલ્પીઓ અનામ રહ્યા છે. આપણે એમનાં નામો પણ જાણતા નથી. આ હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિની એક વિષમતા છે. અજંતા-ઈલોરા કોણે બનાવ્યાં? ખજૂરાહો અને બેલુર-હલાબીડ કોણે બનાવ્યાં? કોનારક અને મહાબલિપુરમના સ્થપતિ કોણ હતા? દ્વારકા, રામેશ્વરમ, જગન્નાથપુરી કદાચ વધારે પ્રાચીન હશે. પણ વિમળ શાહના દહેરાં કે હઠીસિંહનું દહેરું કે બિડલામંદિર જેવાં શ્રેષ્ઠી નામોવાળા મંદિરો ભારતમાં જ હશે. પ્રશ્ન જરા વેધક છે: મંદિર કોનું હોય છે, જે પૈસા ખર્ચીને બંધાવે છે એનું કે જે સ્થપતિ, શિલ્પી, કલાકાર પથ્થરમાંથી મૂર્તિ બનાવે છે અથવા શૂન્યતામાંથી સર્જન કરે છે એનું? અહીં યુરોપીય અને ભારતીય સંસ્કૃતિઓનો ભેદ બહુ સ્પષ્ટ થઈ જાય છે. આપણો સમાજ હંમેશાં જ વૈશ્યપૂજક કે શેઠપૂજક રહ્યો છે? આ સમાજમાં કેવું બંધારણ છે જ્યાં શેઠ ઉપર અને કલાકાર નીચે છે? આપણ મહાન કવિઓ, નાટ્યકારો, મહાન ગાયકોનાં નામો આપણી પાસે છે પણ મહાન શિલ્પીઓ કે મહાન સ્થપતિઓનાં નામોથી આપણે અપરિચિત છીએ. પથ્થર કે આરસ પર કામ કરનારો શૂદ્ર હતો એ કારણ હશે? કે પછી આપણી સંસ્કૃતિ જ ધનપૂજક છે અને કલાપૂજક નથી? પશ્ચિમમાં આવું નથી.

યુરોપમાં મહેલો, ચર્ચો, કિલ્લાઓ, મઠો બન્યાં. લંડનના સેંટ પોલ્સ કેથિડ્રલને માટે હમેશાં કહેવાય છે કે આ સર ક્રિસ્ટોફર રેનનું નિર્માણ છે. ઈંગ્લંડના વ્હાઈટ હૉલનું બેંકવેટ-હાઉસ સન 1619માં સ્થપતિ ઈનીગો જોન્સે બનાવ્યું હતું. પુનર્જાગૃતિના યુરોપમાં શિલ્પી સ્થપતિઓનાં ડઝનબંધ નામો છે. ફ્લોરેન્સને ધિબર્ટી અને દોતેલોએ બનાવ્યું છે. ફ્લોરેન્સના અતિધનાઢ્ય મેડિસી પરિવારને કોણ ઓળખે છે? એણે કેટલું બધું વિશ્વસંસ્કૃતને આપ્યું છે? પણ જગત એણે પોષેલા એક ગરીબ પરિવારના બીજા પુત્રને ઓળખે છે જે 6ઠ્ઠી માર્ચ 1475ને દિવસે જન્મ્યો હતો. એણે કહ્યું કે હું માત્ર શિલ્પી છું, પણ વિશ્વ એને મહાન ચિત્રકાર તરીકે ઓળખે છે. એના પિતાએ એ ચીતરે એ સામે સખત ક્રોધ કરેલો. એનું નામ પાડ્યું હતું; મિચેલેગ્નીઓલો બોનાર્રોટી સિમોની! પણ આપણે માટે એ મિચેલેન્જેલો કે માઈકેન્જેલો છે!

સેંટ પીટર્સ ચર્ચનો વિરાટ ઘુમ્મટ અને અંદર ચીતરેલું અમર 'સિસ્ટીન ચેપલ'... કયા પોપે એ ચર્ચ બનાવવાના પૈસા ખર્ચ્યા હતા? મિચેલેન્જેલોને તો ફક્ત આ ચિત્ર ચીતરવા માટે ભાડે રાખવામાં આવ્યો હતો! વેનિસ કે ફ્લોરેન્સના ધનપતિઓના ધનથી આખું ઈટાલીઅન સ્થાપત્ય ઊભું થયું છે પણ એમનાં નામો મશહૂર નથી. જે મશહૂર છે એ છે બ્રુનેલેશ્ચી અને ચેલિની અને લિયોનાર્દો દા' વાંચી અને મિચેલેન્જેલો.....! યુરોપમાં વિમળ શાહ કે વસ્તુપાળ-તેજપાળ કે હઠીસિંહ કે બિડલાનાં મંદિરો નથી પણ મહાન સ્મારકો સાથે કલાકારોનાં નામો સંકળાયેલા છે.

