September 26, 2013

અંધશ્રદ્ધા અને કાયરો : શુભ-અશુભનું અનુમાનશાસ્ત્ર

જુલાઈ 26, 1987ને દિવસે જયપુરની પાસે જારખંડ મહાદેવ મંદિરમાં જોધપુર જિલ્લાના ફલોદ ગામના 151 પંડિતો ભેગા થયા અને મહારુદ્રાભિષેક યજ્ઞ કરવામાં આવ્યો. આ યજ્ઞનો આશય વરુણ દેવતાને રીઝવવાનો હતો કે જેથી અકાલગ્રસ્ત રાજસ્થાનમાં વરસાદ પડે. એની સામે કોંગ્રેસી વિરોધીઓએ એ જ મંદિરમાં જુલાઈ 30થી ઓગસ્ટ 1 સુધી પ્રતિ-યજ્ઞ કર્યો જેનું નામ મહાપ્રાજન્ય યજ્ઞ હતું. આ યજ્ઞનું પ્રયોજન હતું એ હતું કે રાજસ્થાનના મુખ્ય મંત્રી હરિદેવ જોષી અને એમના પરિવારે કરેલા યજ્ઞની અસર ખલાસ થઈ જાય!

ઑગસ્ટ 17, 1987ને દિવસે લોકસભામાં કૃષિમંત્રી ગુરદયાલસિંહ ધિલ્લોંએ કહ્યું કે હું હમણાં જયપુર ગયો હતો અને મારો આશય એક હવનમાં ભાગ લેવાનો હતો. આ હવન જયપુરમાં આયોજિત કરવામાં આવ્યો હતો, અને આ હવનનો આશય વરસાદના દેવતાને રીઝવવાનો હતો.

ડિસેમ્બર 1986માં તામિલનાડુના પશ્ચિમ મમ્બલમ પ્રદેશમાં અશ્વમેધ મંડપમમાં અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમાં 121 વૈદિક વિદ્વાનો 11 દિવસ સુધી 11 વાર પંચાક્ષરી મંત્રોનું ઉચ્ચારણ કરવાના હતા. ડિસેમ્બર 18થી ડિસેમ્બર 28 સુધી આ મહાયજ્ઞ ચાલ્યો હતો. હોમહવન સાથે શ્રીરુદ્રમ મંત્ર 14,641 વાર બોલાયો હતો. દસ દિવસ સુધી ચંડી-હોમમ થયો હતો. મનુસઃયજાતિને આ હોમહવનથી ખાસ લાભ થવાનો હતો. આ મહાયજ્ઞથી સુખશાંતિ અને સમૃદ્ધિનો યોગ થવાનો હતો.

રાજકોટમાં વરસાદના દેવતાને પ્રસન્ન કરવા માટે એક દિવસનો બંધ પાળવામાં આવ્યો હતો.

મધ્ય પ્રદેશમાં વૃષ્ટિના દેવતાને પ્રસન્ન કરવા માટે એક લાખ પચીસ હજાર લિંગમ બનાવવામાં આવ્યા હતાં કે જેથી વરસાદ પડે. આ સિવાય ગધેડાઓને વિધિવત સમાગમ કરાવવામાં આવ્યો હતો કે જેથી વરસાદ પડે. એક માણસ ઘસડાતો ઘસડાતો 22 કિલોમીટર દૂરના એક મંદિર સુધી ગયો હતો કે જેથી વરસાદ પડે!

જપ-જાપ અને હોમહવન અને તાંત્રિક દાવપેચ માત્ર દિલ્હીમાં જ નહીં, આખા દેશમાં જોર પર છે. રાજીવ ગાંધીની સરકાર સ્થાયી રહે એ માટે દિલ્હીમાં યજ્ઞ થાય છે અને રાજીવ ગાંધી એમાં પધારે પણ છે. એ વિદેશયાત્રા પર હતા, ત્યારે શુક્રવારની નમાઝ પછી મસ્જિદની બહાર લાઈનસર યતીમો ઊભા રહી ગયા હોય એમ, મંત્રીઓ ઊભા રહી જાય એ જુગુપ્સાપ્રેરક ચિત્ર ઓછું હોય એમ 21મી સદીના કોમ્પ્યુટર વ્હીઝકીડ રાજીવ ગાંધી જમણા બાવડા પર રેશમી લાલ કપડું બંધાવતા, જે તાવીજ હતું! મુસ્લિમોમાં જમણા બાવડા પર આ રીતે તાવીજ બંધાય છે! આ દેશમાં કોમ્પ્યુટરોને પણ રાખડીઓ અને તાવીજો આપણે બાંધવાના છીએ.

વી.કે. કૃષ્ણમેનન 1950ના દશકમાં કહેતા હતા કે આ દેશમાં બે જાતના માણસો જીવે છે: એક જે 'ફર્ટિલાઈઝર્સ' (ખાતર)માં માને છે અને બીજા જે 'એસ્ટ્રોલોજર્સ' (જોષીબાવા)માં માને છે! પણ 1980 આવતાં સુધીમાં જોષીબાવાઓના અનુયાયીઓ વધી ગયા છે. જ્યોતિષ જે ખગોળ અને ગણિતના સંબંધો સમજવાનો એક બૌદ્ધિક વિષય છે એ ફળાદેશથી દૈનિક ભવિષ્ય સુધી આવી ગયો છે. પહેલાં અભણ માણસો અંધશ્રદ્ધામાં ડૂબેલા હતા, હવે ભણીગણીને માણસ અંધશ્રદ્ધામાં ડૂબી ગયો છે. આ જ કદાચ આધુનિક ભારતીય સમાજનો ફળાદેશ છે....

કોઈપણ વિકાસશીલ દેશ પ્રજાને નાહિમ્મત કરી નાખનારી આટલી મોટી જ્યોતિષીઓની ફૌજ નિભાવતો નથી. એક અનુમાન પ્રમાણે ભારતવર્ષમાં પ્રેક્ટિસિંગ અને જાણકાર જ્યોતિષીઓનો જુમલો છ લાખ સુધી પહોંચે છે. ભિખારી જ ભવિષ્યની વધારે ચિંતા કરે છે. એ પછી ભીરુ અને કાયર ભવિષ્યની વધારે ચિંતા કરે છે. આ દેશમાં ચારસો જેટલાં જ્યોતિષી પંચાગો પ્રતિવર્ષે પ્રકટ થતાં રહે છે એવું પણ એક અનુમાન છે. સરકારી ઑફિસમાં નાનીમોટી ખુરશીઓમાં ચોંટી પડેલા સરકારી નોકરો પણ રાશિ, ગ્રહ, રાહુ-કેતુ, દશા-મહાદશા, મંગળ, શનિ, શુકન, ચોઘડિયું, દિશાશૂળ જેવા ટેકનિકલ શબ્દો વાતવાતમાં વાપરી શકતા હોય છે. અને આ જ્યોતિષબાજી ઓફિસ-ટાઈમનો ફુલ-ટાઈમ જૉબ હોય છે.

