April 28, 2014

રાજકારણનું ઊઠાંગણિત: 51 ટકા, 33 ટકા, 16 ટકા સમર્થન મળે તો બસ

(1989માં તામિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં ડી.એમ.કે. મોરચાએ 282માંથી 170 સીટો જીતી હતી એ વખતના સમયે ચૂંટણીનું ગણિત સમજાવતો બક્ષીબાબુનો લેખ થોડી કાપકૂપ સાથે):

"સેફોલૉજી" ચૂંટણીના પહેલાં આગાહીઓ કરવાનું, આસાર સમજવાનું, કમ્પ્યૂટર આધારિત નવવિજ્ઞાન છે. રાજીવ ગાંધીએ એમની પરાજયપરંપરા સાચવી રાખી છે, અને 65 વર્ષીય મુથુવેલ કરુણાનિધિનો દ્રવિડ મુન્નેત્ર કળગમ પક્ષ તેર વર્ષ પછી ફરીથી સત્તાસ્થાન પર આવ્યો છે.

ડી.એમ.કે. મોરચાએ 282માંથી 170 સીટો જીતી છે, એટલે કે લગભગ 3/4 બહુમતી પ્રાપ્ત કરી છે. જો ગણિતની દ્રષ્ટિએ જોઈએ તો માત્ર ડી.એમ.કે પક્ષને જે 146 બેઠકો મળી છે એ કુલ મતદાનના 33.44 ટકા છે. પણ કોંગ્રેસીઓ તર્કાભાસના ઉસ્તાદો છે. કમ્પ્યૂટરોના બટનો દબાવીને એ નવાં નવાં ગૃહીતો સાબિત કરી શકે છે. આમ ન થયું હોત તો આમ થાત અને આમ થાત તો આમ ન થયું હોત જેવા તર્કદોષના પણ કમ્પ્યૂટરો પાસે ઉત્તરો છે. ફક્ત આ જ્ઞાનીઓ એક વાત ભૂલી જાય છે કે મતદાતા એ નંબરદાર નિર્જીવ નમૂનો નથી, એક જીવંત મનુષ્ય છે, પ્રતિક્ષણ એના ભાવ-મનોભાવમાં પરિવર્તન આવી શકે છે. મતદાતાનું માથું એ ભારતની ચૂંટણીનો સૌથી અગમ્ય પ્રદેશ છે.

જીતીને સત્તા પર આવવા માટે નિર્વાચનમાં કેટલા ટકા મત મળવા જોઈએ? ઝિયા ઉલ હકના પુત્ર ઈર્ઝાઝુલ હકે હમણાં કહ્યું હતું કે બેનઝીર ભુટ્ટોને વિજયી બનવા માટે ફક્ત 16 ટકા વોટ મળ્યા હતા!

એક જમાનામાં પોપટની જેમ આપણે સમજી ગયા હતા કે જે બહુમતી હોય છે એ જીતે છે. 51 ટકા હોય તો ચૂંટણીમાં વિજયી ઘોષિત થાય છે. હવે મતોનું વિકેન્દ્રીકરણ થઈ રહ્યું છે એટલે 51 ટકા લેવાની જરૂર પડતી નથી. જો કોષ્ટક બરાબર ગોઠવતાં આવડે તો 38 ટકા વોટ લઈને તમે 75 ટકાથી વધારે સીટો જીતી શકો છો! કોંગ્રેસ પક્ષમાં જો સૌથી વધારે ફફડાટ થયો હોય તો એ આ મુદ્દા પર થયો છે.

અને ખરેખર તો આવા કોઈ આતંકની આવશ્યકતા નથી. કોંગ્રેસનો ટ્રેક રેકર્ડ પ્રથમ સાત રાષ્ટ્રનિર્વાચનોમાં કેવો છે? 1952થી 1980 સુધી હિંદુસ્તાનમાં સાત નિર્વાચનો થયાં. એ નિર્વાચનોમાં કોંગ્રેસને કેટલા ટકા વોટ મળ્યા હતા? અને કેટલી સીટો મળી હતી?

ચૂંટણીનું વર્ષ
કોંગ્રેસને મળેલી બેઠકો/કુલ બેઠકો
કોંગ્રેસને મળેલા વોટની ટકાવારી
બેઠકોની ટકાવારી
1952
364/489
44.99
74.5
1957
371/494
47.78
74.5
1962
361/494
44.73
72.9
1967
283/522
40.82
54.82
1971
350/522
43.64
67.6
1977
153/542
35.54
28.22
1980
352/542
42.56
64.94
1984
414/533
51.90
77.67


આપણે તો નાના હતા ત્યારે ઊઠાં ભણ્યા છીએ. સેફોલૉજિસ્ટો અને કમ્પ્યૂટર વ્હીઝ-કિડ્ઝ (કૌતુકકિશોરો) ઊઠાં શીખ્યાં છે?

(અભિયાન: ફેબ્રુઆરી, 13, 1989)

[રાજકારણ ભારત (1989-1995)]

1942ના જયંતી ઠાકોર અને 1975ના નરેન્દ્ર મોદી: બે ગુજરાતી ખમીરકથાઓ

શ્યામજી કૃષ્ણવર્મા. દયાનંદ સરસ્વતી. મોહનદાસ ગાંધી. મહંમદઅલી જિન્નાહ. મોરારજી દેસાઈ. કનૈયાલાલ મુનશી. વલ્લભભાઈ પટેલ. રજની પટેલ. આ બધાં નામો ગુજરાતી છે અને આ બધા એવા નેતાઓ છે જે પૈદા કરવાની ગુજરાતની પરંપરા નથી. ગુજરાતનું પાણી ખડતલ ક્રાન્તિકારીઓને કેમ માફક આવતું નથી? લગભગ દરેક ક્ષેત્રમાં સમાધાનવાદી સોફ્ટીઓ ગુજરાતની આબોહવામાં લજામણીના છોડની જેમ પનપે છે, લાભપ્રાપ્તિ કરે છે. ગર્દન કપાવનારા, તબાહ થઈ જનારા પાછળના બધા જ પુલો જલાવીને નીકળનારા ગુજરાતી માણસો બહુ ઓછા હોય છે. અને જો કોઈ હોય તો એ ભાગ્યે જ પોતાના સ્વાનુભવ વિષે લખે છે. ઈન્દુલાલ યાજ્ઞિકે લખ્યું છે. મેં વાંચ્યું નથી. કમલાશંકર પંડ્યાની "વેરાન જીવન" વાંચી છે અને ગુજરાતી ભાષાની પ્રથમ કક્ષાની સરસ વાચ્ય રાજનીતિક આત્મકથાઓમાં એને સ્થાન આપું છું. મોરારજી દેસાઈની આત્મકથા વાંચવી નથી કારણ કે એનાથી બીમાર થઈ જવાનો ભય છે. ઈશ્વર સાથે જેમની સીધી હોટ-લાઈન હોય છે એમની વાતો વાંચવાની મને બહુ મજા આવતી નથી. પણ હમણાં બે સંસ્મરણો વાંચ્યાં જે ગુજરાતના રાજકીય સંસ્મરણ સાહિત્યમાં પ્રથમ કતારમાં મૂકી શકાય એવાં છે: (1) આઝાદી જંગની મંજિલ...લેખક: જયંતી ઠાકોર, (2) સંઘર્ષમાં ગુજરાત...લેખક નરેન્દ્ર મોદી. આ બંને સ્મરણકથાઓ ભારતવર્ષના ઇતિહાસના બે કાલખંડો પર પ્રકાશ ફેંકે છે અને એમનું ઐતિહાસિક મહત્ત્વ છે. જયંતી ઠાકોર 1942ના ભૂગર્ભ સંઘર્ષ વિષે લખે છે. નરેન્દ્ર મોદી 1975ની કટોકટીના ભૂગર્ભનિવાસ વિષે અત્યંત રોચક શૈલીમાં બયાન કરે છે. જયંતી ઠાકોર અને નરેન્દ્ર મોદી બંને એટલું સરસ ગુજરાતી લખે છે કે ગુજરાતી ભાષાના લેખકોએ ભાષા સુધારવાના રિફ્રેશર કોર્સ તરીકે આ બંને પુસ્તકો વાંચી જવાં એવું મારું અનમ્ર સૂચન છે.  

