June 29, 2013

લવ અને સેક્સ : શબ્દકોશની બહાર નીકળી ગયેલા શબ્દો

લવ અને સેક્સ શબ્દો સ્વદેશી નથી, પણ આપણે દિલ મોટું રાખીને ગુજરાતીમાં સ્વીકારી લીધા છે. લવ એટલે પ્રેમ, અને સેક્સ એટલે સેક્સ ! કરોડો શબ્દો લખાયા છે આ બે વિષયો પર, અને હજી કરોડો શબ્દો લખાશે, પણ બે પગ પર ચાલતા દરેક પુરુષ કે સ્ત્રીનો આ બે શબ્દોનો અનુભવ વિશેષ નહીં પણ સવિશેષ હોય છે, માટે અભિવ્યક્તિ પણ સવિશેષ હોય છે. ફ્રેંચ પ્રજા આ બંને શબ્દોની માહિર ગણાય છે, કારણ કે રોમાન્સ શબ્દ મૂળ ફ્રેંચમાંથી આવ્યો છે. ફ્રેંચ ભાષામાં આમુર (Amour) એટલે પ્રેમ! પણ જો એ એકવચનમાં હોય તો નરજાતિ ગણાય, અને બહુવચનમાં હોય તો શબ્દ નારીજાતિનો બની જાય છે! એ જ રીતે "ઝેન્સ" શબ્દનો અર્થ થાય છે : લોકો! જો આ શબ્દની આગળ વિશેષણ હોય તો એ નારીજાતિનો શબ્દ છે, અને જો આ શબ્દની પછી વિશેષણ લાગે તો એ નરજાતિનો શબ્દ બની જાય છે! ફ્રેંચોમાં નર અને નારીને સમાન હક્કો છે.... અને લવ માટે વપરાતાં વિશેષણો સામાન્ય નહીં હોય, એ માટે આપણે જો એક નવો શબ્દ બનાવીએ તો એ "સવિશેષણો" હશે!

દુનિયામાં જેટલી સ્ત્રીઓ છે એટલી લવની થિયરીઓ છે, અને જેટલા પુરુષો છે એટલી સેક્સની થિયરીઓ છે. નિષ્ફળ નવલકથાકારો અને સફળ નવલકથાકારોમાં એક બુનિયાદી ફર્ક એ છે કે નવલકથાની વાચકો અધિકાંશ સ્ત્રીઓ હોય છે અને લેખકો પુરુષો હોય છે અને સ્ત્રી-વાચકોને સેક્સમાં નહીં પણ રોમાન્સ કે લવ વિષે વાંચવામાં રસ હોય છે. જ્યારે પુરુષ નવલકથાકારો સેક્સમાં સરકી જતાં બહુ વાર લગાડતા નથી. સ્ત્રીને સેક્સની જુગુપ્સામાં રુચિ નથી, સ્ત્રીને રેશમી રોમાંસની મદ્ધિમ રોશનીમાં ખોવાતા રહેવાનું ગમે છે. ઘણાખરા પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકારોનો સ્ત્રીનો અનુભવ 13 વર્ષના છોકરાનો અનુભવ છે, અને એમનાં સ્ત્રીવર્ણનોમાં 13 વર્ષના છોકરાના હોઠ પર ફરતી જીભ જોઈ શકાય છે. પ્રસિદ્ધ થવું સહેલું છે, સિદ્ધ થવું જરા અઘરું છે.

પ્રેમ અને સેક્સની વચ્ચેની સ્થિતિઓ વિષે હિંદુ અને ગ્રીક, બંને પ્રાચીન પૌર્વાત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓમાં ઉલ્લેખો, અને પ્રસંગો છે. હિન્દુ સંસ્કૃતિમાં ધર્મના 3 પુત્રોમાંથી એકનું નામ "કામ" હતું અને કામની પત્ની રતિ હતી. કામક્રીડા અને રતિક્રીડા આપણી ભાષાના શબ્દો છે, પણ એ બંને શબ્દો વચ્ચે શું તાત્વિક ફર્ક છે એ ગુજરાતી પ્રજાના આધુનિક વાત્સ્યાયન સેક્સવિશારદ ડૉક્ટર પ્રકાશ કોઠારી જ કદાચ સમજાવી શકશે!