જ્યોતિષમાં આંધળો વિશ્વાસ એક પ્રકારની ભીરુ અંધશ્રદ્ધા છે. અને આજે દેશના પ્રથમ અને દ્વિત્તીય નાગરિકોમાં પણ અંધશ્રદ્ધા છલોછલ ભરેલી છે. રાષ્ટ્રપતિ ઝૈલ સિંહની અવધિ સમાપ્ત થતી હતી એનાથી એક દિવસ લંબાવવામાં આવી (આ પણ કેટલું કાયદેસર ગણાય?) આનું કારણ? નવાંગતુક રાષ્ટ્રપતિ રામસ્વામી વ્યંકટરમણ વધારે ધર્મિષ્ઠ માણસ છે. એમનો દુરાગ્રહ કે સત્યાગ્રહ કે આગ્રહ હતો કે અમુક જ શુભ દિવસે એમની શપથવિધિ થાય! એ કાળી શેરવાણી પહેરીને શપથગ્રહણ કરવા આવ્યા હતા, કારણ કે એમના જ્યોતિષીઓએ ખાસ સલાહ આપી હતી કે આ શુભ દિને કાળું જ પહેરવું કે જેથી વિનાશક તત્ત્વોનો નાશ થશે!

મને લાગે છે કે જગતના કોઈ જ આધુનિક દેશમાં આવું બવન્ડર ચાલતું નથી. જે લોકો મનથી આટલા બધા કમજોર છે એમના હાથોમાં સત્તાની ધુરા કેટલી સલામત રહી શકે? પણ મુહૂર્ત, ચોઘડિયું, કુંડળી એ રાજકારણનું સત્ય છે.

હું ક્યારેક વિચાર કરું છું, રામ અને સીતાની જન્મકુંડળી મેળવી હશે અને જો જન્મકુંડળીના ગ્રહો મળતા હોત તો શિવધનુષ્યવાળા નાટકની શી જરૂર હતી? રામના રાજ્યાભિષેકનું મુહૂર્ત વશિષ્ઠ ઋષિએ કાઢ્યું હતું? જે રાજ્યાભિષેક થયો જ નહીં એનું મુહૂર્ત ખોટું કાઢ્યું હતું? સીતા અને રામનું લગ્નજીવન સુખી હતું કે દુ:ખી? દ્રૌપદી પાંચ પાંડવોને પરણી ત્યારે છ કુંડળીઓ જોવામાં આવી હતી? મંગળનો શબ્દાર્થ 'શુભ' છે પણ કુંડળીમાં મંગળના ગ્રહ શા માટે અશુભ થઈ જાય છે? કદાચ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન નથી, અનુમાન છે અથવા અનુમાનની વિશેષ નિકટ છે.

જ્યોતિષ કરતાં પણ વધારે જટિલ અને પેચીદો પ્રશ્ન છે અંધશ્રદ્ધાનો, વહેમનો, સુપરસ્ટિશનનો, પૂર્વગ્રહનો. વરસાદ જોઈએ છે અને એ માટે એ પ્રશ્નને બુદ્ધિ, વિજ્ઞાન અને શ્રમથી સમજવો પડશે, સુલઝાવવો પડશે. વરસાદ નથી, વરસાદ ઓછો થતો જાય છે, દુકાળની સ્થિતિ સ્વાભાવિક થતી જાય છે. માટે એ વિષે દેશના બુદ્ધિમાનોએ ભેગા થઈને દૂરદર્શી અને દૂરગામી આયોજન માટે સુઝાવ આપવા પડશે, શાસને નિષ્ઠુર થઈને ભ્રષ્ટને શેષ કરવો પડશે અને ન્યાયી વિતરણવ્યવસ્થા ગોઠવવી પડશે. પણ આપણને હોમહવન કરીને વરુણ દેવતાને પ્રસન્ન કરવામાંથી અવકાશ મળતો નથી. આ એક નેગેટિવ હતાશાપ્રેરક ભીરુ વિચારકોણ છે. કદાચ ભારતમાં ઉપર બેઠેલા કે બેસી ગયેલા માણસની ક્વોલિટી જ હલકી છે, અને ડરપોક છે.

ક્લોઝ અપ:

સુદ્ધિ અસુદ્ધિ પરચતં નાન્ગો અન્ગં વિસોધયે.
                                                                    - ધમ્મપદ, બૌદ્ધ ધર્મગ્રંથ
(શુદ્ધિ અને અશુદ્ધિ વ્યક્તિના પોતાના ઉપર નિર્ભર કરે છે. કોઈ માણસ બીજાને શુદ્ધ કરી શકતો નથી.)

(શિક્ષણ, ભાગ-1)

આપણે સમય પ્રમાણે બદલાતા નથી, સમયને બદલતા નથી

સવાર, બપોર અને સાંજ. સવાર શબ્દ ક્યાંથી આવ્યો? સુ અને વાત એટલે સારો પવન? હિન્દી શબ્દ ભોર એટલે સવાર. ભોર એટલે ભૈરવી ગાવાનો સમય? મોંસૂઝણું કે ભાંભાંખળું જેવા જૂના ગુજરાતી શબ્દો હવે પ્રયોગમાંથી ખસતા જાય છે. પરોઢિયું એટલે દૂરથી મોઢું ઓળખી શકાય એવો અર્થ થાય છે? વ્હાણું વાયુને સમુદ્રમાં વહાણ લઈ જવાના સમય સાથે કોઈ સંબંધ છે? મળસકું ક્યાંથી આવે છે? બંગાળીમાં સવાર માટે સકાલ શબ્દ છે, સાંજ માટે બિકાલ છે.

બપોરનું મૂળ છે: બે પહોર! અને પહોર શબ્દ સંસ્કૃત શબ્દ પ્રહર પરથી આવે છે. પ્રહરી શબ્દનો મૂળ અર્થ એ પ્રહર પૂરતી જેની ડ્યુટી હોય એવો સંત્રી. સાધારણત: સવારના અંધારા પ્રહરો વખતે જે પહેરો ભરે એ પ્રહરી ગણાય. પો ફાટ્યાનો અર્થ પણ આસાન છે. જેને આપણે ગુજરાતીમાં બપોર કહીએ છીએ એ હિન્દીમાં દોપહર છે, મરાઠીમાં દૂપારી છે અને બંગાળીમાં દ્વિ-પ્રહર છે. આપણે ગુજરાતીમાં બપોર શબ્દની ઘણી છાયાઓ માટે જુદાજુદા શબ્દો ઉપજાવ્યા છે... પહેલો પહોર, બીજો પહોર, નમતો પહોર, પાછલો પહોર, ચઢતો પહોર! આ સિવાય સંસ્કૃત શબ્દો વાપરીએ છીએ: મધ્યાહન, અપરાહન અને સાયાહન! મધ્યાહન એટલે બપોરે લગભગ બાર વાગ્યાનો સમય, અપરાહન એટલે ત્રણેક વાગ્યાનો સમય અને સાયાહન એટલે સાંજનો સમય! સૂર્યની બદલાતી ગતિ પ્રમાણે કેટલાંક નામો આવતાં ગયાં છે...ઘટિકા, ટાણું, કટાણું, વેળા!