જયંતી ઠાકોરે આરંભમાં એક વાક્ય લખ્યું છે: ઓલ મેન આર બોર્ન ફ્રી (બધા જ મનુષ્યો સ્વતંત્ર જન્મ્યા છે)! નરેન્દ્ર મોદીએ એક હિંદી ઉચ્ચારણ મૂક્યું છે: इतिहास गवाह है राज महलों और संसदो ने इतिहास नहीं बनाया है... संसर पर दस्तक देने वालों ने संसद भी बनाया है, इतिहास भी बनाया है ! 1942ના વિન્ટેજ વિપ્લવી જયંતી ઠાકોર, એમનું પુસ્તક અર્પણ કરે છે: સપ્રેમ અર્પણ ભારત માતાના અને ગુજરાતના નામી અનામી શહીદો વીરવીરાંગનાઓ સહકાર્યકરોને...! અને નરેન્દ્ર મોદી 1975ના એ અંધારયુગમાં માત્ર 26 વર્ષના હતા અને આ એમનું પ્રથમ સાહિત્યિક સર્જન છે, એમણે અર્પણ કર્યું છે...જેમના જીવનવ્યવહારે જીવનમૂલ્યોના જતન કાજે જીવવાનું, ઝઝૂમવાનું, જોમ અર્પ્યું - સ્વ. વસંતભાઈ ગજેન્દ્ર ગડકરને...! દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જનરલ મેક આર્થરના સૈનિકો વિષે કહેવાતું હતું એ વાક્ય આ બંને ગુજરાતી વિપ્લવીઓ માટે બેરોકટોક વાપરી શકાય: અસામાન્ય શૌર્ય એ સામાન્ય ગુણ હતો...

કોઈપણ કૃતિનું સુવાચ્ય હોવું એ હું પ્રથમ ગુણ ગણું છું. વાંચતાં કંટાળો અથવા એકસાથે બે બગાસાં ન આવવાં જોઈએ. આ બંને પુસ્તકો રોચક છે, અને રોમાંચક છે. સત્તા સામે ઝૂઝવું અને ઝૂઝતા રહેવું, એ બધાના બસની વાત નથી. જયંતી ઠાકોર 1942ના આંદોલન દરમિયાન અમદાવાદના શહેરસૂબા તરીકે એક લેજન્ડ બની ગયા હતા, "જયાનંદ" એમનું છદ્મનામ હતું. એ ભાગતા ફરતા હતા, આદેશો આપતા હતા, બ્રિટિશ સરકાર સામે વિદ્રોહ ભડકાવતા હતા. એ દિવસો હતા, બોમ્બ ફૂટતા હતા, ગોળીઓ છૂટતી હતી, એક સમાંતર સરકાર ચલાવવાના છૂટક પ્રયોગો થતા હતા. નરેન્દ્ર મોદીની સ્મરણકથામાં મહત્ત્વની વાત એ છે કે જે વિરોધ હતો એ સરકાર કાળા હિન્દુસ્તાનીઓની બનેલી હતી અને વર્ષ 1975નું હતું. શ્રીમતી ગાંધીની કટોકટીમાં એક જ અસ્તિત્વ કાર્યક્રમ હતો, છટકી જવું, ન પકડાવું, અને નિરાશ, હતાશ, વિવશ થઈ ગયેલી પ્રજામાં ચેતનાનો પુનર્સંચાર કરતા રહેવું જે ખરેખર દુશ્વાર હતું અને આમાં ગુજરાતનું શું યોગદાન હતું એ આ સંઘર્ષકથાનો મુખ્ય હેતુ છે. ઘણાંખરાં નામો આજે જીવે છે અને માટે નરેન્દ્ર મોદીની વાત એક આધુનિક દ્રશ્યકથા જેવી લાગે છે, જયંતી ઠાકોરની વાત ભૂતકાળની નવલકથા જેવી લાગે છે. અને બંનેની પાછળ સત્યનું 98.4 ડિગ્રી તાપમાન છે. નરેન્દ્ર મોદીની સંઘર્ષકથામાં એવું વાક્ય આવી શકે છે: બેઠક પછી તરત જ શ્રી નાથાલાલ જગાડા, શ્રી શંકરસિંહ વાઘેલા અને હું ગાંધીનગર પહોંચ્યા (પૃષ્ઠ 112). જયંતી ઠાકોરના 1942માં ગાંધીનગરનો જન્મ થયો ન હતો. એમનામાં વાક્ય આવે છે: ખાડિયામાં સતત ભૂગર્ભમાં રહેવું મારા માટે જોખમકારક હતું (પૃષ્ઠ 203). ભૂગર્ભજીવનનો આ બંને સ્વાતંત્ર્યયોદ્ધાઓનો અનુભવ જાણવા માટે પણ આ બંને પુસ્તકો નવી પેઢીના ગુજરાતીઓએ જોઈ જવા જેવાં છે. 1942 અને 1975 વચ્ચે ગોરી સત્તા અને કાળી સત્તા વચ્ચેના જુલ્મની ફેશન કેટલી બદલાઈ હતી?