જગતના બે સર્વશ્રેષ્ઠ મ્યુઝિયમો - પેરિસનું લુવ્ર અને લેનિનગ્રાદનું હર્મિતાઝ- જોવાના મૌકા મને મળ્યા છે માટે હું મારી જાતને ખુશકિસ્મત સમજું છું. મનુષ્યના હાથ કેવાં દૈવીસર્જનો કરી શકે છે અને હજારો વર્ષથી કરે છે એ મેં આ મ્યુઝિયમોમાં જોયું છે અને પશ્ચિમમાં સર્જકનું નામ જ કલાકૃતિ સાથે લાગે છે, પૈસા ખર્ચનારનું નહીં, એ જોયું છે. સર્જક જ જીવે છે, રૂપિયા લગાવનાર નહીં. પેરીસમાં અઢી હજાર વર્ષ પહેલાંના ફીડીઅન્સઅને પ્રેક્ષીટીલસનાં ભગ્નશિલ્પો છે જેમાંથી જગતભરના શિલ્પીઓની પેઢીઓએ પ્રેરણા મેળવી છે. પણ એ મંદુર બનાવનાર રાજા કે શ્રેષ્ઠીનું નામ નથી. લેનિનગ્રાદમાં ફીડીઅસના શિષ્ય ક્રેસીલ્સનું શિલ્પ છે. બહુ ગર્વથી કહેવામાં આવે છે કે અમારી પાસે પ્રેક્ષીટીલસ છે, સ્કોપાસ છે, લિસીપસ છે (અઢી હજાર વર્ષ પહેલાંના શિલ્પીપ). પણ એમને ભાડે રાખનારા રાજા કે શેઠ કે ધર્મગુરુનાં નામોનિશાન નથી. પેરિસના એફેલ ટાવરનો સ્થપતિ ગુસ્તાવ એફેલ હતો અને ન્યુ યોર્કના સ્ટેચ્યુ ઑફ લિબર્ટીનો સર્જક ફ્રેન્ચ સ્થપતિ ઓગસ્તે બર્થોલ્ડી હતો. અને આ બંને સ્થળો પર જઈને મેં જોયું છે કે સર્જકને એના સર્જન પાસે શું સ્થાન અપાય છે?

પશ્ચિમમાં સર્જકનું નામ જોડવાની પરંપરા છે, ભારતમાં શેઠનું નામ જોડવાની પરંપરા છે. શા માટે? સૌંદર્યનું આ કયું શાસ્ત્ર છે?

(સમકાલીન: 6 માર્ચ 1988)

(પુસ્તક : સમાજ-2)


March 26, 2013

આત્મકથા લખવા માટે લાઇસન્સ કે પરમિટની જરૂર નથી

આત્મકથા લખવા માટે આપખુદ દેશોમાં પણ લાઇસન્સ લેવું પડતું નથી અને આત્મકથાઓ પર પ્રતિબંધ પણ નથી. ગમે તે માણસ, મન થાય ત્યારે, પોતાની આત્મકથા કે બીજાની જીવની લખી શકે છે. ભારતવર્ષમાં મ્યુનિસિપાલિટીમાં જઈને એ માટે પરમિટ કઢાવવી પડતી નથી કે પુલિસની અનુમતિ લેવાની જરૂર પડતી નથી. પણ ગુજરાતી ભાષામાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ, પુલિસ અફસરો, ન્યાયાધીશો, ચિત્રકારો, શિક્ષકો, વૈજ્ઞાનિકો, નર્તકીઓ, વકીલો, ડૉક્ટરો કે લેખકોમાં આત્મકથા લખવાનો બહુ ઉત્સાહ નથી. ગુજરાતી ભાષામાં પ્રમાણમાં બહુ જ ઓછી આત્મકથાઓ લખાઈ છે. કારણ?

ગાંધીજી અને મુનશી પ્રમુખ છે, મોરારજી દેસાઈ એ આત્મકથા લખી છે. ગાંધીજીની એક જ ભાગમાં છે. મુનશી અને મોરારજીની ત્રણ ત્રણ ભાગોમાં છે. ઈન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા પાંચ ભાગોમાં છે. ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ'ની આત્મકથા ત્રણ ભાગોમાં છે. કાકાસાહેબ કાલેલકરે 'સ્મરણયાત્રા' લખી છે. પંડિત સુખલાલજીએ એમનું જીવનવૃતાંત લખ્યું છે. મણિલાલ નભુભાઈનું આત્મવૃત્તાંત વિવાદાસ્પદ રહ્યું છે. નાનાભાઈ ભટ્ટ અને જુગતરામ દવેએ પણ આત્મકથાઓ લખી છે અને નર્મદની અવિસ્મરણીય 'મારી હકીકત' તો છે જ.

ગુજરાતી ભાષામાં આત્મકથાઓ ખોદી ખોદીને કાઢવી પડે છે. રવિશંકર રાવળે આત્મકથાનક ખંડ-1 પ્રકટ કર્યો હતો, બીજો ખંડ કદાચ પ્રકટ થયો નથી. ધૂમકેતુ અને રમણલાલ દેસાઈએ આત્મકથાઓ લખી છે. પણ એક ખરેખર સરસ આત્મકથા છે : કમળાશંકર પંડ્યાની 'વેરાન જીવન.' પાકિસ્તાનથી જાનમહંમદ દાઉદની 'મારાં સંસ્મરણો' આવી હતી. આ સિવાય સારી આત્મકથાઓ લખાઈ હશે પણ સંભવ છે કે આપણને ખબર ન હોય.

મરાઠીમાંથી 'મી. એસ. એમ...'નો ગુજરાતીમાં અનુવાદ થયો છે. એક જબરદસ્ત આત્મકથા હતી વિનાયક દામોદર સાવરકરની 'મારી જન્મટીપ'. મરાઠીમાં ફિલ્મી અભિનેત્રીઓની ચટપટીદાર આત્મકથાઓ કે આત્મકૌભાંડો પ્રકટ થયાં છે, લોકપ્રિય થયાં છે. ગુજરાતીમાં આવું કંઈ નથી. આત્મકૌભાંડ કે આત્મકાંડ લખી શકે એવા ઘણા છે પણ કોઈએ ખાસ લખ્યું નથી. ગુજરાતી સ્વભાવને છૂપું છૂપું ગોપનીય સામાન્ય રીતે માફક આવતું રહ્યું છે.

પણ આત્મકથાનું એક વિપુલ ભારતીય અને વિશ્વ સાહિત્ય છે.

