May 9, 2013

સ્ત્રી અને શરીર : સાધુઓને તકલીફ પડી રહી છે...

પર્વાધિરાજ પર્યુષણ આવે છે અને મુંબઈમાં ગલીગલીમાં વ્યાખ્યાનમાળાઓ શરૂ થઈ જાય છે અને આખું વર્ષ જેમનાં નામો સાંભળ્યાં નથી એવા વક્તાઓ એક ઉપનગરથી બીજા ઉપનગર સુધી વ્યાખ્યાનો આપવા માટે દોડાદોડી કરી મૂકે છે. વિદ્વાન મહારાજસાહેબોથી શીઘ્ર જોડકણાંસમ્રાટો સુધીના વક્તાઓની ડિમાન્ડ રહે છે. મોડર્ન વક્તાઓ પ્રાચીન દેખાવા કોશિશ કરે છે, અને ધર્મવાળા મુનિઓ મોડ-મોડ (અતિ મોર્ડન) દેખાવાનો વ્યાયામ કરતા રહે છે. એક પૂ. શ્રી.... મ.સા.ના પર્યુષણના પ્રથમ દિવસના પ્રવચનમાંથી થોડા નમૂના: જિંદગીને સેટ કરવા સૌ પ્રથમ જીભને સેટ કરો. અને જીભને સેટ કરવા સૌ પ્રથમ ક્રોધને ગેટ-આઉટ કરો!...મોડર્ન બનીને કોર્ડન તોડનારા તમે એક દિવસ તમારા સંસ્કાર અને શાંતિનું મર્ડર કરશો!... કોઈ તમારા પગ પૂજે એમાં જિંદગીની સફળતા છે.... અમારા પગ દબાવવાનો અધિકાર એને જ છે... (ગુજરાત સમાચાર: સપ્ટેમ્બર 12, 1993) 

આ નમૂનાઓવાળું વ્યાખ્યાન એટલું પરિણામગામી હતું કે.... "પૂજ્ય શ્રીએ .... આજે સૌને હચમચાવી દીધા હતા. શ્રોતાઓ વારંવાર રડતા હતા."આ પૂ. શ્રી... મ.સા. ફરીથી કહ્યું: જે સ્ત્રી સંસ્કાર છોડીને મોડર્ન બની છે, તે કોર્ડન તોડીને કુટુંબમાં શાંતિ અને સ્નેહનું મર્ડર કરે છે! 

આ જૈન મહારાજસાહેબનું અંગ્રેજી ભાષાનું અક્ષરજ્ઞાન સાડા ચાર ચોપડીઓ જેટલું હોવું જોઈએ. આ માણસ માટે સ્ત્રી તરીકે જન્મવું એ પૃથ્વી પરનું સૌથી મોટું પાપ છે. હજી આ માણસની ભાષામાં પગ પૂજવા અને અમારા પગ દબાવવા જેવી વાતો આવી શકે છે. ગનીમત છે કે આ માણસ હજી તમારા કે મારા જૈન પરિવારની કોઈ શિક્ષિત, મોડર્ન પુત્રી કે બહેનના કરાટે-ચોપના પરિઘમાં આવ્યો નથી, નહીં તો બધી કોર્ડનો તૂટી જશે.