1978માં પ્રકટ થયેલા નરેદ્ર મોદીના "સંઘર્ષમાં ગુજરાત" પુસ્તકના પ્રથમ સંસ્કરણ (3000 પ્રતો)ની તારીખ જાન્યુઆરી 14, 1978 છે, અને બીજી આવૃત્તિ (ફરીથી 3000 પ્રતો) માર્ચ 7, 1978એ પ્રકટ કરવી પડે છે. એ ઈમર્જન્સીના દિવસોમાં લોકોની જ્ઞાનભૂખ અને માહિતીભૂઓખ ચરમસીમા પર હતી, અને આ પુસ્તક માહિતીસભર છે. આજે જે નામો શીર્ષસ્થ છે એ લોકો એ ઈમર્જન્સીના દિવસોમાં ગળાઈ રહ્યા હતા, તળાઈ રહ્યા હતા, પુખ્ત બની રહ્યા હતા. જે નક્કર હતા એ ટકી ગયા ને ભીરુ હતા એ તૂટી ગયા. નામો વાંચતાં જ એ સમજ પડી જાય છે. (આ નિયમ 1942ના સંઘર્ષને પણ એટલો જ લાગુ પડે છે) નરેન્દ્ર મોદી પાસે એક સમસામયિક ઇતિહાસકારની દ્રષ્ટિ છે, જે રિપોર્ટર કરતાં વધારે દૂરગામી છે, અને એક શૈલીકારનો કસબ છે, જે એક ડિસ્પેચ મોકલનાર સ્ટ્રીંગર કરતાં વધારે રોચક-રોમાંચક છે...25મી ડિસેમ્બરે (ક્રિસ્ટમસ દિવસ) વાજપેયીનો જન્મદિવસ હતો. જેલમાં અટલજીનું સ્વાસ્થ્ય પણ બગડી ગયું હતું....ત્રણ-ત્રણ ઓપરેશનો થયાં હતાં (પૃષ્ઠ 99)...શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ અને શ્રી જયસુખલાલ હાથીને ઈંગ્લંડ મોકલવામાં આવ્યા હતા. શ્રી દેસાઈને અનેક સંસ્થાઓ તરફથી શ્રી મકરંદભાઈ દેસાઈ સાથે એક જ પ્લેટફોર્મ પર...પ્રવચન કરવા નિમંત્રણો આવ્યાં, પણ તેઓ હિંમત ન કરી શક્યા. (હિતુભાઈ અને શ્રી હાથીએ) અલગ કાર્યક્રમો ગોઠવ્યા, તેમાં પણ તેમની ફજેતીઓ થઈ. ધીમે ધીમે તેમણે જાહેરમાં આવવાનું જ છોડી દીધું. હોંશે હોંશે લંડન પહોંચેલા બિચારા હિતેન્દ્રભાઈને ઈંગ્લંડના રોકાણ દરમિયાન અન્ડરગ્રાઉન્ડ જ રહેવું પડ્યું (પૃષ્ઠ 152)...મહેસાણામાંથી શ્રી શંકરસિંહ વાઘેલાના નાના ભાઈ કનુસિંહ વાઘેલા અને સંઘના બીજા એક કાર્યકર શ્રીકાંત કાટદરેની ધરપકડ થઈ. ધરપકડ માટે પોલીસને ઈનામ આપવામાં આવ્યું. આ બંનેને રિમાન્ડ ઉપર લઈ ખૂબ જ માર મારવામાં આવ્યો (પૃષ્ઠ 137)...પોલીસવાળાઓ પેરોલ પર છોડાવવા માટે રૂ 300ની લાંચ માંગે. પૈસા લાવવા ક્યાંથી? (પૃષ્ઠ 127)

કટોકટીએ કેટલાકને હીરો બનાવી દીધા હતા. આજે 1994માં એ હીરો નેતાઓ એક કમનસીબ ટ્રેજેડી રૂપે ઊભરી ચૂક્યા છે. નરેન્દ્ર મોદી લખે છે: અમારી વાતચીત ચાલુ જ હતી ત્યાં એક પીળા રંગની ફિયાટ બારણા પાસે આવીને ઊભી રહી. અંદરથી એક પડછંદકાય શરીર, ઈસ્ત્રી કર્યા વગરનો લખનવી ઝભ્ભો, માથે લીલા રંગનું કપડું, ચોકડીવાળી લુંગી, હાથમાં સોનેરી ચેઈનવાળી ઘડિયાળ, મોં પર ખાસ્સી વધી ગયેલી દાઢી સાથે મુસ્લિમ ફકીરની પ્રતિભા ઊભી કરતા "બાબા" નામથી ઓળખાતા જ્યોર્જ અંદર પ્રવેશ્યા (પૃષ્ઠ 38).

આ છદ્મવેશે ભૂગર્ભવાસ કરી રહેલા જ્યોર્જ ફર્નાન્ડીઝ હતા.

આ બંને પુસ્તકો સમાધાનવાદી સોફ્ટી આત્મવૃત્તાંતોથી જુદાં પડે છે. ગુજરાતી ખમીરકથાઓ રૂપે આવકાર્ય. ફર્સ્ટ રેટ.

(ગુજરાત સમાચાર : જાન્યુઆરી 2, 1994)

(અસ્મિતા ગુજરાતની)

નરેન્દ્ર મોદીના પુસ્તક વિશે વધુ માહિતી માટે શ્રી રજનીભાઈ અગ્રાવતની બ્લૉગ પોસ્ટની લિંક:
http://rajniagravat.wordpress.com/2012/08/29/doc-on-emergency-modi/

ખુરશી પરથી ઊતરવા વિષે : આપણા કૌરવો, એમના પાંડવો

ઇંગ્લંડ, ફ્રાન્સ, અમેરિકા મહાન દેશો એટલા માટે છે કે રાજકારણીઓ નીતિનાં ધોરણો સ્થાપે છે, સ્વચ્છતાની પ્રતિભા ઉપસાવે છે, વ્યક્તિગત ઈમાનદારીનાં કીર્તિમાન ઊચાં ચડાવતા રહે છે. રાજકારણીએ સ્વચ્છ અને જવાબદાર થવું એવું કોઈ દેશના સંવિધાનમાં લખવામાં આવતું નથી પણ સિંહાસન પર બેઠેલો માણસ સ્વેચ્છાએ એ કાર્ય કરે છે અને દેશને ગરિમા આપે છે. એ દેશના સર્વોચ્ચ નેતાઓ એક જ ક્ષણમાં જ સત્તાસ્થાનેથી ઊતરી જાય છે અને બીજી જ ક્ષણે સામાન્ય નાગરિક બની જઈ શકે છે. હિંદુસ્તાની રાજકારણીઓના માથાની પાછળની મિનિસ્ટરી આભા ખસતી નથી. હિંદુસ્તાની મંત્રી, નાનામાં નાનો મંત્રી સત્તા પર હોય કે ન હોય, સગવડ સુવિધા જિદ્દી હકથી ડિમાન્ડ કરતો થઈ જાય છે. મંત્રીઓમાંથી કેટલાય સાંસદો અને વિધાનસભ્યોમાંથી કેટલાય એમને આપેલા સરકારી નિવાસો છોડતા નથી, ઝઘડે છે, પાણીના ભાવે મળેલા વિરાટ આવાસોનું ભાડું ભરતા નથી, જળોની જેમ જાતજાતનાં બહાના કે કોર્ટકચેરીબાજી કરીને આવાસોમાં ચોંટી રહે છે. ભારતવર્ષની લોકશાહી આવા ઘટિયા અને બેજવાબદાર અને ભ્રષ્ટ શાસકોની સામે વૃદ્ધ નોકરડીની જેમ લાચાર થઈને ઊભી રહી જાય છે. કારણ કે શાસક હિંદુસ્તાનમાં સાફ સમજે છે કે એ કાનૂનની ઉપર છે. જ્યારે શાસક ઇંગ્લંડ કે ફ્રાંસ કે અમેરિકામાં સાફ સમજે છે કે એ કાનૂનની નીચે છે અને શાસક એટલે સામાન્ય ધારાસભ્ય કે સાંસદ નહીં, શાસક એટલે ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા મિત્તરોં, શાસક એટલે અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ, શાસક એટલે ઇંગ્લંડની પ્રાઇમ મિનિસ્ટર માર્ગરેટ થેચર ! મિત્તરોં, કે થેચર એટલે છગ્ગુપંજુ રાજકારણીઓ નહીં, પણ વિશ્વના સૌથી શક્તિમાન દેશોના સૌથી શક્તિમાન રાજનીતિજ્ઞો, જે સિંહાસન પર હતા ત્યારે પૂરી પૃથ્વીને હલાવી નાંખતા હતા...! આપણા રાજકારણીઓ કેટલા નૈતિક છે? અને આ કેટલા નૈતિક હતા?

