May 28, 2013

અપરિચયના આંદામાનનું વીરપાત્ર : સાવરકર

1988માં મુંબઈના વીર સાવરકર રોડ પરથી બસમાં કે કારમાં કે ટેક્સીમાં પસાર થઈ જતી પેઢીનાં યુવા સ્ત્રી-પુરુષોને રાજીવ ગાંધી સાથે જીવવા મળ્યું છે. એમને ફક્ત એક જ જ્ઞાન આપવામાં આવ્યું છે કે ભારતવર્ષના સ્વાતંત્ર્યસંગ્રામમાં એક જ પરિવારે સંઘર્ષ કર્યો હતો - મોતીલાલ નેહરુ અને એમનાં પુત્ર અને પૌત્રી અને પ્રપૌત્રો ! અને હવે પ-પ્રપૌત્રો પણ ઈતિહાસમાં આવશે. પણ એક માણસ હતો, વિનાયક દામોદર સાવરકર નામનો, જેના વિષે આધુનિક ગુજરાતી પેઢીને વંચિત રાખવામાં આવી છે. એનો જન્મ 1883માં, આજથી 105 વર્ષો પહેલાં થયો હતો. ભારતના સંઘર્ષ ઈતિહાસનાં સૌથી યશસ્વી નામોનાંનું એક સાવરકરનું નામ છે. પણ દુર્ભાગ્યે એથી વિશેષ માહિતી આપવાની બાબતમાં પત્રપત્રિકાઓ ઉદાસીન રહી છે. 

અમે નાના હતા ત્યારે સાવરકર અમારા હીરો હતા. એમની આત્મકથાનો એક અંશ 'મારી જન્મટીપ' (માઝી જન્મઠેપ) અમારી પેઢીના જવાનો માટે ફરજિયાત વાચન હતું. 1949ના ડિસેમ્બરમાં કલકત્તાની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ભણતો હતો ત્યારે હું અને મારા મિત્ર દેવુભાઈ દેશબંધુ પાર્કમાં હિંદુ મહાસભાના અધિવેશનમાં ગયા હતા, સાવરકરને માટે જનતાને બૂમો પાડતી સાંભળી હતી : અમે વાઘને સાંભળવા માટે આવ્યા છીએ! આ બધી પ્રસ્તાવબાજી પછી કરી લેજો... સાવરકર, સાવરકર ! અમે સાવરકરને પ્રથમ જોયા હતા - 'મારી જન્મટીપ'ના લેખક જે વર્ષો સુધી આંદામાનની જેલમાં રિબાયા હતા ! સાવરકરનો સ્વર સાફ હતો, ભાષા મશીનગનની જેમ છૂટતી હતી, જુસ્સો કાયમ હતો. અમે ખુશ થઈ જઈએ એમ સાવરકર અમારા યુવા દિમાગો પર છવાઈ ગયા હતા.



બીજી વાર 1953માં સાવરકરને નાશિકની ભોંસલે મિલિટરી સ્કૂલમાં જોયા હતા. હું ત્યાં લશ્કરી તાલીમ લેવા ગયો હતો અને સાવરકર વિદ્યાર્થીઓને પ્રવચન આપવા આવ્યા હતા. અહીં ભાષણ મરાઠીમાં હતું. ભાષા તેજ હતી, પ્રેરક હતી, વેધક હતી. એમને બહુ જ પાસેથી જોયા, ઠીંગણા, ગોળ ચશ્માં, ગોળ કાળી ટોપી, હાફકોટ, ધોતી, ચંપલ અને છત્રી. આંખો કાચ જેવી. બહુ પાસેથી જોયા અને એમને વાતો કરતા સાંભળ્યા. એ વખતે વૃદ્ધત્વ દેખાતું હતું, એ 70 વર્ષના હતા.

