September 26, 2013

અંધશ્રદ્ધા અને કાયરો : શુભ-અશુભનું અનુમાનશાસ્ત્ર

જુલાઈ 26, 1987ને દિવસે જયપુરની પાસે જારખંડ મહાદેવ મંદિરમાં જોધપુર જિલ્લાના ફલોદ ગામના 151 પંડિતો ભેગા થયા અને મહારુદ્રાભિષેક યજ્ઞ કરવામાં આવ્યો. આ યજ્ઞનો આશય વરુણ દેવતાને રીઝવવાનો હતો કે જેથી અકાલગ્રસ્ત રાજસ્થાનમાં વરસાદ પડે. એની સામે કોંગ્રેસી વિરોધીઓએ એ જ મંદિરમાં જુલાઈ 30થી ઓગસ્ટ 1 સુધી પ્રતિ-યજ્ઞ કર્યો જેનું નામ મહાપ્રાજન્ય યજ્ઞ હતું. આ યજ્ઞનું પ્રયોજન હતું એ હતું કે રાજસ્થાનના મુખ્ય મંત્રી હરિદેવ જોષી અને એમના પરિવારે કરેલા યજ્ઞની અસર ખલાસ થઈ જાય!

ઑગસ્ટ 17, 1987ને દિવસે લોકસભામાં કૃષિમંત્રી ગુરદયાલસિંહ ધિલ્લોંએ કહ્યું કે હું હમણાં જયપુર ગયો હતો અને મારો આશય એક હવનમાં ભાગ લેવાનો હતો. આ હવન જયપુરમાં આયોજિત કરવામાં આવ્યો હતો, અને આ હવનનો આશય વરસાદના દેવતાને રીઝવવાનો હતો.

ડિસેમ્બર 1986માં તામિલનાડુના પશ્ચિમ મમ્બલમ પ્રદેશમાં અશ્વમેધ મંડપમમાં અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમાં 121 વૈદિક વિદ્વાનો 11 દિવસ સુધી 11 વાર પંચાક્ષરી મંત્રોનું ઉચ્ચારણ કરવાના હતા. ડિસેમ્બર 18થી ડિસેમ્બર 28 સુધી આ મહાયજ્ઞ ચાલ્યો હતો. હોમહવન સાથે શ્રીરુદ્રમ મંત્ર 14,641 વાર બોલાયો હતો. દસ દિવસ સુધી ચંડી-હોમમ થયો હતો. મનુસઃયજાતિને આ હોમહવનથી ખાસ લાભ થવાનો હતો. આ મહાયજ્ઞથી સુખશાંતિ અને સમૃદ્ધિનો યોગ થવાનો હતો.

રાજકોટમાં વરસાદના દેવતાને પ્રસન્ન કરવા માટે એક દિવસનો બંધ પાળવામાં આવ્યો હતો.

મધ્ય પ્રદેશમાં વૃષ્ટિના દેવતાને પ્રસન્ન કરવા માટે એક લાખ પચીસ હજાર લિંગમ બનાવવામાં આવ્યા હતાં કે જેથી વરસાદ પડે. આ સિવાય ગધેડાઓને વિધિવત સમાગમ કરાવવામાં આવ્યો હતો કે જેથી વરસાદ પડે. એક માણસ ઘસડાતો ઘસડાતો 22 કિલોમીટર દૂરના એક મંદિર સુધી ગયો હતો કે જેથી વરસાદ પડે!