François Mitterrand, Margaret Thatcher and George Bush Senior

મે 1995માં ફ્રાંસમાં શાસકો બદલાયા, 62 વર્ષીય ઝાક શિરાક 7 વર્ષ માટે ફ્રાંસના નવા રાષ્ટ્રપતિ નિયુક્ત થયા, જે ત્રીજા પ્રયત્ને સફળ થયા હતા. રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા મિત્તરોં પણ ત્રીજા પ્રયત્ને સફળ થયા હતા. ફ્રાંસની રાજવ્યવસ્થા જ એ પ્રકારની છે કે ત્યાં અનુભવદગ્ધ રાજનીતિજ્ઞ જ રાષ્ટ્રપતિ થઈ શકે છે, ઇન્દિરાપુત્ર હોવાને લીધે કે રાજીવજીની વિધવા હોવાને લીધે ખુરશી વારસામાં મળતી નથી. 1981માં મિત્તરોં રાષ્ટ્રપતિ ચૂંટાયા પછી ફરીથી બીજીવાર ચૂંટાયા અને 1995માં એમણે પદત્યાગ કર્યો. એમનું 14 વર્ષનું રાષ્ટ્રપતિત્વ એ ફ્રાંસના આધુનિક ઇતિહાસનો રેકર્ડ છે. આજે મિત્તરોં 78 વર્ષના છે, પ્રોસ્ટ્રેટ કૅન્સરના અસાધ્ય રોગમાં મરણોન્મુખ છે, પૂરા ફ્રાંસની હમદર્દી એમની સાથે છે. આ વિશ્વકક્ષાના મહાન ફ્રેંચ રાજનીતિજ્ઞ સત્તા છોડ્યા પછી તરત જ બહાર નીકળી ગયા. એ પેરિસમાં એફિલ ટાવર પાસે એક ફ્લૅટમાં રહેવા ચાલ્યા ગયા છે. એમની પાસે 4 માણસોનો સ્ટાફ છે, જે ફ્રેંચ સરકાર આપે છે, બે બોડીગાર્ડ અને બે ડ્રાઇવર. બસ. અને માસિક પેન્શન 40 હજાર ફ્રેંક એટલે કે 5000 પાઉંડનું! ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મિત્તરોંને સરકાર તરફથી માત્ર એક જ મોટરકાર મળે છે. જે માણસ 14 વર્ષ સુધી ફ્રાંસનો રાષ્ટ્રપતિ રહ્યો, એલિસી પૅલેસનાં પગથિયાં ઊતરીને એક જ મિનિટમાં સામાન્ય ફ્રેંચ નાગરિક બની ગયો! ફ્રેંચ પ્રજાની સાથે આપણને પણ ગાવાનું મન થઈ જાય એવી આ ઘટના છે: "વિવા લ ફ્રોંસ!" (ફ્રાંસ અમર રહે!)

ઇંગ્લંડની લોખંડી મહિલા માર્ગરેટ થેચર આ સદીમાં સૌથી લાંબા સમય સુધી ઇંગ્લંડની પ્રધાનમંત્રી રહેલી વ્યક્તિ છે. એમના ટોરી પક્ષના નિર્વાચનમાં બરાબર બહુમતી મળી નહીં (એ હારી ન હતી) માટે શ્રીમતી થેચરે નક્કી કર્યું કે પક્ષના નેતૃત્વ માટે હું હવે સંપૂર્ણત: યોગ્ય નથી. અને પ્રધાનમંત્રી શ્રીમતી થેચરે ત્યાગપત્ર આપી દીધું, સત્તાત્યાગ કરી દીધો. એ 11 વર્ષો સુધી ઇંગ્લંડની પ્રધાનમંત્રી રહી હતી. ત્યાગપત્ર આપ્યા પછી થોડા જ કલાકોમાં શ્રીમતી થેચરે પ્રધાનમંત્રીનું 10, ડાઉનિંગ સ્ટ્રીટનું નિવાસસ્થાન ખાલી કરી નાંખ્યું અને દક્ષિણ ઇંગ્લંડના પોતાના ઘરમાં આવી ગઈ અંગ્રેજ પ્રજાની સાથે, આપણને પણ ગાવાનું મન થઈ જાય એવી આ ઘટના છે: "રૂલ બ્રિટાનીઆ! રૂલ ધ વેવ્ઝ!" (બ્રિટાનીઆ! સમુદ્રોની સામ્રાજ્ઞી બન!)

અમેરિકામાં જ્યોર્જ બુશ રાષ્ટ્રપતિ હતા, વિશ્વના સૌથી રાક્ષસી સામર્થ્ય ધરાવતા મુલ્કના મહાનેતા. નિર્વાચનમાં એ બિલ ક્લિન્ટનથી પરાજિત થયા, અને થોડા જ કલાકોમાં એમણે વૉશિંગ્ટનનું રાષ્ટ્રપતિભવન છોડી દીધું. પછી એમનો ફોટો છપાયો, જાન્યુઆરી 22, 1993ના દૈનિક 'કોલમ્બસ ડિસ્પેચ"માં. વિશ્વની સૌથી શક્તિમાન મહાસત્તાનો એક સમયનો એટલે કે અઠવાડિયા પહેલાંનો સૌથી શક્તિમાન મહાનેતા એક સામાન્ય અમેરિકન નાગરિક બનીને હ્યુસ્ટનના પાર્ક લોરીએટ બિલ્ડિંગની લિફ્ટની લાઇનમાં સવારે 9 વાગે હાથમાં બે બેગો અને બગલમાં એક બ્રીફ-કેસ દબાવીને 67મે વર્ષે ઊભો છે, અને એણે ટાઈ વિના, એક સ્પૉર્ટ્સ કોટ પહેર્યો છે અને લિફ્ટની કતારમાં ઊભેલી નવમા માળની લૉ ફર્મમાં નોકરી કરતી ક્લર્ક રીની જેક્સન જ્યોર્જ ધ એલિવેટર (મને લાગે છે, લિફ્ટમાં ઘૂસવામાં જરા તકલીફ પડશે!) અમેરિકન પ્રજાની સાથે આપણને પણ ગાવાનું મન થઈ જાય એવી આ ઘટના છે: "ગૉડ્ઝ ઓન લેન્ડ!" (ઈશ્વરનો પોતાનો દેશ!)