અને સાંજ, અથવા સંધ્યા. મૂળ પ્રાકૃત શબ્દ છે સંઝા, જેના પરથી સાંજ આવી છે. એ સાયંકાળ છે, જેમ સવાર ઉષ:કાળ કે પ્રાત:કાળ છે. ગાયો પાછી ફરવાનો સમય એ ગોરજ કે ગોધૂલિ છે. એક શબ્દ છે આરતી ટાણું અથવા મંદિરમાં આરતી કરવાનો સમય. પથારીમાં બીમાર માણસ પણ આરતી સમયે પથારીમાં બેઠો થઈ જાય, એ સમયે સુવાય નહીં. એક બીજો શબ્દ છે ચાંદરણા ટાણે. અને જૈન સમયશાસ્ત્ર પ્રમાણે જ્યાં સુધી નગ્ન આંખે હથેળી જોઈ શકાય ત્યાં સુધી દિવસ ચાલી રહ્યો છે, ભોજન લઈ શકાય. હથેળી દેખાતી બંધ થાય છે અને રાત્રિ શરૂ થાય છે.

જગતની ઘણી જાતિઓમાં સમય ધરતી, ગાયો કે કૃષિ સાથે સંકળાયેલો છે. પણ બંગાળીમાં એક મજાનો શબ્દપ્રયોગ છે - 'કોને દેખા બેલા', જે સાંજને કે સૂર્યાસ્તને માટે વપરાય છે. કોને દેખા બેલા એટલે કન્યાને દેખવાની વેળા! કન્યા સાંજે જોવી જોઈએ તો તરત પસંદ પડી જાય! માટે જે છોકરાને છોકરી પસંદ કરવામાં તકલીફ પડતી હોય એને છોકરી કોને દેખા બેલા સમયે જ બતાવવી...

ઘડિયાળ આવ્યા પહેલાં સમયની ગણતરી કઈ રીતે થતી હતી? એ વિષે ભિન્નભિન્ન વિચારધારાઓ છે. એક વર્ષ અને બાર મહિના અને એક સપ્તાહ અને દિવસ અને કલાક અને મિનિટ અને સેકંડની કલ્પનાઓ કઈ રીતે આવી? એક વરસાદથી બીજા વરસાદ સુધીના એટલે કે એક વર્ષાથી બીજી વર્ષા સુધીના કાલખંડને આપણે 'વર્ષ' કહેવા લાગ્યા (ભારતવર્ષ શબ્દને આ વરસાદચક્ર સાથે સંબંધ છે?).. આપણે આ બાબતમાં ઘણા જ પ્રગતિશીલ હતા. ઘડી, ઘટિકા, ક્ષણ, પળ, વિપળ અને એથી પણ આગળ સુધી હિન્દુ કલ્પના પહોંચી છે. સમયને ગણિતમાં ભાગતા જવાની પ્રક્રિયામાં હિંદુ બુદ્ધિ અપ્રતિમ હતી.

પશ્ચિમમાં રોમનોએ આદેશ આપ્યો હતો કે સપ્તાહ આઠ દિવસનું રહેશે અને દરેક દિવસના બાર કલાક ગણાશે અને દિવસ સૂર્યપ્રકાશની લંબાઈ પરથી ગણવામાં આવશે. એટલે દેશ પ્રમાણે કાળમાં ફેરફાર થતો ગયો, ઋતુઓનો સમય અસ્થિર ગણાવા લાગ્યો. આ અરાજકતાનો કંઈક અંશે નિકાલ થયો. મધ્યયુગીન યુરોપમાં, કારણ કે મઠોના ખ્રિસ્તી મુનિઓ-ધર્મગુરુઓને રાત્રે પ્રાર્થના કરવા ઊઠવું પડતું હતું અને અમુક ચોક્કસ સમયે ચોક્કસ પ્રાર્થનાઓ કરવાની હતી. માટે એવી યાંત્રિક ઘડિયાળનો જન્મ થયો જે અંધારામાં પણ જોઈ-સમજી શકાય.

સમય જો ચોક્કસ માપી શકાય તો જ પ્રવાસી મનુષ્ય સ્થળ વિષે ચોક્કસ બની શકે. ચૌદમી સદીની ઘડિયાળોએ પંદરમી સદીનાં નાવિક-યંત્રોને જન્મ આપ્યો અને યુરોપીય મનુસઃય એ યંત્રોના માર્ગદર્શન નીચે અજ્ઞાત મહાસમુદ્રોમાં ખોવાતો ગયો. નવા પ્રદેશો શોધાયા, જિતાયા, ખ્રિસ્તી બનાવાયા.

પ્રાચીન જાતિઓનું સમયશાસ્ત્ર જુદું હતું. આપણે ત્યાં પૂછાતું હતું. હજી પુછાય છે: કેટલી દિવાળીઓ જોઈએ છે? આફ્રિકાના સુડાનમાં આજે પણ પ્રશ્ન થાય છે: કેટલા વરસાદ જોયા છે? અને કોઈ બહુ લાંબું જીવ્યો હોય તો કહેવાય છે: એણે ઘણું પાણી પીધું છે! સુડાન લગભગ રણપ્રદેશ છે. સૂર્ય અને ચંદ્રની ગતિ, મનુષ્ય અને પ્રાણીઓના વિચરણ અને ઋતુઓના પરિવર્તન પરથી સમયને માપવામાં આવ્યો છે. અને દરેક પરંપરાવાદી પ્રાચીન સમાજમાં આ જ રીતે કાલખંડનું ગણિત ગોઠવાયું છે. દક્ષિણ-મધ્ય અમેરિકાના નિકારાગુઆની રામા ઈન્ડિયન જાતિ પ્રાણીઓની ખાસિયતો પરથી મહિનાનાં નામ પાડે છે. દાખલા તરીકે માર્ચ મહિનો 'ઈગુઆના' કહેવાય છે. એ માસમાં ઈગુઆના અથવા મગર-જાતીય જળચર સમુદ્ર કે નદીકિનારાની રેતીમાં ઈંડા મૂકવા આવે છે (આપણી હિંદીમાં મગર માટે એક શબ્દ છે 'ઘડિયાળ'!) આ શબ્દને સમયના આવા ઘડિયાળ સાથે કોઈ સંબંધ છે?)

આપણી જેમ જ આફ્રિકાના બુરુન્ડીમાં દિવસના પ્રત્યેક કલાક માટે ગાયો અને કૃષિ પદ આધારિત સમય શબ્દો ઈતિહાસકારોએ શોધ્યા છે. સવારે સાત વાગ્યાનો ગાયો દોહવાનો સમય: આમાકામા! પછી સવારે આઠ વાગ્યે ગાયોને છોડવાનો સમય: માતુરૂકા! એ પછી સવારે નવ વાગ્યાનો સમય જ્યારે સૂર્ય ફેલાવા માંડે છે: કુમુસાસે! આ જ રીતે દસ વાગ્યે સૂર્ય પર્વતો પર ફેલાઈ જાય છે એ સમયનું પણ નામ છે: ઘડિયાળોમાં કલાકોને નંબરો આપ્યા વિના પણ પ્રજાઓ હજારો વર્ષો બહુ જ સુબદ્ધ આયોજન પ્રમાણે જીવી છે.

આધુનિક જગતમાં બાર કલાક માત્ર દૈનિક વ્યવહારમાં અને ઘડિયાળોમાં જ રહી ગયા છે. રેલવે ટાઈમ ટેબલ 24 કલાકનું હોય છે અને આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસીઓ માટે પણ સમય 24 કલાકમાં વિભાજીત કરવામાં આવ્યો છે. આપણી ફ્લાઈટ 13:00 કલાકે ઉપડવાની હોય છે અથવા 23:00 કલાકે ઊતરવાની હોય છે. હવે સમયને ઘડિયાળના ડાયલમાં પૂરી શકવાની આપણી ક્ષમતા પણ રહી નથી. જગતમાં સર્વત્ર સમય એક જ નથી. અને હવે તો એક દેશમાં પણ સમય એક નથી.