જપ-જાપ અને હોમહવન અને તાંત્રિક દાવપેચ માત્ર દિલ્હીમાં જ નહીં, આખા દેશમાં જોર પર છે. રાજીવ ગાંધીની સરકાર સ્થાયી રહે એ માટે દિલ્હીમાં યજ્ઞ થાય છે અને રાજીવ ગાંધી એમાં પધારે પણ છે. એ વિદેશયાત્રા પર હતા, ત્યારે શુક્રવારની નમાઝ પછી મસ્જિદની બહાર લાઈનસર યતીમો ઊભા રહી ગયા હોય એમ, મંત્રીઓ ઊભા રહી જાય એ જુગુપ્સાપ્રેરક ચિત્ર ઓછું હોય એમ 21મી સદીના કોમ્પ્યુટર વ્હીઝકીડ રાજીવ ગાંધી જમણા બાવડા પર રેશમી લાલ કપડું બંધાવતા, જે તાવીજ હતું! મુસ્લિમોમાં જમણા બાવડા પર આ રીતે તાવીજ બંધાય છે! આ દેશમાં કોમ્પ્યુટરોને પણ રાખડીઓ અને તાવીજો આપણે બાંધવાના છીએ.

વી.કે. કૃષ્ણમેનન 1950ના દશકમાં કહેતા હતા કે આ દેશમાં બે જાતના માણસો જીવે છે: એક જે 'ફર્ટિલાઈઝર્સ' (ખાતર)માં માને છે અને બીજા જે 'એસ્ટ્રોલોજર્સ' (જોષીબાવા)માં માને છે! પણ 1980 આવતાં સુધીમાં જોષીબાવાઓના અનુયાયીઓ વધી ગયા છે. જ્યોતિષ જે ખગોળ અને ગણિતના સંબંધો સમજવાનો એક બૌદ્ધિક વિષય છે એ ફળાદેશથી દૈનિક ભવિષ્ય સુધી આવી ગયો છે. પહેલાં અભણ માણસો અંધશ્રદ્ધામાં ડૂબેલા હતા, હવે ભણીગણીને માણસ અંધશ્રદ્ધામાં ડૂબી ગયો છે. આ જ કદાચ આધુનિક ભારતીય સમાજનો ફળાદેશ છે....

કોઈપણ વિકાસશીલ દેશ પ્રજાને નાહિમ્મત કરી નાખનારી આટલી મોટી જ્યોતિષીઓની ફૌજ નિભાવતો નથી. એક અનુમાન પ્રમાણે ભારતવર્ષમાં પ્રેક્ટિસિંગ અને જાણકાર જ્યોતિષીઓનો જુમલો છ લાખ સુધી પહોંચે છે. ભિખારી જ ભવિષ્યની વધારે ચિંતા કરે છે. એ પછી ભીરુ અને કાયર ભવિષ્યની વધારે ચિંતા કરે છે. આ દેશમાં ચારસો જેટલાં જ્યોતિષી પંચાગો પ્રતિવર્ષે પ્રકટ થતાં રહે છે એવું પણ એક અનુમાન છે. સરકારી ઑફિસમાં નાનીમોટી ખુરશીઓમાં ચોંટી પડેલા સરકારી નોકરો પણ રાશિ, ગ્રહ, રાહુ-કેતુ, દશા-મહાદશા, મંગળ, શનિ, શુકન, ચોઘડિયું, દિશાશૂળ જેવા ટેકનિકલ શબ્દો વાતવાતમાં વાપરી શકતા હોય છે. અને આ જ્યોતિષબાજી ઓફિસ-ટાઈમનો ફુલ-ટાઈમ જૉબ હોય છે.

જ્યોતિષમાં આંધળો વિશ્વાસ એક પ્રકારની ભીરુ અંધશ્રદ્ધા છે. અને આજે દેશના પ્રથમ અને દ્વિત્તીય નાગરિકોમાં પણ અંધશ્રદ્ધા છલોછલ ભરેલી છે. રાષ્ટ્રપતિ ઝૈલ સિંહની અવધિ સમાપ્ત થતી હતી એનાથી એક દિવસ લંબાવવામાં આવી (આ પણ કેટલું કાયદેસર ગણાય?) આનું કારણ? નવાંગતુક રાષ્ટ્રપતિ રામસ્વામી વ્યંકટરમણ વધારે ધર્મિષ્ઠ માણસ છે. એમનો દુરાગ્રહ કે સત્યાગ્રહ કે આગ્રહ હતો કે અમુક જ શુભ દિવસે એમની શપથવિધિ થાય! એ કાળી શેરવાણી પહેરીને શપથગ્રહણ કરવા આવ્યા હતા, કારણ કે એમના જ્યોતિષીઓએ ખાસ સલાહ આપી હતી કે આ શુભ દિને કાળું જ પહેરવું કે જેથી વિનાશક તત્ત્વોનો નાશ થશે!