ફ્રેંચ રાષ્ટ્રપતિ કલાકોમાં પોતાના પેરિસના નાના ફ્લૅટમાં ચાલ્યો જાય છે, ઈંગ્લિશ પ્રાઇમ મિનિસ્ટર કલાકોમાં પોતાના દક્ષિણ ઇંગ્લંડના કન્ટ્રી-હોમમાં ચાલી જાય છે, અમેરિકન રાષ્ટ્રપતિ કલાકોમાં પોતાના હ્યુસ્ટન પાસેના ટેંગલવુડ પરગણામાં ચાલ્યો જાય છે. આને શું કહીશું? સ્વચ્છતા? ઈમાનદારી? પ્રામાણિકતા? ધર્મના શબ્દો વાપરવાના આપણે ચૅમ્પિયનો છીએ. આ "અપરિગ્રહ" છે. આપણા સાધુબાવાઓ ધર્મની સીઝનમાં દિવસમાં દોઢસો વાર અપરિગ્રહ શબ્દ વાપરી નાંખે છે. ખુરશીનો, સિંહાસનનો, સત્તાનો, શક્તિનો પણ પરિગ્રહ નહીં. કાયદાની સર્વોપરિતાનું પાલન રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી પણ એક સામાન્ય નાગરિકની જેમ જ કરે છે. સર્વોચ્ચ શાસક પણ નીતિમત્તાનાં મૂલ્યો સ્થાપતો જાય છે. આપણા પરિવેશમાં પણ આ પ્રકારના પરિગ્રહી માણસો ઉચ્ચ સ્થાને હોય છે અને ગીતા કે મહાભારતનો એક શ્લોક બોલ્યા વિના એ લોકો શાંતિથી ખુરશી પરથી ઊતરી જાય છે. પણ આપણા રાજકારણીનું જે ચિત્ર જનમાનસમાં છે, અને આ પ્રકારની સ્થિતિઓમાં છે, એને માટે એક જ મરાઠી શબ્દ કદાચ અર્થપૂર્ણ બની જાય છે: લબાડ! આ મરાઠી શબ્દનો અર્થ થાય છે: જૂઠું બોલવાની ટેવવાળું.

ભ્રષ્ટતા એ કારણ નથી, ભ્રષ્ટતા એ પરિણામ છે. કારણ મનુષ્યની નિમ્ન કક્ષા છે. કારણ કેટલાક માણસોની જન્મજાત બેઈમાનવૃત્તિ છે. કારણ કેટલાક માણસોની જઘન્ય ક્વૉલિટી છે. ખુરશી પર બેઠેલો માણસ ખરાબ શા માટે થઈ જાય છે? પ્રલોભનો? અભાવ? અપસંસ્કાર? કદાચ શેક્સપિયરના "ઓથેલો" નાટકના પાત્ર ઇઆગો વિષે કવિ ટી.એસ. એલિયટે કહેલું કારણ ઉપયુક્ત છે: "Motiveless Malignity" (ધ્યેયહીન દુર્જનતા) અકારણ ધૂર્તતા, અકારણ હલકટાઈ, અકારણ ઘટિયાપણું, એ કારણ છે? 

(ગુજરાત સમાચાર: જૂન 18, 1995)

(ખુરશીકારણથી રાષ્ટ્રકારણ)

પોરસ અને કુતુઝોવ: બે ઇતિહાસો, બે વિજેતાઓ

ફરીથી ઇતિહાસ વિષે ચર્ચાઓ શરૂ થઈ છે, પણ ઇતિહાસની પ્રકૃતિ જ છે ચર્ચાસ્પદ થવાની. માર્ક્સવાદી લાલભાઈઓને વેદના એ વાતની થઈ રહી છે કે કેન્દ્રમંત્રી મુરલી મનોહર જોશી દ્વારા ઇતિહાસનું ભગવાકરણ કે કેસરીકરણ થઈ રહ્યું છે. જાડા કાચવાળાં ચશ્માંધારકો શબ્દો છૂટા પાડીને બોલતા રહે છે કે ઇતિહાસ ઑબ્જેક્ટિવ (પરકેન્દ્રી) હોવો જોઈએ, સબજેક્ટિવ (સ્વકેન્દ્રી) ન હોવો જોઈએ. ઇતિહાસને વર્તમાનકાળ હોતો નથી, માત્ર ભૂતકાળ હોય છે અને ભવિષ્યની દિશા હોય છે. ઇતિહાસને આંસુ હોતાં નથી. ઇતિહાસનો વૃત્તાંતકાર કે લેખક ઘટના ઘટી ગયા પછી લખતો હોય છે અને દરેક ઇતિહાસમાં સબ્જેક્ટિવનું તત્ત્વ હોય જ છે. લંડનની ટાવર બ્રિજની તુરંગમાં એક વિખ્યાત અંગ્રેજ વિશ્વપ્રવાસીને આજીવન બંદી રાખવામાં આવ્યો. પછી એણે વિશ્વનો ઇતિહાસ લખવાનો વિચાર કર્યો. દરમિયાન નીચે સડક પર એક માણસે છરો મારીને બીજા માણસનું ખૂન કર્યું અને ભાગી ગયો. બંદી વિશ્વપ્રવાસીએ સંત્રીને પૂછ્યું: કોણે ખૂન કર્યું? સંત્રીનો ઉત્તર: ખબર નથી! પ્રશ્ન: કોનું ખૂન થયું? ઉત્તર: ખબર નથી! વિશ્વપ્રવાસીએ વિચાર કર્યો કે જેણે ખૂન કર્યું છે અને જેનું ખૂન થયું છે, એ આંખોની સામે થયું છે છતાં પણ જો આપણને કંઈ જ ખબર પડતી નથી તો દશકો અને શતકો પહેલાં થયેલી ઘટનાઓ વિષે કેટલી અધિકૃત વાત લખી શકાય? અને એણે ઇતિહાસ ન લખ્યો! 

એક પ્રાચીન ચીની કવિએ લખ્યું હતું કે હજી સુધી કોઈ મનુષ્ય સૂર્યને સાંકળ બાંધીને એની પરિક્રમા રોકી શક્યો નથી. તટસ્થ ઇતિહાસ નામની વસ્તુ નથી, નિષ્પક્ષ ઇતિહાસ નામની વસ્તુ નથી. જીતેલી પ્રજા ઇતિહાસ લખે છે, હારેલી પ્રજા કવિતા લખે છે. જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે એ પ્રજાને ઇતિહાસ એક જ સજા કરે છે: એ પ્રજાને ઇતિહાસ ફરીથી જીવવો પડે છે! ઇતિહાસ અને સેક્સ બે જ વસ્તુઓ અમર છે: ઇતિહાસને મૃત્યુ અને ભૂતકાળ સાથે સંબંધ છે, સેક્સને જીવન અને ભવિષ્યકાળ સાથે સંબંધ છે...સન 1191માં ભટીન્ડા પાસે તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ કે ચાહમાણ કે રાય પિઠૌરા આક્રમક શાહબુદ્ધીન ઘોરીને સખત મહાત આપે છે ત્યારે કનૌજનો રાજા જયચંદ રાઠૌડ તટસ્થ રહે છે અને પૃથ્વીરાજને મદદ કરતો નથી. સને 1761માં પાણિપતના મેદાનમાં વિદેશી આક્રમક અહમદશાહ અબ્દાલીની સામે મરાઠાઓ ઊતર્યા ત્યારે ભરતપુરનો સૂરજમલ જાટ તટસ્થ રહ્યો હતો. જયચંદ રાઠૌડ દેશદ્રોહી અને સૂરજમલ જાટ દેશવીર ગણાયા છે અને જયચંદ 80 વર્ષે યમુનાના કિનારે ચન્દાવરના ક્ષેત્રમાં વિદેશી શાહબુદ્દીન ઘોરી અને એના સેનાપતિ ઐબકનો મુકાબલો કરવા રણભૂમિમાં ઊતરે છે, એની આંખમાં તીર વાગે છે અને હાથી પરથી પડેલો 80 વર્ષનો જયચંદ વીરગતિ પામે છે.