આને રમૂજ, કટાક્ષ, વ્યંગ્ય કે જે સમજવું હોય એ સમજવાની છૂટ છે. પણ એક મુદ્દો પર્યુષણનાં ગંભીર વ્યાખ્યાનોમાંથી પણ ઊભરતો રહ્યો છે. એ છે: નૈતિક પતન! મૂલ્યોનું પતન  થઈ રહ્યું છે. યુવા પેઢી પાપી જ પાપી છે. જગત ખરાબ ખરાબ છે. તમારું શરીર ગંદકીની ખાણ છે. સ્ત્રી.... સ્ત્રી તો વિશ્વની સૌથી જઘન્ય અને કનિષ્ઠ વસ્તુ છે. જૈન સાધુ મહાત્માઓ શા માટે આટલા બધા યુવાવિરોધી, જીવનવિરોધી, શરીરવિરોધી છે? આજે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી કે બેચરદાસજી રહ્યા નથી, જેમના નામોલ્લેખથી સાદર ગર્દન ઝૂકી જવી સ્વાભાવિક છે. પંડિતજીએ આ વ્યાખ્યાનમાળાઓ મુંબઈમાં શરૂ કરી હતી. આજે ગાંડાઘેલા સરસ્વતીબાજો ઠેકડા મારી રહ્યા છે, એ જમાનામાં કેવાં જબરદસ્ત નામો હતાં? આજે નાના નાના માણસો નાની નાની વાતો કરે છે અને એને 'વ્યાખ્યાન' કહેવાય છે! 

મારી દ્રષ્ટિએ આપણા સમયના સૌથી પ્રકાંડ અને મેધાવી અને મૌલિક જૈન વિચારકનું નામ છે: રજનીશ. એ જૈન હતા. એમને ચાર સેન્ટીમીટર લાંબાં પોણો ડઝન વિશેષણોની જરૂર ન હતી. આજે એમને માટે માત્ર 'ઓશો' શબ્દ વપરાય છે. એ પણ મહત્ત્વનું નથી. પણ એ માણસે શરીર, સ્ત્રી, જીવનને એક સૌંદર્ય આપ્યું. પ્રકૃતિનું સર્જન ભગવાને કોઈ દોષભાવનાથી તો નહીં જ કર્યું હોય. પ્રકૃતિની દરેક વસ્તુ નગ્ન છે, હાથી, ગુલાબનું ફૂલ, ગાય, આંબલીનું ઝાડ, જન્મેલું બાળક, પથ્થર, ભગવાને સર્જેલી દરેક વસ્તુ. નગ્નતાના પુરસ્કાર કે તિરસ્કારની પણ વાત નથી. પણ રજનીશે કહ્યું છે: શરીર એ આત્માનું મંદિર છે...! શરીર ઈશ્વરે મને આપેલી એક બક્ષિસ છે. હું એનાથી સુખનો ઉપભોગ કરી શકું છું અને દુ:ખનો અનુભવ કરી શકું છું. કોઈ બીમાર, અપ્રાકૃતિક, એબ્નોર્મલ સાધુના શરીરના એકએક છિદ્રમાંથી દોષભાવના ટપકી રહી હશે, મારે માટે મારું શરીર છે ત્યાં સુધી જ સમુદ્રો અને આકાશો અને ઈતિહાસો અને વિજ્ઞાનો અને વંશો અને સમયો અને મૂલ્યો, પૃથ્વી અને અંતરિક્ષ છે. જે દિવસે મારું શરીર નથી, એ દિવસે મારે માટે બ્રહ્માંડ જેટલું મોટું પૂર્ણવિરામ મુકાઈ જાય છે. દરેક ઉપર, બધા ઉપર. આપ મૂઆ ફિર ડૂબ ગઈ દુનિયા જેવું જ. તમામ શુદ.

