August 19, 2013

તમે યાદ આવ્યા – વિનોદ ભટ્ટ

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જૂન-2012માંથી સાભાર.]

ચંદ્રકાન્ત બક્ષી અને મારી વચ્ચે એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ હતો, લવ-હેટ્રેડનો, પ્રેમ-તિરસ્કારનો, ગમા-અણગમાનો પણ… જોકે બક્ષી પારદર્શક હતા. પોતાના મનોભાવને છુપાવી શકતા નહીં. જે જીભ પર આવે એ બેહિચક બોલી દેતા. એક સભામાં એ વક્તા હતા. હું ઓડિયન્સમાં આગળ બેઠો હતો. મને એમણે જોયો. પ્રવચનની શરૂઆતમાં જ મારી સામે આંગળી ચીંધી એમણે કહ્યું, ‘મારો પ્રિય દુશ્મન વિનોદ ભટ્ટ અહીં હાજર છે….’ અલબત્ત બક્ષીએ ક્યાંક નોંધ્યું છે કે હું રેંજીપેંજીને મારા શત્રુ બનવાનું સ્ટેટસ નથી આપતો. એ સાંભળી મનમાં સહેજ ચચર્યું, પણ મનને મેં આશ્વાસન દીધું કે ચાલો, બક્ષીએ આપણને એમના શત્રુ હોવાનું ગૌરવ તો આપ્યું જ છે ને ?’

કાર્યક્રમ પૂરો થયા બાદ સ્વરુચિ ભોજન લેવાનું હતું. હું હજી ડિશ પીરસી જમવાનું શરૂ કરતો હતો, ત્યાં જ પાસે આવી બક્ષી મને ભેટી પડ્યા. મેં એમની સામે જોઈ દાઢમાં કહ્યું :

‘બક્ષીબાબુ, મને એ કહો કે ક્યો બક્ષી સાચો ? થોડીકવાર પહેલાં ભાઈકાકા હોલમાં મને પ્રિય શત્રુ કહેતો હતો એ કે આ ક્ષણે પ્યારથી ભેટી રહ્યો છે એ ?’

બન્ને બક્ષી સાચા છે, ‘વિનોદબાબુ….’ કહી શરારત ભર્યું હસીને એ આગળ વધી ગયા.

એ દિવસોમાં બક્ષી મુંબઈ રહેતા. એ અમદાવાદ આવે ને નવભારત સાહિત્ય મંદિરની ઑફિસે બેઠા હોય ત્યાંથી મને ફોન કરે કે પ્રકાશક મહેન્દ્ર શાહની સામે બેઠો છું, તમને મળવાનું મન છે, અનુકૂળતા ખરી ? ‘ખરી, આવી જાવ, રાહ જોઉં છું.’ હું કહું ને એની દસ જ મિનિટમાં એ દર્શન આપે. તે બોલે, હું સાંભળું. તેમણે મને એક સારા શ્રોતા બનવાની તાલીમ આપી હતી. એ મારે કબૂલ કરવું જોઈએ. ક્યારેક તો એવું પણ બનતું કે તે મારે ત્યાં આવે ત્યારે ‘આવો બક્ષીબાબુ’ ને દોઢેક કલાક બાદ જાય ત્યારે ‘આવજો બક્ષીબાબુ’ જેવાં રોકડા બે વાક્યો બોલવાનો અવસર મને મળી જતો. બાકીની ખાલી જગ્યા એ ભરી દેતા. પણ એક વાત છે, તેમની કંપનીમાં ક્યારેય બોર ન થવાય.


અને કોઈવાર તેમને ઓચિંતો ખ્યાલ આવતો કે આ વિનોદ ભટ્ટ પણ લેખક છે તો એકાદ સવાલ મારા સાહિત્ય અંગેય તે ઉપકારના ધોરણે પૂછી નાખતા. ઉ.ત. એક દિવસ તેમણે મને પૂછ્યું : ‘વિનોદબાબુ, તમારું કોઈ નવું પ્રકાશન આવ્યું છે ? એ જ દિવસે મારું એક નવું પુસ્તક પ્રગટ થયું હતું. મેં તેમના હાથમાં મૂક્યું. પુસ્તકનાં શરૂઆતનાં પાનાં ફેરવતાં એક પાના પર તે અટકી ગયા – એ પાન પર વિનોદ ભટ્ટનાં બહાર – એટલે કે પ્રકાશકને ત્યાંથી બહાર પડેલાં પુસ્તકોની સાલવાર યાદી હતી – ક્યા વર્ષમાં કયું પુસ્તક પ્રકાશિત થયું એ છાપ્યું હતું. આ સાલવાર યાદી પર આંગળી મૂકી બક્ષીએ મને પ્રશ્ન કર્યો, ‘ગુજરાતી સાહિત્યમાં સાલવાર યાદી છાપવાની શરૂઆત કોણે કરી એ તમે જાણો છો ?’

