July 10, 2013

જે તૂટતા નથી એ લોકો...

12 જુલાઈ 2013નાં રોજ ભારતીય દોડવીર મિલખાસિંઘના જીવન પર આધારિત ફિલ્મ "ભાગ મિલ્ખા ભાગ" રજૂ થઈ રહી છે ત્યારે બક્ષીબાબુએ દાયકાઓ પહેલાં જીવનની અંગત કરુણતાઓ છતાં ખુદ્દારીથી જીવનાર મિલખાસિંઘ સહિતની હસ્તીઓનાં વિશે લખેલો એક પ્રેરણાદાયક લેખ પ્રસ્તુત છે:

હું પાકિસ્તાનના લાયલપુર જિલ્લાના ગોવિંદપુરા ગામમાં જન્મ્યો હતો. મારા એક મોટાભાઈ સેનામાં હતા. હું પંદર વર્ષનો હતો ત્યારે જ આ ઘટના બની. હિંદુ-મુસ્લિમ હુલ્લડો થઈ ગયાં. મુસ્લિમોએ મારાં માતા, પિતા, ત્રણ ભાઈઓ, ત્રણ ભાભીઓ અને એમનાં સંતાનોને નિર્દોષ ઘેટાંઓની જેમ કતલ કરી નાંખ્યાં. હું કઈ રીતે જીવતો રહી ગયો અને ફેંકાતો ફેંકાતો હિન્દુસ્તાનમાં આવી ગયો એ મને ખબર નથી. લશ્કરમાંનો મારો મોટોભાઈ અને હું, અમે બે જ આ સંહારમાંથી જીવતા રહી શક્યા. હું તદ્દન તૂટી ગયો હતો. પૈસા બિલકુલ ન હતા, કંઈ કરવાની માનસિક સ્થિતિ પણ હતી નહીં - અને જિંદગી શરૂ થઈ.

મિલખા સિંઘ


આ શબ્દો છે ભારતના શ્રેષ્ઠ એથલીટ અથવા રમતવીર મિલખાસિંઘના ! મિલખાસિંઘની કક્ષાનો દોડવીર ભારતે આજ સુધી પેદા કર્યો નથી.

હવે બીજા એક માણસની વાત. 

એ માણસની વેદનાનો અંત ન હતો. જ્યારે મૂળ પ્રતની કોપી કરનારે પોતાના સાડા ત્રણ આના પ્રમાણે મહેનતાણું માંગ્યું (લગભગ વીસ પૈસા) ત્યારે એની પાસે એ પૈસા આપવાની સ્થિતિ ન હતી. એણે પોતે પોતાના હાથથી કોપીઓ કરી. એ જમાનામાં ઝેરોક્ષ કે ફોટો કોપી ન હતી. પણ એ માણસ તૂટવા માંગતો ન હતો. પછી વિધિના પ્રવાહ શરૂ થયા. 1947ના કલકત્તાનાં હિંદુ-મુસ્લિમ હુલ્લડોમાં એના મોટા પુત્રને કોઈ મુસ્લિમે છરો મારીને મારી નાંખ્યો. એનો નાનો પુત્ર એક લાંબા રોગમાં રિબાઈને જવાનીમાં જ મરણ પામ્યો. એની નાની પુત્રીએ લંડનમાં આત્મહત્યા કરી નાખી. એના બે જમાઈઓ જવાનીમાં મરી ગયા. પણ બૂઢો તૂટ્યો નહીં. એ એનું કામ કરતો રહ્યો.

સર જદુનાથ સરકાર

આ બૂઢો એટલે ભારતના શ્રેષ્ઠ ઈતિહાસકારોમાંનો એક : સર જદુનાથ સરકાર ! આજ સુધી ભારતમાં એની કક્ષાના બહુ જ ઓછા ઈતિહાસકારો પેદા થયા છે.

હવે ત્રીજા માણસની વાત.

એ માણસના મુકાબલાનો પત્રકાર આજે ભારતમાં નથી. એ લખે છે અને સિંહાસનો ડોલે છે. અચ્છા અચ્છાના રાજદંડો ધ્રુજી જાય છે. કૌભાંડોને પર્દાફાશ કરવાનો એ માહિર છે. એની ભાષા હલાલની છે. એ સંસદનું ત્રીજું ભવન છે, એની હિમ્મત આફરીન પોકારી જવાય એવી છે. એનું નામ છે - અરૂણ શોરી ! 'ઈન્ડિયન એક્સપ્રેસના' અરૂણ શોરીને કોણ ઓળખતું નથી? 

અરૂણ શૌરી

અરૂણ શોરીને એક જ પુત્ર છે. પુત્રનું નામ છે અદિત. પુત્ર વિકલાંગ છે. પેરીપ્લેજિક છે અને જીવનભર અવિકસિત રહેશે.

ઝિયા ઉલ હક

એ સરમુખ્તાર છે. બહુ કડક, ખયાલાતવાળો માણસ છે. એ એશિયાના સશક્ત શાસકોમાંનો એક છે. એનું નામ ઝિયા ઉલ હક, સદર-એ-પાકિસ્તાન ! જનરલ ઝિયાની એક જ પુત્રી છે અને એ બહેરી અને બોબડી છે. દર શુક્રવારની નમાઝમાં જનરલ ઝિયા પોતાની પુત્રીને બંદગી કરવા સાથે લઈ જાય છે.