આપણે ઈંગ્લંડ-અમેરિકાની આંખે જગતને જોવા ટેવાયેલા છીએ, પણ સમયને ફેરવતા રહેવાની બાબતમાં જડ રહ્યા છીએ. જડતા આપણો રાજરોગ છે. આપણે સમય પ્રમાણે બદલાતા નથી કે ન સમયને બદલીએ છીએ! ઈંગ્લંડનાં ઘડિયાળો ઑક્ટોબરથી માર્ચ સુધી યુરોપનાં ઘડિયાળો કરતાં એક કલાક પાછળ મૂકવામાં આવે છે એટલે ભારત-ઈંગ્લંડનો સમયફર્ક સાડા ચાર કલાકને બદલે આ ગાળા દરમિયાન સાડા પાંચ કલાક રહે છે. ઉનાળામાં 1 એપ્રિલથી યુરોપનાં ઘડિયાળો એક કલાક આગળ કરી દેવામાં આવે છે, અને ઈંગ્લંડના સમયથી આ સમય એક કલાક આગળ રહે છે. એ જ રીતે શિયાળામાં સપ્ટેમ્બર 29થી શિયાળાનો સમય કરી દેવામાં આવે છે એટલે કે ઘડિયાળ એક કલાક પાછળ કરવામાં આવે છે. આ જ રીતે અમેરિકા અને કેનેડા એપ્રિલ 28થી 'લાઈટ-સેવિંગ' ટાઈમ શરૂ કરી દે છે. આઈસલેંડ માત્ર આ રીતે ઘડિયાળ આગળપાછળ કરતું નથી, શ્રીલંકા પણ પ્રતિ જાન્યુઆરી આ રીતે સમય એડજસ્ટ કરે છે કે જેથી સૂર્યનો તડકો શક્ય એટલો વધુ વાપરી શકાય અને ઈલેક્ટ્રીક બત્તીઓ એક કલાક મોડી શરૂ થવાથી કરોડો રૂપિયાનો વિદ્યુત ખર્ચ બચાવી શકાય. ભારત આ વિષયમાં આઈસલેંડને અનુસરે છે. આપણી ઘડિયાળો વર્ષભર એમ જ ટિક ટિક ટિક ટિક કરતી રહે છે...

અમેરિકામાં ત્રણ ટાઈમ-ઝોન કે સમયખંડો છે - પૂર્વ, મધ્ય અને પશ્ચિમ! અને ન્યુયોર્ક અને સાન ફ્રાન્સિસ્કો વચ્ચે પાંચ-છ કલાકનો સમયફર્ક હોય છે. રશિયા તો એટલું વિરાટ છે કે એમાં અગિયાર સમયખંડો છે! રશિયાના પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગ વચ્ચે અગિયાર કલાકનો ફર્ક છે એટલે કે મૉસ્કોમાં સાંજની બત્તીઓ જલવી શરૂ થાય ત્યારે દૂરપૂર્વના ચુકોત્સ્ક દ્વીપકલ્પમાં સૂર્યોદય થઈ જાય છે! માટે કેન્દ્રીય રશિયન રેડિયો 'ગૂડ મૉર્નિંગ!' ક્યારેય કહેતો નથી એવી એક મજાક છે! હિન્દુસ્તાનમાં ગુજરાત કરતાં આસામના લોકો બે કલાક વહેલા ઊઠે છે અને બે કલાક વહેલા સૂઈ જાય છે. કલકત્તામાં પાંચ વાગ્યે અંધારું થઈ જાય છે, મુંબઈમાં સાડાસાત સુધી સૂર્યપ્રકાશ દેખાય છે. પણ આપણે ત્યાં દ્વારકા હોય કે દિબ્રુગઢ હોય, એક જ ઈન્ડીઅન સ્ટેન્ડર્ડ ટાઈમ છે! ખરી રીતે હિન્દુસ્તાનમાં કલકત્તાની ઘડિયાળો દિલ્હીથી અડધો કલાક આગળ અને મુંબઈની ઘડિયાળો દિલ્હીથી અડધો કલાક પાછળ હોવી જોઈએ, કારણ કે સૂર્ય ઈન્ડીઅન સ્ટેન્ડર્ડ ટાઈમ જોઈને આખા ભારતમાં એક જ સમયે સર્વત્ર ઊગી જતો નથી! જાપાન અને દક્ષિણ કોરીઆએ પણ આવી નાની-નાની વાતોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરીને વિદ્યુત બચાવી છે. આપણે જો બુદ્ધિ વાપરીને 'ડે-લાઈટ સેવિંગ'નો વિચાર કરીને દેશના ત્રણ કે ચાર ટાઈમ-ઝોન કે સમયખંડ કરીએ તો સેંકડો-કરોડો રૂપિયાનો વિદ્યુતખર્ચ બચી જાય! જગતનો દરેક વિકાસશીલ અને પ્રથમકક્ષ દેશ આ કરે જ છે. પણ ભારતવર્ષમાં જાડી ગર્દનોવાળા એન.ડી. તિવારીઓ અને બુટાસિંઘો અને શિવશંકરો છે ત્યાં સુધી આવા કનિષ્ઠ વિચારોના પરપોટા પણ બુદ્ધિની સપાટી પર આવવા એ દ્રોહ છે. જે માણસ દેશની ઘડિયાળોના કાંટાઓ સાથે રમત કરે છે એ દેશને 'ડિ-સ્ટેબિલાઈઝ' કરવાનું ષડયંત્ર કરી રહ્યો છે, એ સીઆઈએ અને કેજીબી બંનેનો એજંટ છે. હિન્દુસ્તાન એક જ છે, અખંડ છે, હિન્દુસ્તાનમાં સમય એક જ રહેશે, અખંડ રહેશે...

ક્લોઝ અપ:

વિશ્વના ત્રણ સનાતન દાર્શનિક પ્રશ્નો - હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? હું ક્યાં જઈ રહ્યો છું? માટે ફ્રેંચ કૉમેડિયન પિયરે દાકના ઉત્તરો: હું હું છું, હું ગલીમાંથી આવ્યો છું, અને હું મારે ઘરે જઈ રહ્યો છું...
 
(સમકાલીન: સપ્ટેમ્બર 23, 1987)

(જ્ઞાન-વિજ્ઞાન, ભાગ-2)

September 2, 2013

દોસ્તીમાં પહેલા પેગની, બીજી સ્ત્રીની, ત્રીજા ગિયરની મજા છે

દોસ્તી અઢી અક્ષરનો એક શબ્દ છે...અને શતરંજના મેદાન પર અઢી ઘરની ચાલ ચાલતા ઘોડાની મસ્તી આ શબ્દમાં છે. શતરંજનો હાથી, સીધો ચાલે છે, ઊંટ ત્રાંસો ચાલે છે પણ ઘોડો અઢી ઘર કૂદે છે. બે ઘોડામાં એક વઝીરની તાકાત હોય છે એમ શતરંજના ખેલાડીઓ કહે છે. દોસ્તી આ અઢી ઘરની ચાલ છે, એમાં હિંમત છે, ધસી જવાની વાત છે, બંધનો તોડવાની વાત છે, ખુવાર થઈ જવાની-શહીદ થઈ જવાની વાત છે. દોસ્તીનો વિરોધી શબ્દ દુશ્મની નથી, પણ દગાબાજી છે. દોસ્ત અને દુશ્મન બંનેના ધર્મો વિષે આપણે સતર્ક અને આગાહ હોઈએ છીએ, પણ દગાબાજ સમજાતો નથી. દોસ્તી જિંદગીના હોરમોન્સ બદલી નાખે છે.