‘મને ખબર નથી.’ મેં કહ્યું.

‘આ કામ પહેલવહેલું બક્ષીએ કર્યું.’ બક્ષી બોલ્યા.

‘નો ડાઉટ બક્ષીબાબુ’ મેં જણાવ્યું, ‘આ કામ ગુજરાતી સાહિત્યમાં બે જણાએ કર્યું છે, એક તો બક્ષીએ ને ત્યાર પછી નર્મદે….’ જો કે મેં આપેલી માહિતીથી બક્ષી ખાસ પ્રભાવિત નહોતા થયા.

બક્ષી વક્તા પ્રભાવશાળી, કલાક-દોઢ કલાકથી ઓછું ન બોલે, પણ તે બોલતા અટકે ત્યાં સુધી ઑડિયન્સને બાનમાં રાખે. તેમને પાછું એવું ખરું કે વિષય ગમે તે હોય, તેમને બોલવું હોય એ જ બોલે, શરત એટલી કે પ્રેક્ષકોને મજા પડવી જોઈએ. એમનું હૉલમાં બેઠેલું વસૂલ થવું જોઈએ. એક વખત ડૉ. ભોળાભાઈ પટેલ અને બક્ષીજીને સાથે સુરેન્દ્રનગરની કોઈ એક સાહિત્યિક ગોષ્ઠીમાં બોલવાનું હતું. કલકત્તા સાથે જોડાણ હોવાથી બક્ષી-બાબુને શરદબાબુની નવલકથા પર બોલવાનું સૂચવાયેલું. બક્ષીબાબુએ શરૂ કર્યું. ‘શરદબાબુ આજ-કાલ આઉટડેટેડ થઈ ગયા છે. તમને શરદબાબુની વાતોમાં ખાસ ઈન્ટરેસ્ટ નહીં પડે. આજે હું તમને મજા પડે એવા રાઈટર ચન્દ્રકાન્ત બક્ષીની વાત કરીશ. અને લગભગ 70 થી 80 મિનિટ સુધી એમણે પોતાની કેફિયત રજૂ કરી દીધી હતી… બીજી એક બિનસાહિત્યિક સભામાં બક્ષીજીને ફાળવેલ સમય કરતાં ખાસ્સું લાં…બુ તે બોલ્યા. આયોજકો અને ખુદ મુખ્યમંત્રી અકળાયા પણ બક્ષી તો અટકવાનું નામ ન લે. લાંબુ બોલવાને કારણ આપતાં નામદાર રાજ્યપાલ, મુખ્યમંત્રી વગેરે તરફ આંગળી ચીંધી શ્રોતાઓને તેમણે જણાવ્યું પણ ખરું, ‘તમે આ લોકોને નહીં, મને સાંભળવા આવ્યા છો….’ – એ શ્રોતાઓની વચ્ચે બેસવાનું સદભાગ્ય (!) આ લખનારને પણ મળ્યું હતું.

એને ખેલદિલી કહેવાય કે કેમ એની મને જાણ નથી, પણ ઉદારતા તો જરૂર કહેવાય કે એમના પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં તેમણે એકવાર નહીં, બબ્બેવાર વકતા લેખે મને અવળચંડાને બોલાવેલો. તેમનાં પચ્ચીસ પુસ્તકોના લોકાર્પણ વખતે તો સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી પણ હતા. અમે બન્ને વક્તા ટીખળ કરવાના મૂડમાં હતા, માત્ર ઑડિયન્સને હસાવવા જ અમે બક્ષીજી પર થોડો વ્યંગ-વિનોદ કર્યો. ઉ.ત. મેં શરૂઆત આમ કરી : ‘મારી બે દીકરીઓ છે, મોટી પુત્રી મોનાએ ગુજરાતી સાથે એમ.એ કર્યું છે ને નાની વિનસે સાઈકૉલૉજી સાથે એમ.એ. કર્યું છે. બન્નેને પી.એચ.ડી. કરવું હતું. મોટી, ગુજરાતીવાળીએ મારી સલાહ માગી : ‘હું શેના પર કરું ?’ મેં તેને જણાવ્યું કે બક્ષીઅંકલે થોકબંધ લખ્યું છે, નવલકથાઓ, વાર્તાઓ, નિબંધો વગેરેમાંથી તું ગમે તે એક સ્વરૂપ પકડ, જરૂર પડે એમાં તું બક્ષીઅંકલની મદદ પણ લઈ શકીશ. સાઈકૉલૉજી સાથે એમ.એ. થયેલી નાની દીકરીએ મને પૂછ્યું : ‘અને હું ?’ ‘બેટા, તારો સબ્જેક્ટ તો સાઈકૉલૉજી છે ને ?’ મેં તેને વિષય આપ્યો, ‘તું બક્ષીઅંકલ ઉપર જ પી.એચ.ડી. કર, બક્ષીઅંકલની મદદ લીધા વગર એ તું કરી શકીશ.’ ઓડિયન્સ બહુ હસ્યું, વધારે પડતું હસ્યું એટલે બક્ષી બરાબરના ખિજાઈ ગયા, એ સમસમી ગયા. એ છેલ્લા વક્તા હતા. આગળના વક્તાઓ સાથેનો હિસાબ બરાબર કરવા એ કાયમ છેલ્લે બોલવાનું પસંદ કરતા. માધવસિંહભાઈ અને મારી સામે જોઈ બક્ષીએ ઓડિયન્સને કહ્યું : ‘હું ધારું તો આ બન્નેને ફક્ત બે જ મિનિટમાં પતાવી શકું, પણ આજે એમ નહીં કરું.’ (થૅન્ક ગોડ કે અમે બન્ને બચી ગયા.)