સાર્ત્રની 'વર્ડ્ઝ એક ક્લાસિક ગણાય છે. રશિયામાં રસૂલ હમઝાતોવનું 'મારું દાધેસ્તાન' એક જુદી શૈલીની આત્મકથા છે. કામ્યુની આત્મકથા ડાયરી સ્વરૂપે પ્રકટ થઈ ચૂકી છે. પશ્ચિમી સાહિત્યમાં આત્મકથા એક કલાપ્રકાર તરીકે ભરપૂર વિકાસ પામી છે. રશિયાના ઈલ્યા એહરેનબર્ગથી અમેરિકાના આર્થર મિલર સુધી બંને વિશ્વોની બે પેઢીઓના લેખકો-પત્રકારોએ પોતાની જીવનકથા લખી છે. ઈલ્યા એહરેનબર્ગે જીવનને શતરંજની રમત સાથે સરખાવ્યું હતું. જીવતા રહી જવું એ એક અકસ્માત છે. કદાચ એ દિવસોમાં રશિયામાં મરવા કરતાં જીવવું એ વધારે મોટો અકસ્માત હતો.

આત્મકથા મોરારજી દેસાઈની પણ છે જેમાંથી દરેક પડઘાનો પ્રતિ-પડઘો ઊઠ્યા કરે છે : હું સાચો હતો, હું સાચો હતો, હું સાચો હતો ! આ મહાન આત્મકથાનું લક્ષણ નથી. આત્મકથા પોતાના હાથે પોતાનું વસ્ત્રાહરણ કરવાનું પાપ છે. આત્મકથા શાબ્દિક અર્થમાં આત્માની કથા હોય તો એ પ્રામાણિક રીતે લખવી બહુ કઠિન કામ છે. મહાન મનુષ્યોએ 'સ્વ'ને એક્સ-રે કરીને મહાન કૃતિઓ સર્જી છે. મને ક્યારેક ખરેખર આશ્ચર્ય થાય છે કે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા વિરલ માણસે એમની આત્મકથા શા માટે લખી નથી? અને હિટલર જેવા માણસે જીવનમાં એક જ પુસ્તક લખ્યું: માઇન કામ્ફ (મારું કાર્ય), જે એમની આત્મકથા છે! સંસ્મરણો લખવા અને સ્વકથા લખવી એ બે તદ્દન જુદી વસ્તુઓ છે. ગયાં વર્ષો, રહ્યાં વર્ષો જેવું શીર્ષક આપીને, આપણી આંખોને સાક્ષી બનાવીને ભૂતકાળના લેન્ડસ્કેપ પર ટોર્ચલાઇટ ફેરવી શકાય છે પણ એ દિલની વાતો નથી. લેગ-અમ્પાયર કોઈકની બોલિંગની વાત કરે એવી એ વાત છે. એમાં જીવેલા માણસનો રોષ, પ્રતિબદ્ધતા, ઉષ્મા કે 102 ડિગ્રી તાપમાન આવતું નથી. સંસ્મરણ એ ડિ-હાઈડ્રેટેડ અને કડક થઈ ગયેલી વાત છે. એના પેકેટ ઉપરની ડ્યુ-ડેટ (વાપરવાની અંતિમ તારીખ) ક્યારનીય પસાર થઈ ચૂકી છે. મોળાં મોળાં સંસ્મરણો લખવાં એ ધાણાની દાળ ફાકતા રહેવાનો વ્યાયામ છે. પણ કંઈ જ ન લખવા કરતાં કંઈક લખાવું એમાં કમથી કમ હળવી કસરતનો સંતોષ છે.

ફિલ્મ દિગ્દર્શક ઈન્ગમાર બર્ગમેને જ્યારે આત્મકથામાં લખ્યું કે જવાનીમાં હું જર્મનીની નાઝી પાર્ટી અને હિટરલરનો સમર્થક હતો ત્યારે બૌદ્ધિકોમાં તહલકો મચી જવો સ્વાભાવિક હતું. એ સત્ય કહેવાની હિમ્મત જ ખુશામતિયાને અને ખુદ્દારને જુદા પાડે છે. ગાંધીજી સેક્સ વિશે લખીને પણ સ્વર્ણની જેમ પવિત્ર નીકળી શકે છે. રુસો કે કાસાનોવા એમની રીતે સેક્સની વાત લખીને 'આદરણીય' પણ બની શકે છે. આપણી અમૃતા પ્રીતમ 'રેવન્યુ સ્ટેમ્પ'માં થોડી ઘુટન પરથી પડદો હટાવી શકે છે. પણ આત્મકથામાં સેક્સ આપણા સંદર્ભમાં જરા જટિલ છે. કદાચ આપણા જીવનોમાં સેક્સ એ ભાગ ભજવતું નથી. 'વાસના' જેવા ખુશ્બૂદાર શબ્દને પણ આપણે 'વિકાર'રૂપે જોઈ રહ્યા છીએ, કદાચ...

અમેરિકન નાટ્યકાર આર્થર મિલરે પોતાની 72 વર્ષના જીવનની કથા લખી છે: ટાઇમ બેન્ડ્ઝ! મિલર મહાન કલાકાર છે જે પણ એ અમેરિકાની સૌથી ઈચ્છનીય, ભોગનીય સ્ત્રી મેરેલિન મનરોને પરણ્યો હતો અને એમણે ચાર વર્ષનું લગ્નજીવન ગુજાર્યું હતું. મેરેલિનને મળીને મિલરે કહ્યું: મેં જોયેલી સ્ત્રીઓમાં તું સૌથી જુદી છે, યુ આર ધ સેડેસ્ટ (સૌથી વધુ વિષાદ છે). મેરેલિને કહ્યું: પુરુષોને ફક્ત ખુશખુશાલ છોકરીઓ જોઈતી હોય છે! પછી મેરેલિનને સમજાયું કે મિલર એની પ્રશંસા કરી રહ્યો હતો ! મિલર લખે છે : વેદના વિના સર્જન નથી.