એ લોકો બદનસીબ છે, બદબખ્ત છે જે ખરાબ થવાની ઉંમરે ખરાબ થવું ચૂકી ગયા છે, અને હવે દોષગ્રંથિથી તડપી રહ્યા છે. એકવાર કલકત્તામાં મેં એક પ્રવચનમાં કહ્યું હતું કે જે જે ખરાબીઓ કરવી હોય એ નાની ઉંમરે શરૂ કરી દેજો કે જેથી મોટી ઉંમરે છૂટી શકે. જો મોટી ઉંમરે શરૂ કરશો તો પછી જિંદગીભર નહીં છૂટે. સ્કૂલમાં સિગરેટ પીવી શરૂ કરી હતી અને જવાનીમાં પાઈપ પીધી, લગભગ 17 વર્ષ સતત પીધી અને એક બપોરે બધું જ ફેંકી દીધું, કારણ? કારણ કે હું જૈન છું અને જૈન બધું જ છોડી શકે છે. બીજું કારણ એ કે મન તૃપ્ત થઈ જાય એટલો ભોગ કરી લીધા પછી ત્યાગ અત્યંત આસાન બની જાય છે. 35મે વર્ષે સિગરેટ પીવી શરૂ કરશો તો આખરી દમ સુધી નહીં છૂટે, 15મે 20મે કે 25મે વર્ષે શરૂ કરી હશે તો 45મે વર્ષે તમાકુ છૂટી જશે! આ મારી ફિલસૂફી છે. ભોગ પછી જ ત્યાગ આવે છે, આજ વિવેકાનંદની ફિલસૂફી છે, આ જ હરમન હાસની નવલ 'સિદ્ધાર્થ'નો ધ્વનિ છે, ધર્મ અને મોક્ષની સાથે અર્થ અને કામ મૂક્યા વિના ક્યારેય પુરુષાર્થ બનતો નથી. હું આ માનું છું. મારું શરીર મારું શત્રુ નથી, જૈન સાધુ એના શરીરને શત્રુ માને છે. પોઝિટિવ અને નેગેટિવ વિચારધારાની આ વિભાજનરેખા છે.

61 વર્ષો પસાર કર્યા પછી પણ આપણું શરીર આપણને સમજાય છે? સ્પર્શનું શું શાસ્ત્ર છે? સ્પર્શ એ શરીરનું એક અત્યંત જટિલ રહસ્ય મને લાગ્યું છે, સ્પર્શની ભાષાને લિપિ અને ધ્વનિની જરૂર નથી, અને સ્પર્શની કોઈ મીમાંસા હોતી નથી. સ્પર્શમાં શરીરની સંપૂર્ણ સેન્સિટીવિટી સર્જનહારે મૂકી દીધી છે. અને સ્પર્શના કેટલા પ્રકારો છે? હસ્તધૂનન થાય છે, બે હથેળીઓનો સ્પર્શ, અને ચુંબન થાય છે, બે વિચારો કે સ્વભાવો કે આત્માઓનો સ્પર્શ. જીભને અન્નનો સ્પર્શ થાય છે અને સ્વાદ જન્મે છે. એક જીભ જીવનભર સ્પર્શેન્દ્રિયરૂપે કેટલી બધી મજા આપી ગઈ છે? કેટલા સ્વાદો, કેટલા રસો જીભના સ્પર્શે આપ્યા છે? પગના તળિયામાં ખણવું અને પગના તળિયામાં ગુદગુદી કરવી, લગભગ એક જ ક્રિયા અને બે અનુભવો. અને આપણે પથારીમાં 103 ડિગ્રી તાપમાન સાથે પડ્યા હોઈએ ત્યારે માથા પર માતાનો હાથ અને પેટ પર પત્નીનો હાથ, અને બંને જુદા જુદા મૌનની સ્પર્શભાષાઓ આપણે બરાબર સમજીએ છીએ. અને સ્પર્શ તો શરીરની ઘણીબધી ઈન્દ્રિયોમાંની એક જ છે...! અને અંધજનની આંગળીઓનાં ટેરવાંઓને પૂછ્યું છે કે સ્પર્શ એટલે શું?

ધર્મ યુવાવિરોધી, સ્ત્રીવિરોધી, શરીરવિરોધી હોતો નથી. ધર્મગુરુને... થવું પડે છે.

ક્લોઝ અપ: 

દરેક મૂર્ખ એકાદ વાર તો હીરો બની જ શકે છે. - સ્વામી વિવેકાનંદ

(પુસ્તક: સ્ત્રી વિષે)

1 comment:

  1. બધી જ કોર્ડન તોડી નાખે તેવો અદભૂત લેખ .

    ReplyDelete