બક્ષી હિસાબના માણસ હતા. બદલો ભલા બુરાનો, અહીંનો અહીં આપવાનું કદાચ ઉપરવાળો ચૂકી જાય, બક્ષી ના ચૂકે. અટક ભલે બક્ષી હતી, પણ કોઈને માફી બક્ષવાનું તેમને પસંદ નહીં. કવિ સુન્દરમના રૂક્ષ વ્યવહારથી તે નારાજ થઈ ગયેલા. આ નારાજગીનો પડઘો પોતાની આત્મકથા ‘બક્ષીનામા’માં તેમણે આ રીતે પાડ્યો છે : ‘હું એક જ વાર અમદાવાદમાં સુન્દરમને મળ્યો હતો.’ પછી તે આગળ ઉમેરે છે. ‘સુન્દરમને મેં દૂરથી જોયા. પાસે ગયો. કહ્યું : હું ચન્દ્રકાન્ત બક્ષી ! કલકત્તાથી આવ્યો છું ! તમને…. અને જે માણસ સાથે હું સાડાચાર વર્ષથી પત્રવ્યવહાર કરતો હતો એણે કબરમાંથી ઊભા થયેલા મુડદા જેવી બર્ફીલી નજરે મને જોયો અને સડેલા અવાજે થીજવી નાખે એવી ઠંડકથી કહ્યું : ‘ઠીક !’ મારું મસ્તક ફરી જવા માટે આટલું જ કાફી હતું. મને થયું મારી સામે માણસ નથી, પ્રેત ઊભું છે. કવિ સુન્દરમને સલામ. છેલ્લી સલામ. એક ચાહકના હકની…!’

બક્ષી પ્રેમાળ પણ એટલા. એ વખતે તે મુંબઈ હતા. હૃદયમાં ગરબડ થવાથી મારે સ્ટેન્ટ મુકાવવું પડ્યું હતું. એપ્રિલ 11, 2003ના પત્રમાં તેમણે લખ્યું હતું : ‘પ્રિય વિનોદબાબુ, જલ્દી જલ્દી સ્વસ્થ થઈ જાઓ એ પ્રાર્થના….’ – બક્ષી. આ એ બક્ષી છે જેમને ગુજરાત સાહિત્ય સભાના કહેવાથી મેં શ્રી રણજિતરામ સુવર્ણચન્દ્રક સ્વીકારવા દિલથી વિનંતી કરી હતી કે તમે પત્ની, દીકરી, પ્રકાશક કે કોઈ મિત્રને (જો હોય તો તેને) પૂછો, પછી નિર્ણય કરો. પણ આ વાત હમણાં આપણી વચ્ચે છે. બીજે દિવસે તેમણે મને સવિનય ના પાડી હતી. ઉમેર્યું હતું, ‘1960ની આસપાસ ચન્દ્રક આપ્યો હોત તો લીધો હોત.’ ટૂંકમાં ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ ગણાતો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમણે નકાર્યો હતો. એ બહુ ઓછા લોકો જાણે છે, જોકે બક્ષીએ કોઈને કહ્યું નહોતું. બક્ષી શું છે એની બક્ષીને ખુદને ખબર હતી. એક ઈન્ટરવ્યૂમાં તેમણે પોતાના માટે કહ્યું છે : ‘હું અહંકારી માણસ છું. અહંકારને હું ગુણ સમજું છું. મારે માટે અહંકાર એ ઓમકાર છે. એકાન્ત પ્રિય માણસમાં અહંકાર હોય જ….’

આજે આપણી પાસે બક્ષી તો શું, એમનો ડુપ્લિકેટ પણ નથી. છે ?

No comments:

Post a Comment