સાવરકર 1883માં જન્મ્યા, 1966માં અવસાન પામ્યા, ઉંમર 83 વર્ષ! માનવંદના સાથે 1966ની 27મી ફેબ્રુઆરીએ એમનો દેહસંસ્કાર મુંબઈના ચંદનવાડીમાં કરવામાં આવ્યો હતો. સાવરકરના જીવનની કેટલીક વાતો પ્રસિદ્ધ છે કારણ કે નવી પેઢીને તરત જ પ્રિય થઈ જાય એવા પરાક્રમ અને રોમાંસનું એમાં સંમિશ્રણ છે. 1906માં 23 વર્ષની વયે એમણે લંડન તરફ પ્રસ્થાન કર્યું. 1909માં બેરિસ્ટરની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. ગુજરાતના શ્યામજી કૃષ્ણવર્માએ 1897માં લંડનમાં હાઈગેટ પાસે ક્રોમવેલ હાઉસ ખરીદ્યું હતું જેમાં હિંદુસ્તાની વિદ્યાર્થીઓ રહેતા હતા.1906ના વર્ષની આસપાસ આ મકાન ભારતભવનમાં લગભગ 14 વિદ્યાર્થીઓ રહેતા હતા. એમાંથી કેટલાંકનાં નામો: વિઠ્ઠલભાઈ પટેલ, લાલા હરદયાળ, મદનલાલ ધિંગરા, ભાઈ પરમાનંદ, માદામ કામા, વિનાયક દામોદર સાવરકર...!

સાવરકર 26 વર્ષના હતા ત્યારે એમના મોટા ભાઈ બાબારાવને જન્મટીપની સજા થઈ હતી. એ દિવસોમાં જન્મટીપની સજા થનારને આંદામાન ટાપુમાં પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલમાં મોકલી દેવામાં આવતા હતા. એ સજા કાળા પાણીની સજા કહેવાતી હતી અને એમાંથી માણસ જીવતો પાછો ફરે એ સંભવ ન હતું. પેરિસથી લંડન આવેલા સાવરકરને ગિરફ્તાર કરવામાં આવ્યા અને ભારત આવી રહેલા જહાજમાંથી સાવરકરે સમુદ્રમાં કૂદકો માર્યો. ફ્રાંસના માર્સેલ્સ બંદરે પહોંચી ગયા પણ ફ્રેંચ સરકારે સાવરકરને અંગ્રેજ સરકારને સોંપી દીધા. કેસ થયો, સજા થઈ જન્મટીપની ! વિનાયક સાવરકર, ઉંમર વર્ષ 27, કેદી ક્રમાંક 32788, વર્ગ 3-સી, કક્ષા -2, કેદ થવાનો સમય: 1910...મુક્તિનું વર્ષ: 1960 ! સાવરકરનો આજીવન કારાવાસ શરૂ થયો.

1910માં જન્મટીપ થઈ, કુલ સજા પચાસ વર્ષના કાળા પાણીની, એટલે કે 27 વર્ષીય સાવરકર 1960માં મુક્ત થાય ત્યારે 77 વર્ષના હોય ! આંદામાનમાં મજબૂત માણસો પણ પાંચ વર્ષમાં તૂટી જતા હતા. એ આંદામાનમાં સાવરકર 1910થી 1921 સુધી, અગિયાર-બાર વર્ષ રહ્યા. એમની આત્મકથા 'મારી જન્મટીપ'માં આંદામાનના ભયાનક જેલજીવનનું વર્ણન છે. 1922માં એમને કલકત્તા પાસે અલીપુર જેલમાં રાખવામાં આવ્યા. પછી રત્નાગિરિમાં નજરકેદ, 1924થી 1937, 14 વર્ષો સુધી ! જીવનના 27મા વર્ષે આંદામાનમાં પુરાઈ ગયેલા સાવરકર ફરીથી ભારતની ધરતી પર અલીપુર જેલમાં આવ્યા ત્યારે 38 વર્ષના થઈ ગયા હતા.