આપણા કામદેવના સહોદર જેવો ક્યૂપિડ પશ્ચિમમાં છે. ક્યૂપિડ અથવા ઇરૉસ એ પ્રેમનો દેવતા હતો. પિતા જ્યૂપિટર હતો, અને માતા સૌંદર્યદેવી વિનસ હતી. સૂચક વાત એ છે કે ક્યૂપિડની પત્ની અપ્સરા સાઇકી હતી, જેના પરથી માનસશાસ્ત્રના શબ્દો આવ્યા છે. આપણી રતિ સાથે દૈહિક કે લૈંગિક સંબંધો જોડાયેલા છે, વિદેશી સાઇકી સાથે માનસિક ધારાઓ જોડાયેલી છે ! ગ્રીકોએ ઇરોસને સ્થાને એગેપ જેવો એક શબ્દ પણ વાપર્યો છે.

ડૉ. કિનસે વિશ્વના સર્વકાલીન સેક્સ-સંશોધકોમાં સ્થાન પામે છે, એમણે સેક્સ વિષે એક વિરાટ કિનસે-રિપૉર્ટ પ્રકટ કર્યો હતો. પણ એ રિપૉર્ટમાં "લવ" શબ્દ ક્યાંય નથી! સમાજશાસ્ત્રી પીટીરીમ સોરોકીનના પ્રતિષ્ઠિત અભ્યાસગ્રંથ "ધ વેઝ ઍન્ડ પાવર ઑફ લવ"ની અનુક્રમણિકામાં "સેક્સ" શબ્દ માત્ર બે વખત જ આવે છે. ઇતિહાસકાર વિલ દુરાન્તે એક વેધક વાત કહી હતી : લગ્ન માત્ર બાળકો અને સંપત્તિ માટે જ શોધાયું ન હતું, પણ લગ્નનો આશય સેક્સના અસહ્ય તનાવમાંથી મુક્તિ આપવાનો પણ હતો. એટલે કે લગ્ન મનુષ્યના મનને સેક્સમુક્ત કરે છે! લગ્ન સેક્સને હોલવી નાખનારો અગ્નિ છે...? 

પ્રેમ શબ્દ આપણો નથી, સંસ્કૃત નાટકોમાં નથી, પ્રાચીન શાસ્ત્રોમાં નથી, પ્રેમ શબ્દ કવિ ઉમાશંકર જોષીના મત પ્રમાણે ઇમ્પોર્ટેડ છે, એ આપણી વિભાવના નથી. આપણે ત્યાં "લવ" શબ્દ આવ્યો અને કોઈ મહાન જ્ઞાનીએ એના પર્યાયરૂપ "પ્રેમ" શબ્દ આપણને બનાવી આપ્યો હોય એ બિલકુલ સંભવ છે. આપણે ત્યાં એ માનસિકતાની જુદી જુદી કક્ષાઓ માટે વાત્સલ્યથી અભિસાર સુધી અનેક શબ્દો આપણા પ્રાચીન અને મધ્યકાલીન કવિઓ અને નાટ્યકારોએ પ્રયોજ્યા છે. અભિસાર એક સરસ શબ્દ છે, જેમાં સુખ અને દુ:ખના બંને વિપરીત ભાવો એકસાથે આવી જાય છે. આવો અદભુત શબ્દ સંસ્કૃત ભાષા અને હિંદુ બુદ્ધિ જ આપી શકે...

પ્રાણીશાસ્ત્રીઓએ અભ્યાસ કરીને સુમાત્રાના ઉરાંગઉટાંગ બંદરો વિષે એક નિષ્કર્ષ કાઢ્યો છે. ઉરાંગઉટાંગનો અર્થ મલય ભાષામાં "જંગલનો માણસ" થાય છે, અને સંસ્કૃત "વાનર" શબ્દની પાછળ પણ વન+નરની વ્યુત્પત્તિ છે. આ ઉરાંગઉટાંગ નર અને માદા સાથે રહે છે, પણ માદા જેવી ગર્ભવતી થાય છે કે ઉરાંગઉટાંગ નર એને છોડીને ભાગી જાય છે. બચ્ચાં ઉછેરવાનું કામ માદા એકલી જ કરે છે. આ ઉરાંગઉટાંગવૃત્તિ પશ્ચિમના મનુષ્ય એટલે કે પુરુષના મનમાં આજે પણ તરત સપાટી પર આવી જાય છે!

(અભિયાન મે 17, 2003)

(64 લેખો)

No comments:

Post a Comment