October 25, 2013

ભગવતીકુમાર શર્મા અને લાભશંકર ઠાકર વિશે

ભગવતીકુમાર શર્માને 'અસૂર્યલોક' નવલકથા માટે 1988ના વર્ષના સાહિત્ય અકાદમી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. લાભશંકર ઠાકરને 1982થી 1986 સુધી પાંચ વર્ષના ગાળા દરમિયાન પ્રકાશ પામેલા નાટક વિષયક ગુજરાતી ગ્રંથોમાંથી ચંદ્રકને પાત્ર સર્વોત્તમ ગ્રંથના લેખક તરીકે નર્મદચંદ્રક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ 'ગ્રંથ' એમનું નાટક છે: 'પીળું ગુલાબ અને હું'. શર્મા અને ઠાકર બંને મારા જૂના મિત્રો છે. અમને સૌને અને મને હરાવીને પહેલો નંબર લાવવા માટે બંનેને ખૂબ ખૂબ અભિનંદન.

ભગવતીકુમાર શર્મા સુરતના છે, અને લાભશંકર ઠાકરની કર્મભૂમિ અમદાવાદ છે. બંને ગુજરાતી ભાષાના અત્યંત ગંભીર અને પ્રતિબદ્ધ શબ્દકારો છે. એમણે ગુજરાતી ભાષાને શોહરત આપી છે. બંને લેખકો લગભગ મારા હમઉમ્ર છે. બંનેએ પોતાને આપવાનું ઘણું આપી દીધું છે. ભગવતીકુમાર શર્મા સારસ્વત શબ્દની સમીપ આવે છે, લાભશંકર ઠાકર રમ્યઘોષાના કવિ છે. અને એ બંને સાથે દશકો સુધી હમકલામી કરીને, દોસ્તી નિભાવીને હું મારી જાતને ખુશકિસ્મત સમજું છું. ભગવતીકુમાર શર્માની સાથે તમે બેઠા હો ત્યારે એક સ્વચ્છ, પારદર્શક અવાજ સાંભળીને તમે સૌમ્ય અને શાલીન અને સૌજન્ય જેવા શબ્દો અનુભવી શકો છો. લાભશંકર ઠાકરના સાબરમતી કિનારાના ઘરમાં તમે બેસો છો અને બહાર પડછાયાઓ બદલાતા જાય છે, રંગ પકડતા જાય છે, ફર્શ (સીલિંગ), અને ફર્શ (જમીન) પર સાંજ ભરાતી જાય છે અને કવિની દોસ્તાના ખુશ્બૂવાળો અવાજ તમે આંખોથી પીતા રહો છો, છલકાતા રહો છો. ગુજરાતી પ્રજાએ એમના આ બંને કલાકારોને મુઠ્ઠીઓ ભરી ભરીને પ્યાર આપી દીધો છે, એમને હવે ઈનામો-ચંદ્રકો 'એનાયત' કરવાથી બહુ ફર્ક નહીં પડે પણ એ સંબંધિત પ્રતિષ્ઠાનોની વિશ્વસનીયતા પ્રસ્થાપિત થશે.

લાભશંકર ઠાકરે 1981 માટેનો રણજિતરામ સુવર્ણચંદ્રક ઠુકરાવી દીધો હતો. 1988માં મળેલો નર્મદચંદ્રક સ્વીકાર્યો છે. એમના શબ્દોમાં: મેં રણજિતરામ સુવર્ણચંદ્રકનો અસ્વીકાર કર્યો હતો અને હવે નર્મદચંદ્રકનો સ્વીકાર કરું છું. આ...મારામાં વિસંગતિ અને વિરોધાભાસ ઊભો થાય છે તેના પ્રત્યે હું આશ્ચર્યથી જોઉં છું. મને મારા આ વ્યક્તિત્વમાં અજબ રસ પડે છે. આવતી કાલે સંભવ છે હું બીજો ચંદ્રક ન પણ સ્વીકારું. હું ક્ષણેક્ષણમાં જીવું છું. મારી ભાવિ ક્ષણ વિશે હું ખાતરીપૂર્વક કંઈ જ કહી શકું તેમ નથી.

લાભશંકર ઠાકર એકલા જ નહીં, આપણે બધા એમની ચંદ્રકઝૂલતી છાતીને આશ્ચર્યથી જોઈ રહ્યા છીએ! આપણે બધા જ અદભુતના પ્રાંતમાં એમની સાથે સાથે અજબ રસથી પ્રવેશી રહ્યા છીએ. એક વાર સ્વીકારવાની ભૂલ થઈ ગઈ હોય તો બીજી વાર એ સ્વીકારવું જ જોઈએ એવું પણ નથી. સુરેશ જોષીથી એક ઈનામ લેવાઈ ગયું હતું, બીજાનો એમણે અસ્વીકાર કર્યો હતો. (મેં પેરેલિસિસના અડધા ઈનામનો અસ્વીકાર કર્યો હતો, પછી ઝિન્દાનીનું પ્રથમ ઈનામ મિત્ર મહંમદ માંકડના આગ્રહને લીધે લઈ લીધું હતું, પછી 'મહાજાતિ ગુજરાતી' માટેના પ્રથમ ઈનામનો અસ્વીકાર કર્યો હતો. હવે નવા લેખકોને એ આપવું જોઈએ, એ મારો તર્ક હતો. મારે પહેલા ઈનામની જરૂર નથી, એમ મેં કહ્યું હતું). ગુજરાતીમાં ઈનામો હમેશાં ચર્ચાઓ જન્માવે છે. ફરીથી એ જ પ્રશ્ન આવે છે: સાહિત્યનાં ઈનામો લેવાં જોઈએ કે ન લેવાં જોઈએ? 
(વિવિધા ભાગ-2માંથી)

No comments:

Post a Comment