મિખેઈલ કુતુઝોવ રશિયાના ઇતિહાસનો હીરો છે. નેપોલિયને રશિયા પર આક્રમણ કર્યું ત્યારે કુતુઝોવ મોસ્કોની રશિયન સેનાનો સેનાપતિ હતો. કુતુઝોવ શહેર છોડીને પાછો ખસતો ગયો, લડતો રહ્યો અને છેલ્લે નેપોલિયન થાકીને રશિયાથી પાછો ફર્યો. એલેક્ઝાંડર પંજાબ આવ્યો અને પોરસ સામે લડ્યો અને પોરસને "હરાવ્યો" અને પછી થાકીને પોતાના વતન તરફ કૂચ કરી ગયો. પંજાબ તો એ વખતે ઈરાની સામ્રાજ્યનો એક ભાગ હતો અને એલેક્ઝાંડર ફક્ત ઝેલમના કિનારા સુધી જ આવ્યો હતો, જે હિંદુસ્તાનનો એક નૈઋત્ય ખૂણો જ હતો જ્યારે નેપોલિયન પૂરું રશિયા ઓળંગીને મોસ્કો પહોંચ્યો હતો! એલેક્ઝાંડરે ઇતિહાસની દ્રષ્ટિએ ભારતવર્ષની ધરતીને સ્પર્શ પણ કર્યો નથી. પણ હિંદુસ્તાનના ઇતિહાસમાં પોરસને હરાવવાની વાતો જ લખાતી રહે છે! એક વાર મુંબઈમાં રશિયન (તત્કાલીન સોવિયેત) કોન્સલ-જનરલથી હું વાતો કરતો હતો અને એણે કહ્યું કે ગઈ રાત્રે હું ટીવી પર ક્વિઝ કાર્યક્રમ જોતો હતો અને એમાં પ્રશ્ન સાંભળ્યો: ભારત સૌથી પહેલાં વિદેશી આક્રમણ સામે ક્યારે હાર્યું હતું? રશિયન કોન્સલ જનરલે કહ્યું કે અમારા દેશમાં અમે ક્યારેય શીખવતા નથી કે અમે હારી ગયા અથવા સતત હારતા રહ્યા છીએ! તમે આવું કેવી રીતે ચલાવી લો છો? કદાચ ક્યારેક એકાદ રાજા હારી જાય એટલે આખી પ્રજા હારી ગયેલી ગણાય? રશિયનની વાતે મારા દિમાગમાં વિચારનાં વમળો નહીં, પણ વિચારના વિસ્ફોટો જન્માવી દીધા. આપણે આપણી પેઢીઓને એ જ પોપટિયા રેકર્ડ સંભળાવતા રહેવું છે કે અઢી હજાર વર્ષોમાં અમે હિન્દુઓ કેટલું બધું હાર્યા? હજી એમ જ વાંચવું છે કે અંગ્રેજોએ 1947માં આપણને 'આઝાદી આપી'? ઇન્ડિયાનો ઇતિહાસ પોરસને એલેક્ઝાંડરનો વિજેતા કેમ ગણતો નથી?

હિંદુસ્તાનનો ઇતિહાસ "મુસ્લિમ યુગ"ની વાત કરે છે, "ખ્રિસ્તી યુગ" નામની વસ્તુ નથી. પોર્ટુગીઝ, વલંદા (ડચ), ફ્રેન્ચ, અંગ્રેજ આપસમાં હિંદુસ્તાનની ભૂમિ પર સતત લડતા રહ્યા છે, અને બધા જ ફિરંગી ખ્રિસ્તી હતા. ડેન અને જર્મન પણ આવ્યા હતા, ફક્ત સ્પેનીશ આવ્યા નહીં, એ લેટિન અમેરિકા ગયા કારણ કે પોપે વિશ્વને પોર્ટુગીઝ અને સ્પેનીશ વચ્ચે વિભાજિત કરી આપ્યું હતું! હિંદુસ્તાનનો ઇતિહાસ આ દ્રષ્ટિએ કેટલો જાતીય કે વંશીય કે ધાર્મિક છે? બિન-કાસિમ આરબ હતો, મહમ્મદ ગઝની તાતાર હતો, શાહબુદ્ધીન ઘોરી અફઘાન હતો, ચંગેઝ ખાન મંગોલ હતો, નાદિર અને અહમદશાહ અબ્દાલી ઈરાનના રાજાઓ હતો પણ અફઘાન હતા. હિંદુસ્તાનના મુસ્લિમ ઇતિહાસકારો ચંગેઝ ખાન અને હલાકુ ખાનની "મુસ્લિમ" ગર્વગાથાઓ ઊછળી ઊછળીને કહેતા હોય છે અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ એકવાર હિંદુસ્તાનને ચેતવણી આપી હતી કે અમે અમારા હીરો ચંગેઝ ખાનની જેમ ઇસ્લામનો ઝંડો ફરકાવીશું...!

