May 15, 2013

ચકમકી છોકરી અને સુવ્વરની ભૂખ: પ્રામાણિકતા, સફળતા, પૈસા

તમે પ્રામાણિક છો માટે જિંદગીમાં અસફળ રહ્યા છો, જો અપ્રામાણિક રહ્યા હોત તો ખૂબ રૂપિયા કમાતા? જો અપ્રામાણિક રહ્યા હોત તો જિંદગીમાં ખૂબ સફળ રહ્યા હોત? પૈસા, ઈજ્જત, સુખ-સુવિધાઓ બધું જ વધારે મળત જે આજે ઓછું છે? તમે પ્રામાણિક રહ્યા છો એટલે જીવનભર તમારી પત્ની અને મોટા થયા પછી તમારાં સંતાનો તમને કોસતાં રહ્યા છે? તમને લાગતું નથી કે તમે આજીવન પ્રામાણિક રહીને એક ગંભીર ભૂલ કરી છે? આ દુનિયામાં એટલે કે આપણા દેશમાં જુઠ્ઠા, બેઈમાન, વિશ્વાસઘાતી, લુચ્ચા, અપ્રામાણિક માણસો ખૂબ પૈસા એટલે કે લાખો, કરોડો રૂપિયા કમાઈ ગયા છે અને તમે ઈમાનદાર છો એટલે એમના જેટલા રૂપિયા કમાઈ શક્યા નથી? તમે માનો છો કે "ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પૉલિસી" (પ્રામાણિકતા શ્રેષ્ઠ નીતિ છે)?

હવે ટી.વી.ની ઘણીબધી ચેનલો નીકળી પડી છે અને ઈન્ટરવ્યૂ લેનારી ચકમકી, મહેંદીથી રંગેલાં ટૂંકા વાળ હલાવતી, કૉન્ટેક્ટ લેન્સ પહેરેલી, ફેશિયલ કરીને આવેલી, શિકારી પક્ષીના ટેલન્સ કે નહોર જેવા નખ રંગીને પેશ આવતી છોકરીઓનો પાર નથી. એક ચકમકી છોકરી "પ્રામાણિકતા" વિશે પૂછી રહી હતી! શા માટે પ્રામાણિક થવું? એને માટે આ માત્ર એક "પ્રોગ્રામ" હતો, અને એના પ્રશ્નોની દિશા ધીરેધીરે સ્ત્રી-પુરુષના આડા સંબંધો, એક્સ્ટ્રા-મેરીટલ લવ, અવૈધ સંબંધ, વ્યભિચાર વગેરે તરફ હતી. "સફળતા'ની વાત પ્રશ્નોત્તરીની ભૂમિકા બાંધવા માટે હતી. પછી એ આડી લાઈને સરકી રહી હતી. બીજી સ્ત્રી કે બીજા પુરુષ સાથે સંબંધ... આ એને માટે મુખ્ય વિષય હતો.

અને, આ વાત તદ્દન ગૌણ હતી, મારે માટે. ચકમકી છોકરી મારા ઉત્તરો સાંભળીને વધારે દ્વિધામાં પડીને પલાયન થઈ ગઈ. જે અપેક્ષા હતી, "પ્રોગ્રામ"ને ચટાકેદાર બનાવે એવા જે ઉત્તરોની અપેક્ષા હતી, એ અપેક્ષા અતૃપ્ત રહી ગઈ. પ્રામાણિકતા બહુઆયામી શબ્દ છે. પ્રામાણિક શા માટે થવું જોઈએ? ઑનેસ્ટીથી શું મળે છે? વધારે "સફળતા" મળે એ માટે ડિઝઑનેસ્ટ કે અપ્રામાણિક કે બેઈમાન થવાનું મન થતું નથી?