મને લાગે છે કે જગતના કોઈ જ આધુનિક દેશમાં આવું બવન્ડર ચાલતું નથી. જે લોકો મનથી આટલા બધા કમજોર છે એમના હાથોમાં સત્તાની ધુરા કેટલી સલામત રહી શકે? પણ મુહૂર્ત, ચોઘડિયું, કુંડળી એ રાજકારણનું સત્ય છે.

હું ક્યારેક વિચાર કરું છું, રામ અને સીતાની જન્મકુંડળી મેળવી હશે અને જો જન્મકુંડળીના ગ્રહો મળતા હોત તો શિવધનુષ્યવાળા નાટકની શી જરૂર હતી? રામના રાજ્યાભિષેકનું મુહૂર્ત વશિષ્ઠ ઋષિએ કાઢ્યું હતું? જે રાજ્યાભિષેક થયો જ નહીં એનું મુહૂર્ત ખોટું કાઢ્યું હતું? સીતા અને રામનું લગ્નજીવન સુખી હતું કે દુ:ખી? દ્રૌપદી પાંચ પાંડવોને પરણી ત્યારે છ કુંડળીઓ જોવામાં આવી હતી? મંગળનો શબ્દાર્થ 'શુભ' છે પણ કુંડળીમાં મંગળના ગ્રહ શા માટે અશુભ થઈ જાય છે? કદાચ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન નથી, અનુમાન છે અથવા અનુમાનની વિશેષ નિકટ છે.

જ્યોતિષ કરતાં પણ વધારે જટિલ અને પેચીદો પ્રશ્ન છે અંધશ્રદ્ધાનો, વહેમનો, સુપરસ્ટિશનનો, પૂર્વગ્રહનો. વરસાદ જોઈએ છે અને એ માટે એ પ્રશ્નને બુદ્ધિ, વિજ્ઞાન અને શ્રમથી સમજવો પડશે, સુલઝાવવો પડશે. વરસાદ નથી, વરસાદ ઓછો થતો જાય છે, દુકાળની સ્થિતિ સ્વાભાવિક થતી જાય છે. માટે એ વિષે દેશના બુદ્ધિમાનોએ ભેગા થઈને દૂરદર્શી અને દૂરગામી આયોજન માટે સુઝાવ આપવા પડશે, શાસને નિષ્ઠુર થઈને ભ્રષ્ટને શેષ કરવો પડશે અને ન્યાયી વિતરણવ્યવસ્થા ગોઠવવી પડશે. પણ આપણને હોમહવન કરીને વરુણ દેવતાને પ્રસન્ન કરવામાંથી અવકાશ મળતો નથી. આ એક નેગેટિવ હતાશાપ્રેરક ભીરુ વિચારકોણ છે. કદાચ ભારતમાં ઉપર બેઠેલા કે બેસી ગયેલા માણસની ક્વોલિટી જ હલકી છે, અને ડરપોક છે.

ક્લોઝ અપ:

સુદ્ધિ અસુદ્ધિ પરચતં નાન્ગો અન્ગં વિસોધયે.
                                                                    - ધમ્મપદ, બૌદ્ધ ધર્મગ્રંથ
(શુદ્ધિ અને અશુદ્ધિ વ્યક્તિના પોતાના ઉપર નિર્ભર કરે છે. કોઈ માણસ બીજાને શુદ્ધ કરી શકતો નથી.)

(શિક્ષણ, ભાગ-1)

No comments:

Post a Comment