ચંગેઝ ખાન અને એનો પુત્ર હલાકુ ખાન મુસ્લિમ ન હતા પણ મંગોલ હતા. "ખાન" શબ્દ મંગોલ છે, મુસ્લિમ નથી. એ જ રીતે "બહાદુર" શબ્દ પણ મંગોલ છે. તેમુજીન નામનો મંગોલ ચંગેઝ નામ ધારણ કરે છે. ચીંગીઝ નામનો એક ફિરશ્તો હતો જે નગ્ન થઈને સફેદ ઘોડા પર બેસીને સ્વર્ગ તરફ ઊડી ગયો હતો એવી માન્યતા મંગોલ જાતિઓમાં હતી. ચીંગીઝ એટલે અજેય યોદ્ધો. પ્રથમ સંગ્રામ જીત્યો ત્યારે ચંગેઝ ખાને 70 મોટાં દેગડાઓમાં પાણી ગરમ કરાવ્યું અને પાણી ઊકળવા લાગ્યું ત્યારે 70 શત્રુઓને પ્રથમ માથા અને મોઢાં ડૂબે એ રીતે ઊકળતા પાણીમાં ડુબાડી દીધા. ચંગેઝ ખાને ઇસ્લામી સંસ્કૃતિ, નગરો, ગામો ખતમ કરી નાંખ્યાં અને કાસ્પીઅન સમુદ્રથી સિંધુ નદી સુધી જે શેષ કરી નાંખ્યું એ પુનર્જીવિત કરતાં ઇસ્લામી વિશ્વને 500 વર્ષો લાગ્યાં. ખીવાના સુલતાન મહંમદની પાછળ ચંગેઝ ખાન ટ્રાન્સઓક્ષીઆ, ખીવા, ખોરાસાન ઓળંગીને સિંધુ સુધી આવ્યો હતો. બોખારાની મસ્જિદમાં એના ઘોડાની ખરીથી કુર્રાન ફાડી નાંખ્યું હતું, મંગોલને કોઈ ધર્મ ન હતો, એ બર્બર હતા. યુરોપમાં મંગોલ ખ્રિસ્તી બન્યા, તિબ્બત અને પૂર્વના પ્રદેશોમાં બૌદ્ધ બન્યા, પશ્ચિમ એશિયામાં મુસ્લિમ બન્યા. સન 1280માં હલાકુ ખાને બગદાદ જીતીને અનુમાનત: 8 લાખ બાળકો, સ્ત્રી-પુરુષોની કતલ કરી હતી, જે મુસ્લિમ હતાં. મસ્જિદો, મહેલો, શહેરો જલાવીને ખાક કરી દેવામાં આવ્યાં. લિગ્નીત્ઝના યુદ્ધમાં ખ્રિસ્તીઓને હરાવીને માત્ર કાપીને ભેગા કરેલા જમણા કાનથી 9 કોથળા ભરાઈ ગયા હતા. ચંગેઝ ખાન અને હલાકુ ખાનની ઘણીખરી કતલોનાં બલિ બેઝુબાન, નિર્દોષ મુસ્લિમ જનતા હતી. ઇતિહાસને પૂર્ણ હદ સુધી તોડી મરોડી શકાય છે એનું આ બે ક્રૂર ખાન પિતાપુત્ર પ્રમાણ છે.

(સંદેશ, ડિસેમ્બર 23, 2001)

(રાજનીતિ અને અનીતિકારણ) 

April 14, 2014

ડૉ. આંબેડકર

ડૉ. ભીમરાવ રામજી આંબેડકર હિંદુ ધર્મનો અનુભવ અને અભ્યાસ કરીને એ નિષ્કર્ષ પર આવ્યા હતા કે એમણે એમના અનુયાયીઓ સાથે ધર્મત્યાગ કરવો જોઈએ. હૈદરાબાદના નિઝામ અને શીખોએ એમને પોતાના ધર્મમાં ખેંચવા માટે પ્રલોભનો અને પ્રયત્નો કરી જોયાં હતાં. પણ ડૉ. આંબેડકર બૌદ્ધ માર્ગ તરફ વળી ગયા હતા. કાળક્રમે હિન્દુસ્તાનની લોકશાહીના સમીકરણો બદલાતાં ગયાં. "બાબાસાહેબ"નું નામ દંતકથાના "ખૂલ જા સિમ સિમ"ની જેમ જાદુઈ અસર પાથરતું ગયું. દલિતોના મસીહાનું ચિત્ર દેશના દરેક રાજકીય પક્ષના વિજ્ઞાપન પર આવી ગયું. બાબાસાહેબ હવે સમ્રાટ અશોકના આલેખ પર ખોદેલા "દેવોના પ્રિય"ની જેમ "સર્વનાં પ્રિય" બની ચૂક્યા હતા. જીવતા આંબેડકર, ડૉ. ભીમરાવ રામજી, એમ.એ., પીએચ.ડી., ડી.એસ.સી., બાર-ઍટ-લૉ કરતાં "બાબાસાહેબ" શબ્દ વધારે વિરાટ બની ચૂક્યો હતો.

ડૉ. ભીમરાવ આંબેડકર: 14 એપ્રિલ 1891- 6 ડિસેમ્બર 1956


ડૉ. આંબેડકરે હિન્દુ ધર્મ વિશે વિશદતાથી લખ્યું છે, અને હિન્દુ ધર્મની ત્રુટિઓ અને ઊણપો વિશે ગંભીરતાથી વિશ્લેષણ કર્યું છે. એમનો આક્રોશ તત્કાલીન સમાજની દુર્વ્યવસ્થા તરફ હતો અને આજે આપણે આપણી સર્ચલાઈટ ભૂતકાળમાં ફેંકીએ તો એ આક્રોશ ન્યાય્ય લાગે છે. ડૉ. આંબેડકર ભારતવર્ષના બહુ ઓછા મૌલિક વિચારકોમાં હતા, જેમનામાં પોતાનાં મંતવ્યો પ્રકટ કરવાનું સાહસ હતું. એમણે એ જ મૌલિકતા મુસ્લિમ સમાજ વિશેનાં એમનાં મંતવ્યોમાં બતાવી છે. ભારતના ઇતિહાસની પ્રમુખ રાજનીતિક ઘટનાઓ વિશે એમના વિચારો આજે પણ એટલા જ વેધક અને ઈમાનદાર લાગે છે. ઑક્ટોબર 11, 1951ને દિવસે કેન્દ્રમાંથી કાનૂન મંત્રી ડૉ. આંબેડકરે ત્યાગપત્ર આપ્યું ત્યારે એમણે બિસ્માર્ક અને બર્નાર્ડ શૉના ઉદાહરણો આપ્યા હતાં. એમણે 1954માં નમક પરનો કર પાછો લાવવાની હિમાયત કરી હતી અને આ વીસ કરોડની ટૅક્સ-આમદનીમાંથી "ગાંધી ટ્રસ્ટ ફંડ ફૉર શિડ્યુલ્ડ કાસ્ટ્સ" બનાવવાનું સૂચન કર્યું હતું. સાયમન કમિશનની ડૉ. આંબેડકરે તરફદારી કરી હતી. 1942ના "ભારત છોડો" આંદોલનનો વિરોધ કરનાર ડૉ. આંબેડકરે સંવિધાનની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે એમની અંતિમ ઐતિહાસિક સેવા આપી હતી.

ડૉ. આંબેડકરે જેમ હિન્દુઓની ઊણપો વિશે લખ્યું છે એમ મુસ્લિમ કમીઓ વિશે પણ વિસ્તૃત લખ્યું છે. 1940ના અરસામાં ડૉ. આંબેડકરનું પુસ્તક "થૉટ્સ ઑન પાકિસ્તાન" પ્રકટ થયું ત્યારે હિન્દુ-મુસ્લિમ વૈમનસ્ય પરાકાષ્ઠાએ હતું. આ પુસ્તકનાં 151થી 182 સુધીનાં પૃષ્ઠો પર મુસ્લિમોએ હિન્દુઓ પર કરેલા અમાનુષી જુલ્મોનું સવિસ્તર બયાન છે, જેની સામે સને 2002ની ગુજરાતની હિંસા તદ્દન સામાન્ય લાગે છે. ગાંધીજીએ સપ્ટેમ્બર 8, 1920ને દિવસે લખ્યું હતું કે, મૌલાના શૌકતઅલીએ કહ્યું હતું કે હિન્દુઓ "વંદેમાતરમ"નો નારો લગાવશે તો મુસ્લિમો "અલ્લહો-અકબર" પોકારશે.