જીવનના અંતમાં કંઈ જ રહેતું નથી. ફક્ત આપણો એકબીજાને જોયા કરવાનો સંબંધ જીવતો હોય છે. મિલર કહે છે એમ, વૃક્ષો પણ આપણને જોયા કરે છે.

રમતવીરો એક જ પુસ્તક લખે છે. વિશ્વનો શ્રેષ્ઠ બૉક્સર જો લુઈ 'માય લાઈફ' 1976માં લખીને 1981માં મરી ગયો. રમતવીર પાસે એક જ વાત હોય છે, એક નાના માણસનું મોટી દુનિયા જીતવાનું સ્વપ્ન. વિજય અમૃતરાજની આત્મકથા આવી રહી છે. એણે એની ફિલસૂફી એક વાક્યમાં કહી દીધી છે: જો મારે જૉન મેકેનરોની જેમ વર્તીને વિમ્બલ્ડન જીતવી પડે તો હું એ જીતવી પસંદ નહીં કરું! હોકીના મહાન ધ્યાનચંદે એની આત્મકથા લખી છે. એનું નામ છે કદાચ 'ધ ગોલ'! ધ્યાનચંદે જે ઈજ્જત, જે શોહરત, જે રૂતબો, જે મર્તબો પ્રાપ્ત કર્યો હતો એ ભારતના કોઈ જ રમતવીરે પ્રાપ્ત કર્યો નથી. હોકીનો દેવતા તો એ સામાન્ય કાળો ઠીંગણો માણસ, અને ભારતીય સેનામાં એક સામાન્ય સૈનિક હતો એ નમ્ર નિમ્નવર્ગીય માણસ. પણ જ્યારે હોકી સ્ટિક હાથમાં લઈને ડાબા ઘૂંટણ પર સફેદ પાટો બાંધીને દોડતો ત્યારે એ માણસ 'વિઝાર્ડ ઑફ ધ સ્ટિક' (હોકીનો જાદુગર) બની જતો. 1948માં મેં એને પ્રથમ રમતાં જોયો, પછી ત્રણ ચાર વાર એને રમતો જોવા ગયો છું. એ વખતે ધ્યાનચંદ વૃદ્ધ થઈ ચૂક્યો હતો. પણ બૉલ એની સ્ટિક પર ચોંટી જતો હતો! એની આત્મકથા ભારતીય હોકીની યશગાથા છે.

ક્રિકેટરો આત્મકથા લખતા નથી, બેસ્ટ-સેલરો લખે છે, પૈસો કમાય છે, જાહેરખબર થાય છે.

રાજનીતિજ્ઞો પણ લખે છે, સરસ લખે છે. ગાંધીજી, નેહરુ તો છે જ. કમલાપતિ ત્રિપાઠીએ 'સ્વતંત્રતા આંદોલન ઔર ઉસકે બાદ'માં વ્યક્તિગત સંસ્મરણો 286 પાનાં ભરીને લખ્યાં છે. દ્વારકાપ્રસાદ મિશ્રનું રાજકારણમાં બહુ મોટું નામ હતું. એ 85 વર્ષના થઈ ગયા, અંતે અંધ બની ગયા. પણ આંખોની રોશની બુઝાઈ જાય એ પહેલાં એમણે એમની આત્મકથાનો ત્રીજો ભાગ સમાપ્ત કરી લીધો હતો. બહુ ઓછા માણસોના નસીબમાં આત્મકથા આ રીતે પૂરી થતી હોય છે. હમણાં કમલાદેવી ચટ્ટોપાધ્યાયનો 85 વર્ષે દેહાંત થઈ ગયો, એમની આત્મકથા 410 પાનાંઓમાં છે, શીર્ષક છે: ઈનર રિસેસીઝ, આઉટર સ્પેસીઝ ! એક લાંબી જિંદગી, એક કર્મયોગ. વિજયાલક્ષી પંડિત અને રાજાજી બંનેએ સ્મરણો લખ્યાં હતાં પણ એ જેલનિવાસની ડાયરીઓ હતી. હમણાં બેનઝીર ભુટ્ટોની આત્મકથા આવી છે. આત્મકથાનું નામ છે: પૂર્વની પુત્રી (ડૉટર ઑફ ધ ઈસ્ટ).

આત્મકથા ક્યારેક આત્મકથા સિવાયના કારણસર પણ લખાય છે. અસલમ શેર ખાને 'ટુ હેલ વિથ હોકી' લખી છે જે નિમ્ન રુચિની છે. પાકિસ્તાની ઈમરાનખાને 'ઓલરાઉન્ડ વ્યુ' નામની સ્વકથા લખી છે, એ પણ કક્ષાની નથી, આરોપો અને પ્રતિઆરોપો છલકે છે.

રાજનીતિજ્ઞ ચાર્લ્સ દ'ગોલે બહુ ઊંચાઈ પરથી લખ્યું છે. ચાણક્યની આંખોમાં સહદેવદ્રષ્ટિ હોય એવો એ કથાનો સૂર છે. અત્યંત સુવાચ્ય, અત્યંત સાહસિક આત્મકથા છે. ફ્રાંસના પ્રમુખ ફ્રાંઝવા મિત્તરાંએ રાજકારણમાં 43 વર્ષો ગાળ્યાં પછી આત્મકથા લખી ત્યારે લોકોને ઘણી બધી ખબર પડી! મિતરાં બેલ્જિયમના મોરચા પર આઠ માસ લડ્યા હતા, પકડાયા હતા, જર્મનીમાં બંદી હતા, બે વાર ભાગવાનો પ્રયાસ કર્યો, પકડાઈ ગયાં, ત્રીજી વાર માંડમાંડ છટકી ગયા પણ મરતાં મરતાં બચી ગયા. પછી ભૂગર્ભમાં જર્મનો સામે લડતા રહ્યા. પ્રજાના હીરો માટે આટલું જ કાફી હતું.

