May 9, 2013

ફક્ત એક જ...

1નો જન્મ, મને લાગે છે, મનુષ્યના જન્મ પહેલાં, માતાના ગર્ભાશયમાં થયો હતો, અને એ ગર્ભાધાનની ક્ષણ હતી. પક્વ મનુષ્યનું શરીર 30 બીલીઅન સેલનું બનેલું છે, અને મનુષ્યના 'જન્મ'નો આરંભ 1 સેલથી થાય છે! સેલ મહીનતમ પરમાણુ જેવો હોય છે. વીર્યસ્ત્રાવથી ગર્ભાધાન સુધીની પ્રક્રિયા સર્જનહારના ગહનતમ આશ્ચર્યોમાંનું કદાચ સૌથી ગહન આશ્ચર્ય છે. આ પૂરી સર્જનપ્રક્રિયાનો રોમાંસ હજી વિજ્ઞાનને રોમાંચિત કરતો રહે છે. કદાચ ત્યાં જ 1નો જન્મ થયો છે! 

દરેક નર શુક્રાણુ 1 ઈંચના 500મા ભાગ જેટલો લાંબો જીવ હોય છે. આ શુક્રાણુને ઈંડાકાર માથું હોય છે, એક શરીર હોય છે, એક લાંબી પૂંછડી હોય છે. આ માથાની અંદર પુરુષના જીન્સ હોય છે. શુક્રાણુ પૂંછડી હલાવીને આગળ વધતું રહે છે. યોનિમાર્ગમાંથી ગર્ભાશય સુધી જઈને માદા ઈંડાને ભેદવા સુધીનો માર્ગ 10 ઈંચ જેટલો હોય છે, જે આ 1/500 ઈંચ લાંબા શુક્રાણુને પહોંચતા 4થી 5 કલાક લાગે છે, ઘણી વાર વધારે સમય લાગે છે, ઘણી વાર એક સપ્તાહ જેટલો સમય લાગી જાય છે, જે દરમિયાન આ શુક્રાણુ સતત અગ્રસર થતું રહે છે, અને આ ગતિ સતત છે, ક્યાંય અટકવાનું નથી. પુરુષ શુક્રાણુની ઝડપ સામાન્યત: પ્રતિ મિનિટ 0.11 ઈંચ જેવી હોય છે. આ નોન-સ્ટૉપ શુક્રાણુ યાત્રામાં એક વીર્યપાત વખતે 22 કરોડ 50 લાખ શુક્રાણુ છૂટે છે, અને સામે ધ્યેય છે એક માદા ઈંડાનું ભેદન! આ સાડા બાવીસ ક્રોડ શુક્રાણુની સામાન્ય રીતે 8 કલાકની દોડમાં એક જ, હા એક જ શુક્રાણુ, માદા ઈંડાને ભેદીને ગર્ભાધાન કરે છે. બાકીના બધા જ, એટલે કે સાડા બાવીસ કરોડ બાદ એક, વીર્યજીવોએ મરી જવું પડે છે! એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, એક સંભોગમાંથી 22 કરોડ 50 લાખ મનુષ્યો ઉત્પન્ન થઈ શકે છે, પણ એક જ મનુષ્યનું ગર્ભાધાન સંભવે છે. માતાના ગર્ભમાં સાડા બાવીસ કરોડમાંથી દરેક મનુષ્ય એક જ છે. અને આ એક અનેકોમાં એક છે.

Image Courtesy: http://blog.f1000.com/wp-content/uploads/2011/12/090709-sperm-egg-02.jpg



ઈશ્વર કે પ્રકૃતિ કે કુદરત કે સંક્રાંતિ પણ એકનો જ પુરસ્કાર કરે છે? પુરુષની આટલી બધી વીર્યઊર્જા ઈશ્વર નષ્ટ થવા માટે પૈદા કરે છે? કરોડો શુક્રાણુઓનો પ્રતિ વીર્યપાતમાં વિનાશ એ ઈશ્વરનું કુશાસન બતાવે છે? એક જ મનુષ્ય પ્રગટ કરવા માટે જો એક જ માદા ઈંડું પર્યાપ્ત છે તો એક જ શુક્રાણુ પણ પર્યાપ્ત હોવું જોઈએ, એ તર્ક તદ્દન સંબદ્ધ છે! પણ એવું નથી. આ વિસ્મય વિજ્ઞાન સમજી શકતું નથી, અને ધર્મ આવા વૈજ્ઞાનિક ડેટાથી પર ચાલ્યો ગયો છે. ઈશ્વર કે પ્રકૃતિ અકારણ વ્યર્થ મહાવિનાશ કે મહાહિંસામાં માને છે? સંતર્પક ઉત્તરો નથી.

પણ એક સત્ય સ્પષ્ટ છે કે, 22 કરોડ 50 લાખ જીવોમાંથી એક જ જીવે છે અને બાકીના બધા મૃત્યુ પામે છે. માણસની જિંદગી એક બુંદ વીર્યથી શરૂથી થાય છે અને બે મુઠ્ઠી રાખમાં શેષ થાય છે, એવું મહાન તત્વજ્ઞ-સમ્રાટ માર્કસ ઓરેલિયસે લખ્યું હતું. પૃથ્વી પરની દરેક જિવાતી ક્ષણ મનુષ્ય માટે એક આશ્ચર્યબોધ છે. આ વર્ષ, આ માસ, આ કલાક, આ ક્ષણ, આ શ્વાસ અને આ ઉચ્છવાસ, જિંડગીના 64મા વર્ષનો આ પ્રહર એક જ વાર આવે છે, એક જ છે... અને એ એક જ છે માટે સર્વોપરી છે. એકોSહં એકોSહં...

(અભિયાન: માર્ચ 18, 1996)

(પુસ્તક: મિજાજ અને દિલદરિયા)

No comments:

Post a Comment