મને હંમેશાં લાગ્યું છે કે દોસ્ત તરીકે મુસ્લિમ વધારે સરળ, વધારે વિશ્વસનીય, વધારે ખુલ્લો હોય છે. એ વહી શકે છે, વહી જાય છે. વ્યવહારરૂપે નહીં પણ નિભાવવા માટે એ દોસ્ત બને છે. શરૂથી મુસ્લિમ દોસ્તીનો એક સિલસિલો મારી જિંદગીમાં રહ્યો છું (દુશ્મનીની બાબતમાં પણ હું બહુ જ ખુશકિસ્મત રહ્યો છું. દોસ્તી-દુશ્મની શબ્દોમાં મને એટલી બધી વિરોધિતા પણ દેખાતી નથી. બંને દિલથી થવી જોઈએ. મહોબ્બત કે હિકારત, જે પણ હોય, પણ દિલથી થવી જોઈએ. મહત્ત્વની વસ્તુ છે : દિલ!). દોસ્તોએ બેહિસાબ પ્યાર કર્યો છે. હું આપું એનાથી ઘણું વધારે એમણે મને આપ્યું છે, ખુદા પાસે જઈ કહેવું પડે એવું છે : મેરી ખતાયેં શુમાર કર લે, મેરી સઝા કા હિસાબ કર દે...!

જે દોસ્તીમાં વ્યવહાર અને ફાયદા-ગેરફાયદાનું ગણિત છે ત્યાં ભીની દોસ્તી બનતી નથી, કોરા સંબંધો બને છે. દોસ્તીમાં બે પલ્લાં સરખાં જ હોવાં જરૂરી નથી, તમે વધારે આપો છો અને ઓછું પ્રાપ્ત કરો છો અને ખુશ છો. એક લસ્સી પાઈ હોય તો સામે એક લસ્સી જ મેળવવાની અપેક્ષા નથી. દોસ્તી મુઠ્ઠીઓ બંધ કરીને થતી નથી, હથેળીઓ ખુલ્લી રાખવી પડે છે. વ્યાજખાધનો હિસાબ એમાં ચાલતો નથી. દોસ્ત એ માણસ છે જેની બધી જ ખરાબીઓ અને બધી જ સારાઈઓ તમારી છે. તમે એની પાસે ઊભા છો, બાજુમાં છો, અમદાવાદીઓ કહે છે એમ 'જોડે' છો, અને કાઠિયાવાડીઓ કહે છે એમ 'પડખે' છો! અને અમદાવાદી અને કાઠિયાવાડી દોસ્તીની દોસ્તીમાત્રમાં પણ ફર્ક હોવાનો સંભવ છે.


મિત્રદ્રોહ કે મિત્રઘાત હું ધારું છું જગતનો સૌથી મોટો દોષ હોવો જોઈએ. બેવફાઈ દોસ્તીનું સૌથી મોટું દૂષણ છે. મિત્રદ્રોહથી લગભગ મળતો એક અંગ્રેજી શબ્દ છે : ટ્રેચરી અથવા વિશ્વાસઘાત ! કેટલીક વસ્તુઓ કરવામાં આવતી નથી. જેની સાથે રોટી તોડી હોય, જેના બાળકને પ્યાર કર્યો હોય, જેના દુ:ખમાં એને ખભો આપ્યો હોય, જેનો વિશ્વાસ કર્યો હોય એ માણસ ચાલબાજી કે દગલબાજી કરે તો? કંસનો નાશ કરવો પડે, અર્જુનને જ ઉપદેશ આપી શકાય. એ માણસ મારી જિંદગીમાં પણ આવ્યો હતો - કુત્તા જે વેશ્યા જેવા શબ્દો હું નહીં વાપરું કારણ કે કુત્તાને વફાદારી હોય છે અને વેશ્યાને વિશ્વાસ હોય છે, એ બંને પોતાની નિયત કે ઉદ્દેશ વિષે પક્કા હોય છે - પણ આ માણસ આદર્શ ગર્ભદંભી ગાંધીવાદી ગુજરાતી શિક્ષક હતો, દગાબાજનાં બંને લક્ષણો, કાયરતા અને બેવફાઈ, એનામાં છલોછલ હતાં. કાયર માણસ લુચ્ચા હોવા જોઈએ, આ હતો. જેને જાહેરમાં દેવતા કહ્યો હતો એ માણસે ચારિત્ર્યહનનથી રિશ્વતથી અક્ષમતા સુધીના 42 આરોપો મારી સામે મૂક્યા હતા, સહી કરી હતી, પછી કૉર્ટમાં કહ્યું હતું કે આ સહી જ મારી નથી! અને કૉર્ટે આ બધું જ ફેંકી દીધું, એની બદમાશીની આરપાર જોઈ લીધું, મને નિર્દોષ ગણીને મુક્તિ આપી. દોસ્તી વિષેનો એક બહુ જ મોંઘો સબક તન, મન અને ધન ખુવાર કરી હું શીખી ગયો: ગુજરાતી શુદ્ધમિત્ર બે આંખની શરમ હંમેશા નિભાવે છે. તમે જ્યારે એની સામે ભાવવશ ઝૂકો છો ત્યારે જ એ તમારી પીઠમાં છરો મારે છે. એને બે આંખની શરમ છે.

અને દોસ્તો સાથે કેટલો બધો આનંદ આવ્યો છે? ખુલીખુલી દોસ્તીમાં પહેલા પેગની, બીજી સ્ત્રીની, ત્રીજા ગિયરની મસ્તી છે. મજા છે, દોસ્તી પ્રયત્ન કરવાથી ક્યારેય થતી નથી. દોસ્તી સ્વયંભૂ થાય છે, ચટ્ટાનોની વચ્ચેથી ફૂટેલા જલસ્ત્રોતોની જેમ અને કબરો ફાડીને ઊગેલા જંગલી ફૂલની જેમ એ વહે છે અને વધે છે. દોસ્તીનું વ્યાકરણ કે કોષ્ટક નથી, જગતનો સૌથી હોંશિયાર પુરુષ કે સૌથી સ્વરૂપવાન સ્ત્રી આપણી ઘનિષ્ઠતમ મિત્ર નથી. મારા જેટલો જ મૂર્ખ, ખરાબ, હિંમતવાન કે બેહિંમત, દિલદાર કે બેદિલ, ખુશહાલ કે મનહૂસ માણસ જ મારો મિત્ર બની શકે - અને રેશનિંગની ઑફિસની બહાર લાગેલી કતાર જેટલી મારા મિત્રોની સંખ્યા હોવી જોઈએ એવું હું માનતો નથી. જગતના કરોડો માણસોમાંથી પંદર હજાર કિલોમિટર દૂરના એક નગરના એક માર્ગ પરના એક મકાનમાં રહેતો એક અપરિચિત એકાએક એવી રીતે જીવનભરનો મિત્ર બની જાય છે એ કોઈ રહસ્યવેત્તા સમજાવી શકતો નથી. જીવનમાં મિત્ર અને શત્રુની જો બે અંતિમવાદી સ્થિતિઓનો સ્વીકાર કરી લઈએ તો અમિત્ર કઈ કક્ષામાં આવી શકે છે? અને 'અમિત્ર' નામના શબ્દની પણ, સફેદ અને કાળા વચ્ચેના કરોડો ગ્રે કે એશ કે ભૂખરા સુરમઈ કે સ્લેટીઆ કે રાખોડી રંગની જેમ, પારાવાર રંગછાયાઓ છે...