સોવિયેટ રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આન્દ્રે ગ્રોમિકોની આત્મકથા બે ખંડોમાં પ્રકટ થઈ છે, અને એમાં મહાત્મા ગાંધીથી રાજીવ ગાંધી સુધીના ઉલ્લેખો છે. ગ્રોમિકો રશિયાના કદાચ સૌથી અનુભવી નેતા છે. યુદ્ધોત્તર ઈતિહાસની દરેક ક્ષણના એ ગવાહ રહ્યા છે, ઘણી વાર રાજકીય ઘટનાના બનવામાં પણ હિસ્સેદાર રહ્યા છે. માણસને જો આત્મકથા લખવી હોય તો રશિયામાં પણ લખી શકાય છે ! ગુજરાતી રાજકારણીઓમાંથી રાજનીતિજ્ઞો શોધવા તો મુશ્કેલ છે પણ કોઈ ગુજરાતી રાજકારણીએ એક પણ આત્મકથા ગુજરાતના જન્મથી આજ સુધી, 1960થી 1988 સુધીમાં લખી નથી.

આત્મકથા એવી હોવી જોઈએ જેમાં કંઈક બનવું જોઈએ. જીવન જિવાયું છે એ દેખાવું જોઈએ. બાકી તો માર્ક ટ્વેઈને લખ્યું છે એમ ઘણાખરાના જીવન વિશે એક જ વાક્ય લખી શકાય: એ 30 વર્ષે જન્મ્યો અને 60 વર્ષે દફન થયો...

(સમકાલીન : ડિસેમ્બર 11, 1988)
(પુસ્તક: સમાજ -1)

આપણી લોકશાહી

બીજી લોકશાહીમાં અને હિંદુસ્તાની લોકશાહીમાં ફર્ક છે. બીજે લોકો શાહ છે, લોકો શહંશાહ છે અને અહીં શાહ-શહંશાહ લોકોની એક જાગીરદારી જાતિ છે. ગીતાના ઉચ્ચતમ આદર્શની જેમ એમને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શક્તો નથી, વાયુ સૂકવી શકતો નથી. લોકો ભારતવર્ષમાં દર પાંચ વર્ષે મળેલો મતદાનનો લોલીપોપ મમળાવ્યા કરે છે. એક ફ્રેંચ કૂટનીતિજ્ઞે ઈંગ્લંડની મતદાનપ્રથા પર તેજાબી ટિપ્પણી કરતાં કહ્યું હતું: ઈંગ્લંડની પ્રજાને દર પાંચ વર્ષે એક આઝાદી મળે છે એ નક્કી કરવાની કે આવતાં પાંચ વર્ષોમાં કોની ગુલામી કરવી?

ઈંગ્લંડના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી હેરોલ્ડ વિલ્સને એપ્રિલ 1976માં એકાએક પ્રધાનમંત્રી પદ છોડી દીધું ત્યારે જગતભરમાં આશ્ચર્યની લાગણી ફેલાઈ ગઈ હતી. સંસદમાં બહુમતી હોય એ પ્રધાનમંત્રી શા માટે સ્વૈચ્છિક સત્તાત્યાગ કરે? વિલ્સને ઉત્તર આપ્યો... કારણ કે મને 60 વર્ષ થઈ ગયાં છે! એટલે મારે કાર્યભાર છોડવો જોઈએ... આ મહાન ભારતવર્ષમાં દિવસમાં બે ડઝન વાર વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમની દંભી અને જૂઠી વાતો કરનારા એક પણ ધર્મનેતા, રાજનેતા, સમાજનેતાએ હજી સુધી આ કારણે પોતાની ખુરશી કે પીઠિકા કે આસન કે સિંહાસન છોડ્યાં નથી. સંવિધાનમાં પણ આ વિષે ક્યાંય લખ્યું નથી. પણ ઘોર અનીતિમાં ખદબદતા વિકૃત પશ્ચિમી પરિવેશમાં આને કદાચ નીતિ કહેતા હશે....! અહીં પાંચમાંથી ત્રણ પ્રધાનમંત્રી સત્તા પર હતા ત્યારે મર્યા છે.