1930-31ના અસહકાર આંદોલનનો મુસ્લિમોએ વિરોધ કર્યો હતો. ફેબ્રુઆરી 25, 1931ને દિવસે ભગતસિંહને ફાંસી આપ્યા પછી કાનપુરમાં કેટલાક મુસ્લિમ દુકાનદારોએ દુકાનો બંધ કરવાની ના પાડી હતી અને લોહિયાળ સંઘર્ષ થઈ ગયો હતો. હિન્દુસ્તાનનાં હિન્દુ-મુસ્લિમ હુલ્લડોનો સટિક વર્ષવાર ઇતિહાસ ડૉ. આંબેડકરે આપ્યો છે. મુંબઈ નગરમાં પ્રથમ હિન્દુ-મુસ્લિમ હુલ્લડ 1893માં થયું હતું એવું ડૉ. આંબેડકર નોંધે છે. તત્કાલીન મુસ્લિમ મન:સ્થિતિનું ડૉ. આંબેડકરે તદ્દન નિષ્પક્ષભાવે અને અધિકૃત વર્ણન કર્યું છે.

ડૉ. આંબેડકર, મુસ્લિમોના ગોહત્યાના આગ્રહ અને મસ્જિદની બહાર સંગીત બંધ કરવાની જીદ વિશે લખે છે: ઈસ્લામિક કાનૂન બલિદાનરૂપે ગાયોની કતલ કરવાનો ક્યારેય આગ્રહ રાખતો નથી અને હજ કરવા જતો કોઈ મુસલમાન મક્કા કે મદીનામાં ગાયોની હત્યા કરતો નથી. પણ હિન્દુસ્તાનમાં તેમને બીજા કોઈ જાનવરની હત્યાથી સંતોષ થતો નથી. બધા જ મુસ્લિમ દેશોમાં મસ્જિદની બહાર નિર્વિરોધ સંગીત વગાડાતું હોય છે. અફઘાનિસ્તાન, જે સેક્યુલર મુલ્ક નથી, એ પણ મસ્જિદની બહાર વગાડાતા સંગીતનો વિરોધ કરતું નથી, પણ ઈન્ડિયામાં મુસલમાનો સંગીત બંધ કરાવવાની જીદ કરતા જ હોય છે, કારણ કે એ હિન્દુઓ વગાડતા હોય છે.

મુસ્લિમ નેતાઓની દુરાગ્રહી જડતાં વિશે લખતાં ડૉ. આંબેડકર એક કિસ્સો વર્ણવે છે. 1932માં મૌલાના મોહમ્મદઅલી રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ બને છે. (ડૉ. આંબેડકર "મિસ્ટર મોહમ્મદઅલી" લખે છે.) એમના અધ્યક્ષીય પ્રવચનમાં મિસ્ટર મોહમ્મદઅલી કહે છે કે મહાત્મા ગાંધી આપણા યુગના જિસસ ક્રાઈસ્ટ જેવા મહાનુભાવ છે! એક વર્ષ પછી અજમેર અને અલીગઢમાં મિસ્ટર મોહમ્મદ અલી કહે છે: મિસ્ટર ગાંધીનું ચારિત્ર્ય ગમે તેટલું શુદ્ધ હોય, મને ધર્મની દ્રષ્ટિએ એ કોઈપણ મુસલમાન કરતાં નીચા લાગે છે, એ મુસલામન દુશ્ચરિત્ર હોય તો પણ! એ પછી લખનૌમાં અમીનાબાદની મીટિંગમાં મોહમ્મદઅલીને પૂછવામાં આવ્યું કે આવું વિધાન જે તમારા નામે ચડાવવામાં આવ્યું છે, સાચું છે? અને મિસ્ટર મોહમ્મદઅલીએ જરાયે સંકોચ કે હિચક વિના ઉત્તર આપ્યો: હા, મારા મઝહબ પ્રમાણે હું કોઈપણ લંપટ અને પતિત મુસલમાનને મિસ્ટર ગાંધી કરતાં વધારે સારો ગણું છું! ડૉ. આંબેડકર ઉમેરે છે કે કટ્ટર મુસ્લિમ કોમવાદીઓએ ગાંધી જેવા કાફિરને જિસસની કક્ષામાં મૂક્યો એ માટે સખત નારાજગી વ્યક્ત કરી હતી.

ડૉ. આંબેડકરે અત્યંત વિસ્ફોટક વિષયો પર અત્યંત સહજતાથી અને સંગીન હિમ્મતથી એ દિવસોમાં લખ્યું છે. એમનો અભિગમ હિન્દુતરફી કે મુસ્લિમતરફી નથી, પોતાના આત્માને જે યોગ્ય લાગ્યું એ ઈમાનદારીથી એમણે સ્પષ્ટ લખ્યું છે. જો હિન્દુસ્તાન અને પાકિસ્તાન થવાનાં જ હોય તો હિન્દુ હિન્દુસ્તાનમાં અને મુસ્લિમો પાકિસ્તાનમાં આવી જાય એ રીતે પ્રજાઓની ફેરબદલ કરી લેવાનું એમનું સૂચન હતું. ડૉ. આંબેડકરના વસ્તીઓની અદલાબદલીવાળા સૂચને એ વખતે ચર્ચા જન્માવી હતી. પણ આજે ઇતિહાસના આપણા અર્ધશતકનાં ગમગીન અનુભવ પછી ક્યારેક લાગે છે કે ડૉ. આંબેડકરનું આ સૂચન વાસ્તવિક અને વ્યાવહારિક હતું. જો એ સ્વાતંત્ર્ય-વર્ષોમાં હિન્દુઓ બધા જ હિન્દુસ્તાનમાં અને મુસ્લિમો બધા જ પાકિસ્તાનમાં ગોઠવાઈ ગયા હોત તો એ સમયનો ભયાનક હિન્દુ-મુસ્લિમ મહાસંહાર ન થયો હોત, અને આજે હિન્દુસ્તાનમાં વકરેલી લઘુમતી સમસ્યા જ ન હોત! આજના ઘણા સળગતા પ્રશ્નોનો આપોઆપ હલ મળી જાત અને સેક્યુલર નામના શબ્દને આજની જેમ નફ્ફટ અશ્લીલતાથી સતત ઉછાળતા રહેવાની જરૂર પણ રહેત નહીં.

ઇતિહાસ એવાં વ્યક્તિત્વોથી છલકાતો રહ્યો છે જેમને એમના સમયે અન્યાય કર્યો છે. એમની દીર્ઘદ્રષ્ટિને નજરઅંદાજ કરી છે. પણ ભવિષ્ય જ્યારે મોઢું ફેરવીને સિંહાવલોકન કરે છે ત્યારે એમનું પુનર્મૂલ્યાંકન થાય છે. એમની મનીષીદ્રષ્ટિ સાચી સાબિત થાય છે. કદાચ સાચી ન હોય તો પણ વિચારપ્રેરક જરૂર હોય છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારતીય ઇતિહાસના એવા જ એક ઇતિહાસપુરુષ હતા અને છે.

(ટેલિસ્કોપ થ્રૂ ધ લૅન્સ ઑફ ચંદ્રકાંત બક્ષી)