દોસ્તીને માટે આધુનિક સમાજશાસ્ત્ર એક પ્રયોગ કરે છે : 'પીઆર-ગ્રુપ' અથવા સમવયસ્કો! ભાષા ન બોલનારાં સવા-દોઢ વર્ષનાં બાળકો એકબીજાને ટગરટગર જોઈને અથવા સાથે રડીને મિત્રતા કે હમદમી વ્યક્ત કરે છે. સમ-અનુભવીઓ, સમદુ:ખીઓ, સમસુખીઓ અને સમભોગીઓ જલદી મિત્ર બની શકે છે. સાથે ભણનારા, સાથે ધંધો કરનારા, સાથે સેવા કે બદમાશી કરનારા મિત્રો બની જાય છે એ સ્વાભાવિક છે કારણ કે એ પીઅર છે, હમઉમ્ર છે. એક જ સેક્સવાળી બે વ્યક્તિઓની મૈત્રીનો પ્રકાર બે ભિન્ન સેક્સવાળી વ્યક્તિઓની પૂરક મૈત્રી કરતાં જુદો હોય છે. શ્રીમતી માર્ગારેટ થૅચર અને શ્રીમતી ઈન્દિરા ગાંધી બે સ્ત્રી-પ્રધાનમંત્રીઓ હતી, બંને લોખંડી સ્ત્રીઓ હતી અને બંનેની મૈત્રી પરાકાષ્ઠાએ હતી ત્યારે શ્રીમતી ગાંધીની હત્યા થઈ. એ અરસામાં શ્રીમતી થૅચરે એક વાક્ય લખ્યું હતું : શ્રીમતી ગાંધી સાથે મારી મૈત્રી હતી... વાળ છૂટા કરીને બેસીને નિરાંતે વાતો કરી શકાય એવી એ મિત્ર હતી...

આ પુરુષની ભાષા નથી, પુરુષની અનુભૂતિ નથી. વાળમાંથી પીનો કાઢીને માથું હલાવીને વાળ છૂટા કરીને તડકામાં બેસીને વાતો કરવી એ મૈત્રીની કઈ ચરમસીમા છે એ પુરુષ નહીં સમજે. બે પુરુષોની મૈત્રી શતરંજના બોર્ડ પર આગળ વધતા બે ઘોડાઓની દોસ્તી છે - બંને ઘોડાઓ અઢી ઘરનાં બે વર્તુળોમાં રાજાને શહ આપી શકે છે. એ મૈત્રી રાજાને માત કરી શકે છે.

બે લેખકો વચ્ચે મૈત્રી હોઈ શકે? કઠિન છે કારણ કે પારસ્પરિક વાહવાહના સેતુ પર મૈત્રી કેટલી ટકી શકે? અને લેખક પોતાના મિત્ર પાસેથી પણ પ્રશંશાનો તગાદો કરી લેતો હોય એટલો મોહાંધ હોય છે. એ મોહભંગ ત્યારે જ થાય છે જ્યારે એ સમજે છે કે પ્રશંસા એક એવો પંખો છે જે ફરે છે, રેગ્યુલેટર ફુલ પર છે પણ પાંખો નથી એટલે હવા આવતી નથી! સુજ્ઞ વાચક અને અજ્ઞ લેખક વચ્ચે પણ ગુજરાતી સાહિત્યમાં મૈત્રી જામતી નથી, કારણ? ઘણા ઈનામ-વિજેતા ગુજરાતી લેખકોને વાચકો બુદ્ધિશાળી બની રહ્યાનો ભય રહી રહીને સતાવી રહ્યો છે! ભયથી પ્રીતિ થતી હશે, મૈત્રી થતી નથી. અને વાચક-લેખકનો સંબંધ અદ્રશ્ય મૈત્રી છે, તજુર્બાની સાઝેદારી છે, એક દીર્ઘકાલીન દોસ્તાના છે.

દાંત અને જીભની પણ દોસ્તી હોય છે અને ઢાલ અને તરવારની પણ દોસ્તી હોય છે. અને આંગળી અને નખની પણ દોસ્તી હોય છે. દેશકાળ અને સ્થિતિની પણ માત્રાઓ બદલાય છે. અને એક દોસ્તી છે એસિંહની, અને સિંહના ખુલ્લાં મોઢામાં દાંત વચ્ચે ફસાયેલા માંસની કરચો ચાંચથી ચૂંટી ચૂંટીને પેટ ભરનાર અને સિંહના દાંત સાફ કરી આપનાર પક્ષીની! ક્યાંય દેશ-કાળ અને સ્થિતિની સાથે જરૂરિયાતનું તત્ત્વ પણ દોસ્તીના રસાયણમાં ઉમેરાય છે.

દોસ્તી માટે કહેવતો છે: દોસ્ત વિના દુનિયા અકારી. બીજી એક કહેવત છે : દોસ્ત વગર દિશાઓ સૂની. પોર્ટુગીઝ ભાષામાં દોસ્તી વિશેની કહેવત વધારે સાફ છે - દોસ્ત વિના જીવન જ હોતું નથી! દોસ્તનો હિસાબ દિલમાં હોય છે. અંગ્રેજી કહેવત છે કે દોસ્તી આનંદનો ગુણાકાર કરે છે અને વેદનાનો ભાગાકાર કરે છે. દોસ્તીમાં વિષ પણ ચાખવું પડે છે એવું એક કહેવત કહે છે. ઉત્તર ભારતની એક કહેવત દોસ્તીને માથાના વાળ સાથે સરખાવે છે. એને કાપો, કાપતા રહો, પણ એ જડ છોડતા નથી, એ વધતા જ રહે છે. ચાસણી જેવો મીઠો સ્વભાવ એ દોસ્તીનો ધર્મ નથી, દોસ્તી ખટમિઠ્ઠી હોય છે...