સંસદની આપણી પ્રણાલી આપણે ઈંગ્લંડમાંથી લીધી છે. લંડનમાં પાર્લમેન્ટનાં મકાનો સામે હું ઊભો હતો ત્યારે એક ઝણઝણાટી પસાર થઈ ગઈ હતી. થોડાં વર્ષો મેં મુંબઈ વિશ્વવિદ્યાલયમાં "ઈંગ્લિશ કોન્સ્ટિટ્યૂશનલ હિસ્ટરી' વિષય એમ.એના વિદ્યાર્થીઓને ભણાવ્યો હતો. સામે એ જ મકાનો હતાં જેની અંદર નવસો વર્ષનો ઈતિહાસ હતો. જેની આપણા પર અમીટ અસર પડી છે. આની સંસદીય ભાષા આપણે લઈ આવ્યા છીએ. આ 'મધર ઑફ પાર્લમેન્ટ્સ' હતી, જગતભરની સંસદોની પ્રેરણા! અને મને જાણવા મળ્યું કે ગમે તે વ્યક્તિ લંડનમાં પાર્લમેન્ટની બહાર દર્શકોની કતારમાં ઊભી રહી શકે છે, એક નાની અનુમતિ ટિકિટ લઈ અંદર જઈને બેસી શકે છે. લોકશાહીને જોઈ શકે છે. કોઈની ઓળખાણની જરૂર નથી. વિદેશી પણ પાસપોર્ટ બતાવીને સહેલાઈથી પ્રવેશ મેળવી શકે છે. ભારતવર્ષમાં ગુજરાતના ગાંધીનગરની વિધાનસભામાં પ્રવેશ માટે પાસ મેળવવો પડે છે જે કોઈ વિધાનસભ્યની મંજૂરીથી જ મળી શકે છે. ગમે તે આલતુ-ફાલતુ નાગરિક વિધાનસભામાં ઈંગ્લિશ પાર્લમેન્ટની જેમ પ્રવેશ મેળવી શકતો નથી. વિધાનસભાની અંદર બેઠા પછી (અને તમને અડધો કલાક જ બેસવાની રજા મળે છે) જો પગ પર પગ ચડાવો તો ત્યાંનો સંત્રી ઈશારાથી ધમકાવે છે, પગ નીચો કરવા ઑર્ડર આપે છે. પગ પર પગ ચડાવવો એ જેમ કોર્ટમાં હાકેમનું અપમાન છે એમ જ વિધાનસભાનું અપમાન છે. તમે વિધાનસભામાં બેઠા છો, ડિસન્સી, ડેકોરમ, એટિકેટ, સભ્યતા, સૌજન્ય.. કંઈ જ સમજતા નથી?

ઈંગ્લંડમાં પાર્લમેન્ટના મકાનમાં પ્રવેશ કરવો હોય તો જોવાનું કે ઈંગ્લંડનો યુનિયન જેક ધ્વજ ઉપર લહરાઈ રહ્યો છે કે નહીં. જો ધ્વજ ફરકતો હોય તો પાર્લમેન્ટ સેશનમાં છે. ન હોય તો રજા છે. એટલે બહારથી ખબર પડી જાય છે કે પાર્લમેન્ટ ચાલી રહી છે કે નહીં. આપણે ત્યાં ગાંધીનગરમાં કેન્ટીનમાં છોકરાંને જલેબી-ગાંઠિયાનો ઑર્ડર આપતી વખતે પૂછી લેવાનું: "પોરિયા! આજકાલ સરકાર ચાલે છે કે?' અને પોરિયો જો ઉત્તર આપે કે "હોવે...!" તો પછી કોઈ ધારાસભ્યની આરાધના કરવાની.

(સમકાલીન: જૂન 15, 1988માં "સંસદસંહિતા: પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિને કેટલું મળવું જોઈએ" શીર્ષક હેઠળ છપાયેલાં લેખનાં ચુનંદા અંશો)
(પુસ્તક: રાજકારણ -1)

વિન્ટેજ વાઈન - સિંગલ મોલ્ટ...ચિયર્સ બક્ષીબાબુ! Kajal Oza Vaidya's tribute to Chandrakant Bakshi

તારીખ 26 માર્ચ 2013નાં રોજ દિવ્ય ભાસ્કરની મધુરિમા પૂર્તિમાં છપાયેલાં કાજલ ઓઝા વૈદ્યનાં લેખમાંથી સાભાર:

ગઇકાલે પચ્ચીસ માર્ચ હતી. બરાબર સાત વર્ષ પહેલાં આ શહેરમાં ગુજરાતી ભાષાએ ડચકાં ખાધાં વગર શ્વાસ છોડી દીધો હતો... ખુલ્લી છાતી અને ખુલ્લી પેન સાથે એક્ઝિટ કરી ગયેલા ગુજરાતી ભાષાના એક મજબૂત, માતબર અને માથાભારે લેખકનું નામ છે ચંદ્રકાન્ત બક્ષી. બાવીસમી માર્ચે સાંજે અમે એમના ઘરે હતા. એમણે મારા બાપુને ફોન કરેલો, 'સાલા હું બધી રીતે તારા કરતાં બહેતર છું, પણ તારી દીકરી લખે છે... ગુજરાતીમાં લખે છે ને સાલા સારું લખે છે.’ એમણે કહેલું... જે સારું લાગે એના છાતી ફાડીને વખાણ કરવા અને જે ખોટું હોય એ વિશે સ્પષ્ટ અને સીધું કહેવું એ એમનું 'બક્ષીપણું’ હતું.

મારા માટે ચંદ્રકાન્ત બક્ષી એક એવું નામ હતું જેને મેં મુગ્ધભાવે વાંચેલા, પછી મળેલી અને ધીમે ધીમે એમના માટે અપાર સ્નેહ અને આદર મારા મનમાં વધતાં જ રહેલાં. લોકો કહેતાં કે એમને બહુ ઇગો હતો, જીભના કડવા હતા વગેરે વગેરે... પરંતુ મને એ હંમેશાં એક આખાબોલા અને પ્રામાણિક માણસ લાગ્યા છે. એમનામાં 'અહમ્’થી વધારે 'સ્વ’ હતું. એમણે લખ્યું છે, 'આપણને ન જીવી શકવાની સ્વતંત્રતા નથી. બધાંને એકલા એકલા પણ જીવી લેવું પડે છે.’ ડિસેમ્બર-૨૦૦પમાં પુસ્તકમેળામાં અમે સાથે હતાં. એમના નામનો આખો રેક જોઇને આંખોમાં અહોભાવ અને આછી ઈર્ષ્યા સાથે મેં એમને કહેલું, 'મારે પણ આવો રેક જોઇએ છે.’ ત્યારે એમણે ખભો થાબડેલો, 'થશે...’ એમણે ડિસેમ્બર-૨૦૦પમાં કહેલું આ 'એને માટે તારે મારા જેટલું જીવવું પડશે.’