હું માનું છું કે ઑનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પૉલિસી, પણ એમાં એક નાનું પૂરક અંતિમ વાક્ય ઉમેરવું જોઈએ. પ્રોવાઈડેડ યુ હેવ પેશન્સ! પ્રામાણિકતા શ્રેષ્ઠ નીતિ છે, જો તમારી પાસે ધૈર્ય હોય તો! આજે સવારે પ્રામાણિક થવું શરૂ કરો, અને આજે સાંજે ફળ મળવા લાગે, એવું "ક્વિક ફિક્ષ" કે ઈન્સ્ટન્ટ પરિણામ પ્રામાણિકતામાં નથી. તમે દુનિયાને માટે પ્રામાણિક કે સારા થવાનો વિચાર કરતા હો તો એ વિચાર તરત છોડી દો. તમે તમારે માટે પ્રામાણિક કે સારા થાઓ છો, તમારા આત્મસંતોષ માટે, પ્રામાણિકતાનું સર્ટિફિકેટ મેળવવા માટે નહીં. અંગ્રેજીમાં કહેવત છે કે વર્ચ્યુ ઈઝ ઈટ્સ ઓન રિવોર્ડ/સદગુણ એ જ ઈનામ છે!) હું મારા માટે, પ્રામાણિકતાનાં અને નીતિમત્તાનાં મારાં પોતાના ધોરણો કે નોર્મ્સ સ્થાપું છું, આ બાબતમાં દુનિયા સાથે મારો કોઈ સંબંધ નથી. શાલ ઓઢવાની લાલસામાં હું સારો થતો નથી! પ્રામાણિકતા માટે મારે કોઈ શાશ્વત, સનાતન મૂલ્ય નથી, હું સનાતન શબ્દમાં પણ માનતો નથી. દેશકાળ પ્રમાણે દરેક મૂલ્યનું પરિવર્તન થતું રહે છે. એક જ માતાના બે પુત્રો એ બે આંખોની જેમ સમાન નથી, એ જમણા અને ડાબા હાથની જેમ છે, એક વધારે પ્રિય છે, અને બીજો ઓછો પ્રિય છે! જમણો હાથ જમણા હાથની જગ્યાએ છે, અને ડાબો હાથ ડાબા હાથની જગ્યાએ છે. ડાબો હાથ ક્યારેય જમણા હાથનું સ્થાન લઈ શકવાનો નથી.

ચકમકી છોકરીનો પ્રશ્ન હતો: કોઈએ હજી પૂછ્યું નથી કે તમે પ્રામાણિક રહીને ભૂલ કરી છે? મારો ઉત્તર: એટલી હિમ્મત નથી પ્રશ્ન પૂછનારમાં! મારી પ્રામાણિકતા મારી છે, અને મારે માટે છે. બીજાએ એમાં નાક અડાડવાની ઝુર્રત કરવાની નથી. મારે માટે પ્રામાણિકતા નિર્વિકલ્પ છે, અને એમાં કોઈ જ સમાધાનને અવકાશ નથી. અને નિરાશાને પણ અવકાશ નથી. સફળતાની પણ સૌની પોતપોતાની વ્યાખ્યા હોઈ શકે છે, અને પોતપોતાની પ્રાથમિકતા હોઈ શકે છે, શક્તિ અને સમય પ્રમાણે જે સૌદાગરની જેમ પૈસા કમાઈ લે છે એને માટે મને ક્યારેય ઈર્ષ્યા થઈ નથી પણ જે દિલદારની જેમ પૈસા ફેંકી શકે છે એને માટે મને જરૂર ઈર્ષ્યા થઈ જાય છે. જેને માટે ઈર્ષ્યા થઈ શકે એને હું, ઈચ્છા થાય છે ત્યારે આદર્શ પણ બનાવી લઉં છું. અને ખૂબ પૈસા કમાવાની ક્રિયાને મેં ક્યારેય સફળતા ગણી નથી. સફળતા શું છે એ હું હજી સમજ્યો નથી. સંતોષ સફળતાનું અંતબિંદુ છે કે અસંતોષ સફળતાનું આરંભબિંદુ છે? એ મધ્યમવર્ગીય માતાને પૂછો જેણે પોતાનાં નાનાં સંતાનોને મોટાં કરીને માણસ બનાવ્યાં છે, પોતાની પૂરી જવાની સૂકવીને... 