રાજકારણીઓની દોસ્તીમાં કોઈ જ સનાતન મિત્ર કે શત્રુ હોતો નથી. આજનો મિત્ર કાલનો શત્રુ બની શકે છે અને પરમ દિવસે પુનર્મિત્ર પણ બની શકે છે. મૅકીઆવીલીથી બિસ્માર્ક સુધી ઘણા વિચક્ષણ વિચારકોએ કહ્યું છે કે શત્રુનો શત્રુ એ સાચો મિત્ર છે! કારણ કે બંનેનું ધ્યેય એક જ છે, અને મિત્રો સમાનધ્યેયી હોય તો એકસૂત્રી મિત્રતા સરળતાથી જામી શકે છે. જરૂરતમંદ છે એ મિત્ર છે, એવું એક વિધાન છે. અને આનાથી વિપરીત પણ જરા ઉપહાસમાં કહેવાયું છે એમ જે જરૂરતમંદ છે એ મારો મિત્ર નથી! જેને મારી પાસેથી કંઈ પણ લેવું છે એ મિત્રથી દૂર રહેવાનું. પ્રશ્ન પ્રાથમિકતાનો, અને પછી મનુષ્યધર્મનો છે. સિંહાસન પર આસીન, અને ખુરશીના વ્યસનીને દોસ્ત હોય નહીં. બીજા માણસને તરત જ સમજી જનાર બહુ હોશિયાર માણસને દોસ્ત હોય નહીં. જીવનમાં દોસ્ત મેળવવા માટે એ દોસ્ત જેટલા મૂર્ખ, નિર્દોષ, નિષ્પાપ, બેવકૂફ, બેહિસાબી, ખેલદિલ થવું પડે છે, દાવપેચ વિનાનું ખડખડાટ હસવું પડે છે અને કુર્તાના ખિસ્સામાંની બંધ મુઠ્ઠીઓ બહાર કાઢીને હથેળીઓ ખોલવી પડે છે. દોસ્તી ખુલ્લી હથેળીઓની રમત છે.

અને હથેળીઓ સંતાડીને રમનારાઓને એ ફાવતી નથી.

ક્લોઝ અપ:

અગાઉ મુસ્લિમ હુકૂમતમાં નિર્જન મંદિરના અવશેષોમાંથી મસ્જિદ બંધાયાના દાખલા બન્યા છે. એક પ્રસંગ એવો વાંચવામાં આવ્યો છે કે મસ્જિદ બંધાઈ રહી છે. સુલતાન એનું નિરીક્ષણ કરવા જાય છે. સાથે એના અધિકારીઓ છે જેમાં એક પંડિત છે. સુલતાન પંડિતને રૂપાંતરિત મસ્જિદ બતાવે છે. પંડિત ઠંડે કલેજે જડબેસલાક જવાબ આપે છે:

બબીં કરામતે બુત્ખાનએ મરા અય શેખ
કિ ચૂં ખરાબ શવદ ખાન એ ખુદા ગરદદ

(હે શેખ! મારા મંદિરની કરામત જો કે એ બરબાદ થાય ત્યારે ખુદાનું ઘર બને છે)

શૂન્ય પાલનપુરી, મુંબઈ સમાચાર : 4 માર્ચ 1986

(સમકાલીન જુન 28, 1987)

(જ્ઞાન-વિજ્ઞાન: ભાગ-1)

પરિવાર નિયોજન : એક નહિ, બે છોકરાઓ...

આખી દુનિયાને એ વાતની ચિંતા છે. પણ આપણે નિશ્ચિંત થઈ ગયા છીએ. કેટલાં છોકરાં હોવા જોઈએ? થોડા વર્ષો પહેલાં આ મુદ્દા પર કોંગ્રેસ હારી ગઈ હતી... કારણ કે કટોકટીમાં જબરદસ્તી નસબંધી કરાવવાની એણે ભૂલ કરી હતી. ઉત્તર પ્રદેશમાં એ દિવસોમાં એક નારો હતો : ઈન્દિરા હટાવો, ઈન્દ્રિય બચાવો! સ્વ. સંજય ગાંધીને લીધે નિર્વાચનમાં કોંગ્રેસ ડૂબી ગઈ. હમણાં એક રાષ્ટ્રીય અનુસંધાનમાં ખબર પડી કે ભારતમાં સરકાર બે સંતાનોને આદર્શ માને છે, એક છોકરી અને એક છોકરો (સરકારી પ્રસારચિત્રોમાં છોકરી મોટી અને છોકરો નાનો બતાવવામાં આવે છે!) પણ પરિણીત યુગલો ત્રણ સંતાનો ઈચ્છે છે, બે છોકરા અને એક છોકરી! હજી સુધી ઈચ્છા પ્રમાણે છોકરો કે છોકરી પેદા કરી શકાતાં નથી એટલે પહેલાં છોકરા માટે, અને પછી બીજા છોકરા માટે (એક છોકરો મરી જાય તો...?) જે અનવરત પ્રયત્નો થાય છે એના ફલસ્વરૂપ વચ્ચે વચ્ચે છોકરીઓ પેદા થઈ જાય છે અને વસતિ સાયાસ પણ અકારણ વધી જાય છે. જો ઈન્સ્ટન્ટ છોકરાઓ પેદા થતા હોત તો આ સમસ્યા રહેત નહિ.

માદા સંતાન જન્મવાથી હિન્દુસ્તાનમાં આનંદ થતો નથી. આ એક એવો મુદ્દો છે જે આખા દેશમાં એક ભાવનાત્મક ઐક્ય લાવે છે. ગરીબ અને અમીરનો ફર્ક ભૂંસી નાંખે છે. અમીર માણસને પણ છોકરો જ જોઈએ, ગરીબને પણ છોકરો જ જોઈએ છે. પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગ બધે જ છોકરી જોઈતી નથી. હિંદુ, બૌદ્ધ, શીખ, પારસિક, મુસલમાન, ખ્રિસ્ટાની... બધા જ આ એકસૂત્રી કાર્યક્રમમાં માને છે. પહેલી પુત્રીને લક્ષ્મી સમજીને મન મનાવી લે છે, બીજી આવે ત્યારે સ્તબ્ધ થઈ જાય છે, ત્રીજી આવે છે અને હાહાકાર થઈ જાય છે! ભણેલા અને ગણેલા, અભણ અને ભણતરવાળા આ બાબતમાં બધા એક જ છે : છોકરી નહિ, છોકરો! અને એક નહિ પણ બે છોકરા !

માદા જન્મે ત્યારે આનંદ થાય છે? હા, વેશ્યા અને ગાયને માદા જન્મે તો આનંદ મનાવવામાં આવે છે! કારણ કે એમની માદા સંતાનો ઉપયોગી હોય છે!

છોકરીઓને સરાસર અને બેશરમ અન્યાય કરવો એ તદ્દન સ્વાભાવિક બની ગયું છે. દરેકના જીવનમાં ક્ષણે ક્ષણે પુત્રીને પુત્રીની અપેક્ષા થતો અન્યાય જોવા મળે છે. થોડાં વર્ષો પહેલાં હું એક કૉલેજનો પ્રિન્સિપાલ હતો ત્યારે એક પિતા એમની પુત્રી અને પુત્રને લઈને પ્રથમ વર્ષ વિજ્ઞાનમાં પ્રવેશ માટે મારી પાસે આવ્યા. પુત્રીને બહુ સારા માર્ક હતાં, પુત્રને પૂરા ચાળીસ ટકા પણ માંડ માંડ મળતા હતા. નિયમ પ્રમાણે પુત્રીને પ્રવેશ મળવો જોઈએ. પિતાએ જીદ કરી : સાહેબ, છોકરી નહિ ભણે તો ચાલશે, પણ તમે છોકરાને એડમિશન આપી દો! એક એડમિશન તો તમારે આપવાનું જ છે! છોકરાને આપી દો! મેં એમને સમજાવી શકાય એટલા સમજાવ્યા! આ પસંદગીની વાત નથી. યોગ્યતાની વાત છે. પ્રવેશના કાયદા છે અને છોકરી છે માટે? છોકરાને જો પ્રવેશ મેળવવો હોત તો સારા માર્ક અથવા પ્રવેશ માટેના લઘુત્તમ માર્ક તો લાવવા જ જોઈએ! છોકરી માટે પ્રવેશ લીધા વિના પિતા ખફા થઈને ચાલ્યા ગયા. આ જમાનામાં આટલો નગ્ન અન્યાય થઈ શકે છે એ હકીકત છે.