શરાબના પહેલા પેગ પછી જે બેખુદી આવવાની શરૂ થાય એને બક્ષી 'સુરુર’ કહેતા. આ 'સુરુર’ એમની સફળતાનો નહોતો, જાત સાથે સતત ચાલ્યા કરતા સંવાદનો હશે એવું આપણને ધીરે ધીરે સમજાય. ભાષા સાથે હેલ્ધી અને વર્બલ ફ્લર્ટ કઇ રીતે થઇ શકે એ એમણે એમની પોતાની જ નહીં, એ પછીની ત્રણ ગુજરાતી પેઢીઓને બતાવ્યું. એમની કલમ તેજાબી હતી એ સાચું, પરંતુ એમના જેટલો અભ્યાસુ કોલમિસ્ટ અને વોરેશિયસ વાચક ગુજરાતી ભાષાએ ભાગ્યે જ જોયો છે. માણસના માણસ સાથેના સંબંધો વિશે એમણે જે લખ્યું છે એમાં ભરપૂર જીવ્યાનું પ્રમાણપત્ર સતત મળતું રહે છે. પચાસ વટાવી ગયેલો હીરો ઘર છોડીને પ્રિયતમા સાથે રહેવા જાય કે રૂપ શાહ એની દીકરી નિકી સાથે ડિર્વોસી પત્નીને મળવા અમેરિકા જાય કે પછી ઝિન્દાનીમાં લખાયેલી કથા જેવી ઇતિહાસને ઘસાઇને પસાર થતી રોમેન્ટિક નવલકથા આપણને બક્ષીએ આપી છે બ-લ-ય જોડીને 'બ્લ્યુ’ લખતાં એમણે ગુજરાતી ભાષાને શીખવ્યું.

આજના ઘણાબધા કોલમિસ્ટ ઉપર એવો આરોપ છે કે એ ચંદ્રકાન્ત બક્ષીની 'કોપી’ કરે છે, પરંતુ ખરેખર સર્જન કે લખાણમાં 'કોપી’ જેવો કોઇ શબ્દ હોતો નથી. આપણે જે લેખકને ખૂબ આનંદથી અને અહોભાવથી વાંચ્યા હોય એ લેખકની આપણા પર અસર હોય એ સ્વાભાવિક છે. આપણી ભાષાની મજા એ છે કે આપણા લેખકો પર પોતાના અથવા ગુજરાતી ભાષાના લેખકોની અસર હોય તો આપણને વાંધો પડે છે, ફ્રેન્ચ અંગ્રેજી કે જર્મનની અસર હોય તો આપણે એ વિશે અહોભાવ અનુભવીએ છીએ. બક્ષીબાબુએ પહેલી વાર હિંમતથી ગુજરાતી ભાષામાં એવા કેટલાક શબ્દો પ્રયોજ્યા જે સુષ્ઠુ ગુજરાતી લેખકોને લખતાં ભય લાગતો હતો... ગોરી-રૂપાળી-સુંદર અને દેખાવડી ગુજરાતી છોકરીઓને વિચાર ફગાવીને એમણે કાળી સ્ત્રીનું ગ્લેમર ઊભું કર્યું બક્ષીબાબુના લખેલા કેટલાક વાક્યો આજે પણ ગુજરાતી ભાષામાં લેખકો, સંચાલકો, વાર્તાકારો અને કોલમિસ્ટ હિંમતથી ફરીફરીને વાપરે છે... વાપર્યા કરે છે.

માણસ જ્યારે કશું જુદું કરવાનો પ્રયાસ કરે ત્યારે હંમેશાં એની સામે અનેક સવાલો આવીને ઊભા રહેતા હોય છે. દેશ, ભાષા કે કાળ કોઇ પણ હોય, સ્વીકારવાની તૈયારી સામે પક્ષે પ્રમાણમાં ઓછી જ હોય છે. એરિસ્ટોટલ કે સોક્રેટિસથી શરૂ કરીને આજના છેલ્લામાં છેલ્લા લેખક કે વિચારક સુધી સૌએ એક વાર તો સમાજના વિરોધનો સામનો કરવો પડતો હોય છે. રજનીશનો વિવાદ હજી શમ્યો નથી, મા આનંદશીલાએ કરી નાખેલા કહેવાતા પર્દાફાશથી બધું જ બદલાઇ ગયું છે. ગઇ કાલ સુધી જે 'ભગવાન’ કે 'ઓશો’ હતા એ આજે અચાનક ક્વેશ્ચન માર્કની સામે ઊભા રહી ગયા છે.

સામાન્ય રીતે પ્રસિદ્ધ માણસોની જિંદગી વિશેના કેટલાક સત્યો એમના મૃત્યુ પછી બહાર આવતા હોય છે... આ બહાર આવેલી વાતો 'સત્ય’ છે કે નહીં એ નક્કી કરવા માટે જે તે વ્યક્તિ હોતી નથી... મીનાકુમારીના મૃત્યુ પછી ચાલેલી લોકવાયકાઓનો જવાબ આપવા માટે જ્યારે રૂખસાર અમરોહીએ એના પિતા કમાલ અમરોહીને આગ્રહ કર્યો ત્યારે એમણે જવાબ આપેલો, 'ઇસ બાત કા જવાબ સર્ફિ દો હી લોગ દે સકતે હૈ... એક જવાબ દેને કે લિયે હૈ નહીં ઔર દૂસરા જો કહેગા ઉસે કોઇ સુનના નહીં ચાહતા.’ સામાન્ય રીતે દરેક માણસ વિશે બે અથવા બેથી વધારે અભિપ્રાયો પ્રવર્તતા હોય છે. મજાની વાત એ છે કે અભિપ્રાય આપનારો દરેક માણસ એમ માને છે કે એનો જ અભિપ્રાય સાચો અને અંતિમ છે.