પ્રશ્ન પ્રાથમિકતાનો છે. પૈસા કમાવા, વધારે અને વધારે કમાવા એને હું સુવ્વરક્ષુધાગ્રંથિ ગણું છું. સુવ્વર જન્મે છે ત્યાંથી શરૂ કરીને મરે છે ત્યાં સુધી મોઢું નીચું કરીને, નાકથી સૂંઘતું સૂંઘતું, લગભગ બધું જ ખાતું જાય છે અને અત્યંત જાડું થતું જાય છે. સુવ્વરના શરીરમાં જેટલી ચરબી જમા થઈ જાય છે એટલી બહુ ઓછાં જાનવરોનાં શરીરમાં હોય છે. માટે અંગ્રેજીમાં કહેવત છે કે સુવ્વરને પકાવવા માટે બહારથી તેલ નાખવાની જરૂર નથી, એની ચરબીમાં જ એને પકાવી શકાય છે, જેમ જેમ સુવ્વરના ટુકડા ગરમ થતા જાય છે એમ એમ અંદરથી ચરબી છૂટતી જાય, (ધ પિગ સ્ટ્યૂઝ ઈન ઈટ્સ ઓન ફેટ) મને અત્યંત ધનિકોના ફાટફાટ રૂપિયા અને સુવ્વરની/ ફાટફાટ ચરબીમાં એક સમાનતા લાગી છે. પૈસા જિંદગીની આવશ્યકતાઓ અને એશ-ઓ-આશાયેશ માટે ઠીક છે. સમરસેટ મોમે લખ્યું હતું એ બરાબર છે કે પૈસા છઠ્ઠી ઈન્દ્રિય છે, જે બાકીની પાંચ ઈંદ્રિયોને મદદ કરી શકે છે. પણ પૈસાને એક જ ઈંદ્રિય સમજીને જીવવું, પૈસાદારની જેમ એકેન્દ્રિય થઈ જવું, મારી તબિયતને રાસ આવતું નથી. માત્ર પૈસા માટે મનુષ્યની જિંદગીનાં પ્રાથમિક સુખો ભૂલીને, પ્રતિક્ષણ બેઈમાન થતા રહેવું, મને ખોટનો સૌદો લાગ્યો છે. મનુષ્યજિંદગીનાં પ્રાથમિક સુખો એટલે? પત્નીનો પ્રેમ, સંતાનો માટે વાત્સલ્ય, ઉમદા ખાવાનું, આલા પીવાનું, લેટેસ્ટ પહેરવાનું, નવાં શહેરોમાં તફરીહ કરવાની, નવી કેસેટો પર નવું સંગીત સાંભળવાનું, વાંચવાનું, ઘસઘસાટ સૂવાનું, અને એવી સેંકડો પ્રવૃત્તિઓ, દાખલા તરીકે, નવ વર્ષની પૌત્રી સાથે રાઈડમાંથી ઊતરીને, કેન્ડીફ્લોસ ખાતાં ખાતાં ફોટો પડાવવાનો. જો પ્રામાણિક થઈને મજા કરવી હોય તો આખું હિન્દુસ્તાન અને આખી પૃથ્વી પડી છે.