આજની રાજીવ ગાંધી સાથે જીવતી પેઢીને અપરિચયના આંદામાનમાં જ ખોવાયેલા રાખવામાં આવે છે. પચાસ વર્ષની કાળા પાણીની આજન્મ સજા પછી માણસ આત્મહત્યા કરી નાખે, અને કેટલાય ક્રાન્તિકારીઓએ આત્મહત્યા કરી હતી. સાવરકરે આત્મકથામાં લખ્યું છે: નાનપણની જ મારી એક ઈચ્છા હતી કે મરાઠીમાં એક મહાકાવ્ય લખું...! અને જેલની દીવાલો પર સાવરકર 'લખતા' ગયા અને એ કવિતા કંઠસ્થ કરતા ગયા. કવિતાનું નામ: કમલા ! અંધારી કોટડીમાં પ્રકટેલી આ મરાઠી કવિતામાં વનસ્પતિના સૌન્દર્યનું, રોમાંસનું, પ્રણયનું વર્ણન છે અને આ કવિતા સમાપ્ત થઈ અને સાવરકરની બદલી થઈ ગઈ, બીજી અંધારકોટડીમાં...

સાવરકર સાચા અર્થમાં 'વીર' હતા અને વીર શબ્દનો સાવરકર સાથે જે સંબંધ ઉપયુક્ત છે. જેલમાં એ ઉર્દૂમાં લખતા-વાંચતા શીખ્યા હતાં. એમણે બંગાળી ભાષા પર  પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. એ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા, એમણે અંગ્રેજીમાં પુષ્કળ લખ્યું છે, મરાઠી વાડ઼્મય પર સાવરકર ઘટાની જેમ છવાયેલા છે. હિંદીમાં મેં એમને વક્તા તરીકે સાંભળ્યા છે. પણ સાવરકર ઉર્દૂમાં રાષ્ટ્રપ્રેમથી છલોછલ ગઝલ લખે એ વાત જ કલ્પનાતીત છે પણ સત્ય છે. હિંદુત્વના પ્રખર પુરસ્કર્તા સાવરકર શતાંશ: રાષ્ટ્રવાદી હતા. એમણે આંદામાન જેલની દીવાલો પર ઉર્દૂ લિપિમાં લખેલી એક ગઝકના કેટલાક અંશ : (એમના શબ્દો અને જોડણી પ્રમાણે જે વંચાય છે) 

ખુશી કે દૌર દૌરે સે હૈ યા રંજો મુહન પહિલે 
બહાર આતી હૈ પીછે ઔર ખિજા ગિરદે ચમન પહિલે....1 
મુહિબાને વતન હોગે હઝારો બેવતન પહિલે 
ફલેગા હિન્દ પીછે ઔર મરેગા અંદમાન પહિલે... 2 
અભી મેરાજ કા ક્યા જિક્ર યહ પહિલી હી મંઝિલ હૈ 
હજારો મંઝિલે કરતી હૈ તૈ હમકો કફન પહિલે... 3 
મુનવર અંજમન હોતી હૈ મહફલ ગરમ હોતી હૈ
મગર કબ જબ કે ખુદ જલતી શમા એ અંજમન પહિલે...4 
હમારા હિન્દ ભી ફૂલે ફૂલેગા એક દિન લેકિન 
મિલેંગે ખાક મેં લાખોં હમારે ગુલબદન પહિલે... 5 
ઉન્હી કે સિર રહા સેહરા ઉન્હી કો તાજ કુર્બાં હો
જિન્હોને ફાડ કર કપડે રખા સિર પર કફન પહિલે...6 

સાવરકર ભાષાની શુદ્ધતાના સમર્થક હતા. પ્રખર મેધાવી વ્યક્તિનું જ આ કામ હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસે લખ્યું છે એમ કારાગારની ઊબડખાબડ સપાટી પર સાવરકરે પ્રથમ લખ્યું અને પછી મુખસ્થ કર્યું. નાટ્યકાર-સર્જક પુ.લ. દેશપાંડે સાવરકરના જીવનને ગ્રીક ટ્રેજેડી સાથે સરખાવે છે. લેખક વિ. વા. શિરવાડકર સાવરકરને ગ્રીક દંતકથાના પ્રથમ હીરો પ્રોમીથીઅસની કક્ષાએ મૂકે છે. પ્રોમીથીઅસે દેવતાઓ પાસેથી અગ્નિ ચોરીને મનુષ્યજાતિને આપી દીધો હતો અને એની શાસ્તી સ્વરૂપ એને એક ખડક સાથે બાંધીને આજીવન રાખવામાં આવ્યો હતો અને એક હિંસક પક્ષી એનું શરીર ચાંચથી નોચ્યા કરતું હતું ! શિવશાહીર પુરંદરે સાવરકરની કલમને શિવાજીની ભવાની તરવાર સાથે સરખાવે છે. શિવાજી સાવરકરના આદર્શ હતા.

સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરે રાષ્ટ્રયજ્ઞમાં જીવનની આહુતિ આપી છે એ એમના જીવનનો એક અને પ્રધાન અંશ છે. પણ મરાઠી ભાષાને એમણે નવાનવા શબ્દો બનાવીને આપ્યા છે એ એમના વ્યક્તિત્વનું એક લગભગ અજ્ઞાત પાસું છે. હિન્દુત્વના એ લગભગ અદ્વિતીય ઈતિહાસકાર રહ્યા છે. જીવનભર એમણે લખ્યું. મરાઠી ભાષામાં મેયર માટે નગરપતિ શબ્દ નથી પણ 'મહાપૌર' શબ્દ વપરાય છે. આ શબ્દ સાવરકરનો સર્જિત છે. રિપોર્ટર શબ્દને માટે એમણે બનાવેલો 'વાર્તાહર' શબ્દ મરાઠીમાં વધારે પ્રચલિત છે. અર્થ થાય : વાર્તાને ખેંચીને લઈ આવનારો ! સંપાદકથી સ્તંભ, સુધી કેટલાય મરાઠી શબ્દો સાવરકરે પત્રકારત્વને આપ્યા છે. એ જ રીતે ફિલ્મજગતને એમણે જ દિગ્દર્શન, ધ્વનિમુદ્રણ, પટકથા, સંકલન, આદિ શબ્દો આપ્યા છે ! આ વાત પુ. લ. દેશપાંડેએ આંદામાન જેલમેદાનમાં આપેલા એક ભાષણમાં કરી હતી.

પણ સાવરકર વ્યાવહારિક પણ હતા. મૃત્યુના ત્રણ વર્ષ પૂર્વે આપેલા એક ઈન્ટરવ્યુમાં એમણે ભાષાશુદ્ધિ વિશે સ્પષ્ટતા કરી હતી. 'નક્શા' (મરાઠીમાં 'નકાશા') અથવા મેપ શબ્દ માટે એમણે તર્ક કર્યો હતો કે હિંદી અને બંગાળીમાં 'માનચિત્ર' વપરાય છે. માનચિત્ર એટલે નોંધ - માપીને બનાવેલું પ્રમાણબદ્ધ ચિત્ર એ શબ્દ મરાઠીમાં વપરાવો જોઈએ. પણ પુલિસ માટે 'આરક્ષક' શબ્દ જનતાની જીભ પર હજી ચડ્યો નથી એટલે પુલિસ શબ્દ બરાબર છે.

મારી સામે ભોંસલે મિલિટરી સ્કૂલનું એ જ છિત્ર છે, સિત્તેર વર્ષીય વૃદ્ધ સાવરકરનું, જે તડકામાં અમને પ્રવચન આપવા આવ્યા હતા. એ વાત 1953ની છે. આજે એ ચિત્ર પણ મન:ચક્ષુઓની સામે માનચિત્ર બની ગયું છે. વ્યક્તિવિશેષ માટે માનચિત્ર અને સામાન્ય દર્શક માટે અભિમાન-ચિત્ર.

ક્લોઝ-અપ: 
હિન્દુ હૈ હિન્દુસ્તાનચે હૃદય આહે (હિન્દુ હિન્દુસ્તાનનું હૃદય છે.) 
                                                                                               સાવરકર

(સમકાલીન: ડિસેમ્બર 25, 1988)

(પુસ્તક: વિવિધા-1)

No comments:

Post a Comment