માણસ માત્ર એક કરતાં વધારે ચહેરા ધરાવે છે. સાઇકોલોજીમાં એક શબ્દ છે, મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર. આને 'એમ.પી.ડી.’ કહેવાય છે. એક માણસમાં એક કરતાં વધુ વ્યક્તિત્વો શ્વાસ લેતાં હોય એવું આપણને જોવા મળે છે. સામાન્ય રીતે પ્રસિદ્ધ અને સફળ લોકો એક જ સમયે એક કરતાં વધુ જિંદગીઓ જીવતાં હોય છે. કહેવાય છે કે ગાલિબ, અહેમદ ફરાઝ, મન્ટો, બર્નાર્ડ શા, બાયરન, ફિરાક ગોરખપુરી જેવા લેખકો એક કરતાં વધુ પર્સનાલિટી ધરાવતા હતા. કદાચ એક બુદ્ધિશાળી વ્યક્તિને એક જ સમયે એકથી વધુ વિચાર એકસામટા આવતા હશે, પોતાની જ વાતને ખોટી પાડીને આવી વ્યક્તિઓ કદાચ પોતાની જ સાથે યુદ્ધ કરતી પર્સનાલિટી બની જતી હશે.

મજાની વાત એ છે કે માણસ તરીકે આપણે બધાં જે કંઇ કરીએ છીએ એને માટે આપણી પાસે યોગ્ય કારણો અને એ યોગ્ય કારણોને પુરવાર કરવા માટે વધુ યોગ્ય દલીલો હોય છે. વર્તન કરતી વખતે નહીં વિચારતા લોકો પણ પછીથી પોતે સાચા હતા એવું સાબિત કરવા માટે કોઇ પણ દલીલ કરી શકે છે આપણે બધાં જ સામાન્ય રીતે સમજ્યા વિના વર્તી નાખીએ છીએ. જે કહેવાનું છે એ નથી કહેતાં અને જે નથી કહેવાનું એ આપણાથી કહેવાઇ જાય છે. કહી નાખ્યા પછી સંબંધ ગુમાવવાના ભયમાં આપણે એ વર્તન વિશે ઘણીબધી દલીલો કરતાં હોઇએ છીએ, જાત સાથે અને બીજા સાથે.

કેટલાક લોકો એવા હોય છે, જે ક્યારેય જસ્ટિફિકેશન નથી આપતાં, એક્સપ્લેઇન નથી કરતાં કે પોતાના વર્તન વિશે કોઇનીય સાથે ચર્ચા નથી કરતાં. એમને જે કહેવાનું હોય છે તે કહેતાં પહેલાં વિચારે છે, પણ કહ્યા પછી અફસોસ નથી કરતાં. એવા લોકો જાણતાં હોય છે કે એમની ભીતર એકથી વધારે વ્યક્તિત્વો શ્વાસ લે છે. કયા વખતે કયા વ્યક્તિત્વને આગળ લાવવું અને કયા વ્યક્તિત્વને ઢબૂરીને બંધ કરી દેવું એની એમને સમજ હોય છે, કદાચ બક્ષીબાબુ જેવા સર્જકો આવનારી અનેક પેઢીઓ માટે પ્રેરણા પુરવાર થયા છે. એમને પણ એમના અફસોસ હશે જ. એમની અધૂરી રહી ગયેલી ઝંખનાઓ હશે...

એમણે ઇચ્છેલી કેટલીયે વાતો અને જોયેલાં કેટલાંય સપનાં પૂરાં નહીં થયાં હોય, પણ એના વિશેનો હિ‌સાબ પાકો રાખવાને બદલે એમણે જે કંઇ મેળવ્યું અથવા પામી શક્યા એ વિશેનો હિ‌સાબ એમણે કેરી ફોરવર્ડ કર્યો. વીતતા સમય સાથે આપણે વધુ ને વધુ અપ્રામાણિક માણસોને મળતાં રહીએ છીએ - અપ્રામાણિક ફક્ત બીજા સાથે હોય એને માફ કરી શકાય, પણ જાત સાથે અપ્રામાણિક માણસોમાંથી એક સડેલી બૂ આવે છે. એમના સડેલા અસ્તિત્વની આ બૂ ધીમે ધીમે સમાજ, શહેર અને દેશમાં ફેલાવા લાગી છે.

જે માને તે કહે, જે કહે તે જીવે અને જે જીવે તે જ કહેતાં રહે એવા લોકો હવે ઘટતાં જાય છે. વાઘની જેમ, સિંહની જેમ, ચિત્તાની જેમ આવા ખૂંખાર, રાની, પરંતુ બેહદ ખૂબસૂરત પ્રજાતિના પ્રાણીઓને સાચવવા જોઇએ. એમને માટે ઇમોશનલ અભયારણ્યો ઊભાં થવાં જોઇએ. આવા લોકો સપનાંનો વેપાર કરે છે, આપી કે લઇ શકાય એવું કશું નથી હોતું એમની પાસે અને છતાંય એ કશુંક એવું આપી જાય છે, જે સમાજ માટે, ભાષા માટે અને દેશ માટે અમૂલ્ય હોય છે. ગઇ કાલે બક્ષીબાબુના દેહવિલયને સાત વર્ષ પૂરાં થયાં...રેક ઉપરનાં પુસ્તકોમાં હજી એમનું 'બક્ષીપણું’ અકબંધ, એવું જ ગોઠવાયેલું રહ્યું છે.

(An article giving tribute to Late Shri Chandrakant Bakshi, written by Kajal Oza Vaidya)