કોઈ માણસ ખૂબ પૈસા કમાયો છે, વિરાટ ફ્લૅટમાં રહે છે, મારૂતિ એસ્ટીમ કારમાં ફરે છે માટે મારું બ્લડપ્રેશર એક પૉઈન્ટ પણ વધતું નથી. કેવી રીતે જિંદગી જીવવી કે કયા સિદ્ધાંતો રાખવા કે ન રાખવા એ એનો પ્રશ્ન છે. એ એની દુનિયામાં ખુશ છે, હું મારી દુનિયામાં ખુશ છું. મોરારજી દેસાઈની જેમ હું પૂરા જગતને પેશાબ પાવા નીકળ્યો નથી, મારા પર દુનિયાને સુધારી નાંખવાની કોઈ જવાબદારી નથી, હું કોઈના ચારિત્ર કે નીતિનો રક્ષકસંત્રી નથી, મારા લખવા કે બોલવાથી દુનિયામાં એક પણ વ્યક્તિમાં પરિવર્તન આવી જશે એવો સ્ટ્યુપીડ ભ્રમ મારામાં બિલકુલ નથી. દુનિયા એમ જ ચાલશે, જે રીતે ચાલે છે એમ જ. પૃથ્વી એની ધરી પર ફરી રહી છે, દુનિયા એની ગતિથી દોડી રહી છે. દુનિયાને સુધારી મૂકવાનો બેવકૂફ દુરાગ્રહ સાધુબાવાઓને મુબારક! 18 વર્ષથી ઉપરની વ્યક્તિ, દરેક સ્ત્રી અને દરેક પુરુષ, પોતાના ભવિષ્ય અને પોતાના મુકદ્દરની માલિક છે, એણે પ્રામાણિક રહેવું કે ન રહેવું એ એની મુન્સફી છે, એનો અખ્તિયાર છે, એની રુચિઅરુચિ છે.

હું માનું છું કે 100 ટકા પ્રામાણિકતા જેવી વસ્તુ નથી. રેલવેની ટિકિટથી મહાનગરમાં ફ્લૅટ લેવા સુધી દરેક તબક્કે કાળું નાણું અથવા રિશ્વત આપવી પડે છે. આ દેશમાં ચોરીનો ધંધો કરનાર કે કાળા બજારીઓ જે આયકર આપે છે એ જ અનુપાતમાં મારે આયકર આપવો પડે છે, હું કલાકાર છું માટે મારે માટે ખાસ રિયાયત નથી. હું ઈંગ્લન્ડની સામ્રાજ્ઞી એલીઝાબેથનો દીકરો નથી કે બધું જ મારી ઈચ્છા પ્રમાણે થયા કરે. પણ મારી ઈમાનદારીને કારણે મારું મન વિપરીત સ્થિતિમાં પણ શાંત રહી શકતું હોય, હું ખડખડાટ હસી શકતો હોઉં અને ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં, મને ભૂખ અને થાક અને પ્યાસ લાગી શકતાં હોય, મહારોગ કે દેવું ન હોય, મારું પોતાનું એક છાપરું હોય અને એની નીચે મારાં સ્વજનો સાથે હું મારી દાલ રોટી ખાઈ શકતો હોઉં, વ્હીસ્કીનો એક પેગ લઈને શનિવારની સાંજે મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસીને પ્રધાનમંત્રી દેવ ગૌડાને ગાળો બોલી શકતો હોઉં તો થૅંક યૂ, ગૉડ... મારી યોગ્યતા કરતાં તે મને ઘણું વધારે આપી દીધું છે! અને જીવનના છેલ્લા દિવસ સુધી બસ આટલું રહી શકે તો... "ઝીરો-ઝીરો-સેવન"ના સર્જક ઈયાન ફ્લેમિંગની જેમ મરતી વખતે હું પણ કહીશ: "ઈટ્સ અ લાર્ક!" (લહેર પડી ગઈ, યાર...!)

ક્લોઝ અપ:

કોને પૈસા જોઈએ છે? પૈસા આવી જાય પછી જિંદગીનો ખ્યાલ કરવો પડે છે. મારે માટે એ બહુ ગડબડિયું છે. સો ડૉલર હોય તો તમે જીવી શકો છો. તમારી પાસે 200સો ડૉલર આવે એટલે તમારે મોટું ઘર જોઈએ છે તમારી પાસે 2 લાખ સો ડૉલર આવે છે, ત્યારે તમારું પોતાનું ઍરોપ્લેન જોઈએ છે અને 10 લાખ ડૉલર આવે પછી શું કરશો? એટલા તો હું ક્યારેય વાપરી નહીં શકું.

- ક્યૂબાના ત્રણ ઑલિમ્પિકમાં બૉક્સિંગના વિશ્વવિજેતા ટીઓફીલો સ્ટીવન્સન
 (ગુજરાત સમાચાર: જુલાઈ 14, 1996)

(પુસ્તક: બસ એક જ જિંદગી)

No comments:

Post a Comment