અને હવે પાંચમી સ્ત્રીની વાત.

ઈટાલીયન અભિનેત્રી એના મેગ્નેની જેવી અભિનેત્રીઓ દુનિયાએ બહુ ઓછી જોઈ છે. કેટલાંકના મતે એ જગતની શ્રેષ્ઠ અભિનેત્રી હતી. હિસ્ટીરિકલ અથવા ઉત્તેજિત સ્ત્રીનો અભિનય જોઈને દર્શકો ચીસ પાડી ઊઠતા! 'રોઝ ટેટુ' ફિલ્મમાં એણે જે અભિનય કરેલો એ જોઈને હોલીવુડ સ્તબ્ધ થઈ ગયેલું. 'વોલ્કેનો' ફિલ્મમાં એણે લગભગ પાગલ થઈ ગયેલી સ્ત્રીનો દર્દનાક અભિનય કરેલો.

એના મેગ્નેની

એનો એક જ પુત્ર હતો. જવાન, મોટો, સરસ તબિયતવાળો, તગડો પુત્ર ! એ પુત્ર ગાંડો હતો અને પાગલખાનામાં હતો. એના મેગ્નેની પોતાના પાગલ પુત્રને મળવા પાગલખાનામાં નિયમિત જતી હતી.

મિલખાસિંઘ કે સર જદુનાથ સરકાર કે અરૂણ શોરી કે જનરલ ઝિયા કે એના મેગ્નેની જેવી મેધાવી વ્યક્તિઓમાં એક સમાન અનુભવ જોવા મળે છે - વ્યક્તિગત ટ્રેજેડીનો! પોતપોતાના ક્ષેત્રમાં શિખર પર પહોંચવા માટે આવી ભયંકર કરુણતા જીવનમાં જરૂરી હોય છે? આ કારમા જખમો આવા માણસોને આસમાનની ઊંચાઈ સુધી ફેંકે છે? શા માટે આ માણસો તૂટતા નથી અને ભયંકર સખ્ત થઈ જાય છે?

આવા કેટલાય કેસો છે.લેખક આર. કે. નારાયણની બે જોડિયા પુત્રીઓ છે અને બંને વિકલાંગ છે. નારાયણ અંગ્રેજીમાં લખતા ભારતીય લેખકોમાં શ્રેષ્ઠ મનાય છે.

જનતા સરકાર દરમિયાન સોલિસિટર જનરલ રહેલા સોલી સોરાબજીનો એક પુત્ર પણ વિકલાંગ છે.

ભારતીય સેનાના સર્વોચ્ચ સેનાપતિ જનરલ રેનાનો એકનો એક છોકરો, મોટર-સાઈકલ અકસ્માતમાં અવસાન પામ્યો હતો. 

રામનાથ ગોએન્કાના એકના એક પુત્રનું પણ બાપનાં જીવતાં જ અવસાન થયું હતું. ગોએન્કા 'ઈન્ડિયન એક્સપ્રેસ'ના માલિક છે.

અને ઈન્દિરા ગાંધીને કેમ ભૂલી શકાય? જે પુત્ર પર જીવનની બધી જ આશાઓનો મદાર બાંધ્યો હતો એ પુત્ર એક સવારે પ્લેન દુર્ઘટનામાં ખતમ થઈ ગયો. એનું શરીર ઘરમાં પાછું આવ્યું ! સંજયના મૌતનો જખમ સહન કરીને જવાબદારી નિભાવતા જવું એ મર્દાના કામ હતું. ઈન્દિરા ગાંધીની સખ્તાઈ માટે એ 'આયર્ન લેડી' તરીકે ઓળખાય છે.

કેટલાકને વ્યક્તિગત ટ્રેજેડી પોલાદની જેમ સખ્ત બનાવી દે છે. એમના કામમાં એ વધારે ઊંડા ઊતરી જાય છે. એમની લગન અને તમન્ના એક જ દિશામાં કામ કરવા લાગે છે. રડવાના સમયે એ રડી લે છે પણ પોતાના લક્ષ્યથી ચલિત થતા નથી.

પાકિસ્તાનના દોડવીર અબ્દુલ ખાલિકની સાથે રેસમાં ઊતરેલા મિલખાસિંઘે જ્યારે લાહોરના આંતરરાષ્ટ્રીય જંગમાં ખાલિકને હરાવ્યો ત્યારે કદાચ વેરનો એક ભયાનક આનંદ ભભૂકી ઊઠ્યો હશે ! બીજો માખનસિંઘ હતો, અને ચેમ્પિયન ખાલિક ત્રીજો હતો ! 

પ્રગતિ માટે જીવનમાં કેટલી કરુણતા જરૂરી હોય છે?

(સાહસ)

(વધુ જાણકારી માટે, મિલ્ખા સિંઘ વિશે ભવેન કચ્છીના 10 જુલાઈ 2013નાં લેખની લિંક: 
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/vividha-milkha) 

No comments:

Post a Comment