છોકરી હજી બેનંબરી સંતાન છે. પરિવારમાં એ ગૌણ છે. શિક્ષિત પિતાઓની મન:સ્થિતિમાં ફર્ક પડી રહ્યો છે પણ છોકરી અને છોકરો બંને સમાન હોય એવા પરિવારોની અત્યંત નાની લઘુમતી છે, અને હિન્દુસ્તાનના સમાજમાં માતા જે રીતે પુત્રને બગાડે છે એ અદભુત છે! એવું મનાય છે કે પુત્ર વંશ ચાલુ રાખે છે, અગ્નિસંસ્કાર આપે છે. બુઢાપામાં માતા-પિતાનો ખ્યાલ રાખે છે. જો કે કલિયુગમાં આવું બધું હંમેશાં બનતું નથી...! 

હિન્દુસ્તાનમાં વસ્તીવધારાનું એક મહત્વનું કારણ છે - એક નહિ પણ બે છોકરાંઓની ઈચ્છા! આ દેશમાં બધી જ વસ્તુઓનું આયોજન છે ફક્ત સંતાનો સિવાય. હિંદુસ્તાનમાં એક જ સંતાનવાળા પરિવારનો ખાસ અભ્યાસ થયો નથી. હમણાં સોવિયેત રશિયામાં આ વિષે એક ચર્ચા થઈ હતી જેમાં થોડી મજાની વાત બહાર આવી હતી. (અહીં એ ધ્યાન રાખવું જોઈએ કે રશિયામાં ધરતી અફાટ છે, પણ લોકો ઓછા છે. બીજા વિશ્વયુદ્ધમાં એક આખી જવાન પેઢી મરી ગઈ. ત્યાંની સરકાર વસતિ વધારવા માટે તરહ તરહની યોજનાઓ અને પ્રલોભનો આપે છે!) એક મહિલાએ કહ્યું કે મારે એક જ સંતાન જોઈએ છે અને હું એને શક્ય એટલી શ્રેષ્ઠ તાલીમ આપીશ. એક પરિવારના ડઝન બચ્ચાં કરતા મારું એક સંતાન સમાજને વધુ ઉપયોગી સિદ્ધ થશે! લેનિનગ્રાદની એક ગૃહિણીએ જુદી વાત કરી. એક સંતાન સામાન્ય રીતે સ્વાર્થી બની જાય છે. પતિ કે પત્ની અથવા પિતા કે માતા તરીકે પણ ઘણી વાર એ અસંતોષી હોય છે. મોટા પરિવારમાં વ્યક્તિને નિસ્વાર્થી બનવું જ પડે છે જ્યારે એક સંતાન સ્વકેન્દ્રી બનવાનો સંભવ વધારે છે! 

રશિયાના સમાજશાસ્ત્ર ઈન્સ્ટિટ્યૂટની વસતિ વિભાગની અધ્યક્ષા ગેલીના કીસેલેવાનું મંતવ્ય હતું કે એક સંતાન ખોઈ નાંખવાનો એક અદ્રશ્ય ભય હંમેશાં રહેતો હોય છે. એમનું કહેવું હતું કે નૃવંશશાસ્ત્રના નિયમોના આધાર પર એવું માનવામાં આવે છે કે પ્રથમ સંતાન હંમેશાં પાછળનાં સંતાનો કરતાં શારીરિક રીતે કમજોર રહેવાનું! એક કહેવત ટાંકવામાં આવે છે કે એક આખી આંબાવાડી ઉગાડવી સહેલી છે પણ એક આંબો ઉગાડવો અઘરો છે! 

અમેરિકામાં લોરેન્સ ઓલસન નામના અર્થશાસ્ત્રીએ હિસાબ કરીને નિષ્કર્ષ કાઢ્યો હતો કે અમેરિકામાં એક બાળકને જન્મથી બાવીસ વર્ષ સુધી મોટું કરવાનો અને ભણાવવાનો ખર્ચ બે લાખ ડૉલર આવે છે.

જે દેશોને વસતિ-વધારાની સમસ્યા છે એ દેશો આનો વૈજ્ઞાનિક હલ કાઢવા માંગે છે. દક્ષિણ કોરિયાની વસતિ જુલાઈ 1983માં ચાર કરોડ થઈ ગઈ ત્યારે ત્યાંની સરકારે લોકો વિદેશગમન કરે એ માટેના કાયદા સરળ બનાવ્યા! અને દક્ષિણ કોરિયાની સ્વાસ્થ્ય-મંત્રી શ્રીમતી કિમ-યુંગ રાયે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનામાં સુધારો કર્યો કે જે દંપતીને બેથી વધારે સંતાનો હોય એમણે દંડ ભરવાનો! વસતિ-વધારો ઘણા દેશો માટે ચિંતાનો વિષય છે અને સરકારો સખ્તમાં સખ્ત કાયદાઓ ઘડે છે.

વસતિ-નિયંત્રણની બાબતમાં સૌથી ગંભીર અને સાહસિક પગલું ચીને લીધું છે : એક પરિવારમાં એક જ સંતાન હોવું જોઈએ! શહેરોમાં આ કાર્યક્રમને સફળતા મળી છે. એક જ સંતાનવાળા દંપતીને સરકાર દર મહિને પાંચ યુઆન આપે છે. (વીસ કિલો ચાવલની કિંમત) એ બાળકને સ્કૂલમાં પ્રવેશ માટે પ્રાથમિકતા મળે છે, દવા, દારૂની બાબતમાં પણ એને પ્રથમ સ્થાન મળે છે! ચીનની અત્યંત નાની લઘુમતીઓને આ એક સંતાનનો કાયદો લાગુ પડતો નથી.

જો બીજું સંતાન થઈ જાય તો સરકાર સખ્ત બની જાય છે! બીજા સંતાનને શહેરમાં રહેવાનો પરવાનો મળતો નથી. ખોરાકના રેશનની કૂપનો મળતી નથી. એના માતા-પિતાને નોકરીમાં પ્રમોશન મળતું નથી. ક્યારેક એમને નીચે પણ ઉતારવામાં આવે છે. ઘણી વાર બીજા સંતાનના જન્મને લીધે એક કે બે હજાર યુઆનનો દંડ થાય છે. (એટલે કે એક અથવા બે વર્ષનો પગાર!)

આ બધું સારું છું કે ખરાબ એ ભવિષ્ય કહેશે પણ ચીને હિમ્મતથી એના બેફામ વસતિ-વધારાને રોકી દીધો છે. એક દંપતી અને એક સંતાન એ ચીનનું સૂત્ર છે.

હિંદુસ્તાનમાં એક સંતાનવાળા પરિવારોને સરકાર શું આપે છે? કંઈ નહિ.

અહીં મર્દો એક સંતાનથી અટકતાં નથી. ખુદા દેતા હૈ તો છપ્પડ ફાડ કે દેતા હૈ! 

(ગુજરાત સમાચાર : સપ્ટેમ્બર, 1985)  

(સમાજ-1)