April 14, 2014

ડૉ. આંબેડકર

ડૉ. ભીમરાવ રામજી આંબેડકર હિંદુ ધર્મનો અનુભવ અને અભ્યાસ કરીને એ નિષ્કર્ષ પર આવ્યા હતા કે એમણે એમના અનુયાયીઓ સાથે ધર્મત્યાગ કરવો જોઈએ. હૈદરાબાદના નિઝામ અને શીખોએ એમને પોતાના ધર્મમાં ખેંચવા માટે પ્રલોભનો અને પ્રયત્નો કરી જોયાં હતાં. પણ ડૉ. આંબેડકર બૌદ્ધ માર્ગ તરફ વળી ગયા હતા. કાળક્રમે હિન્દુસ્તાનની લોકશાહીના સમીકરણો બદલાતાં ગયાં. "બાબાસાહેબ"નું નામ દંતકથાના "ખૂલ જા સિમ સિમ"ની જેમ જાદુઈ અસર પાથરતું ગયું. દલિતોના મસીહાનું ચિત્ર દેશના દરેક રાજકીય પક્ષના વિજ્ઞાપન પર આવી ગયું. બાબાસાહેબ હવે સમ્રાટ અશોકના આલેખ પર ખોદેલા "દેવોના પ્રિય"ની જેમ "સર્વનાં પ્રિય" બની ચૂક્યા હતા. જીવતા આંબેડકર, ડૉ. ભીમરાવ રામજી, એમ.એ., પીએચ.ડી., ડી.એસ.સી., બાર-ઍટ-લૉ કરતાં "બાબાસાહેબ" શબ્દ વધારે વિરાટ બની ચૂક્યો હતો.

ડૉ. ભીમરાવ આંબેડકર: 14 એપ્રિલ 1891- 6 ડિસેમ્બર 1956


ડૉ. આંબેડકરે હિન્દુ ધર્મ વિશે વિશદતાથી લખ્યું છે, અને હિન્દુ ધર્મની ત્રુટિઓ અને ઊણપો વિશે ગંભીરતાથી વિશ્લેષણ કર્યું છે. એમનો આક્રોશ તત્કાલીન સમાજની દુર્વ્યવસ્થા તરફ હતો અને આજે આપણે આપણી સર્ચલાઈટ ભૂતકાળમાં ફેંકીએ તો એ આક્રોશ ન્યાય્ય લાગે છે. ડૉ. આંબેડકર ભારતવર્ષના બહુ ઓછા મૌલિક વિચારકોમાં હતા, જેમનામાં પોતાનાં મંતવ્યો પ્રકટ કરવાનું સાહસ હતું. એમણે એ જ મૌલિકતા મુસ્લિમ સમાજ વિશેનાં એમનાં મંતવ્યોમાં બતાવી છે. ભારતના ઇતિહાસની પ્રમુખ રાજનીતિક ઘટનાઓ વિશે એમના વિચારો આજે પણ એટલા જ વેધક અને ઈમાનદાર લાગે છે. ઑક્ટોબર 11, 1951ને દિવસે કેન્દ્રમાંથી કાનૂન મંત્રી ડૉ. આંબેડકરે ત્યાગપત્ર આપ્યું ત્યારે એમણે બિસ્માર્ક અને બર્નાર્ડ શૉના ઉદાહરણો આપ્યા હતાં. એમણે 1954માં નમક પરનો કર પાછો લાવવાની હિમાયત કરી હતી અને આ વીસ કરોડની ટૅક્સ-આમદનીમાંથી "ગાંધી ટ્રસ્ટ ફંડ ફૉર શિડ્યુલ્ડ કાસ્ટ્સ" બનાવવાનું સૂચન કર્યું હતું. સાયમન કમિશનની ડૉ. આંબેડકરે તરફદારી કરી હતી. 1942ના "ભારત છોડો" આંદોલનનો વિરોધ કરનાર ડૉ. આંબેડકરે સંવિધાનની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે એમની અંતિમ ઐતિહાસિક સેવા આપી હતી.

ડૉ. આંબેડકરે જેમ હિન્દુઓની ઊણપો વિશે લખ્યું છે એમ મુસ્લિમ કમીઓ વિશે પણ વિસ્તૃત લખ્યું છે. 1940ના અરસામાં ડૉ. આંબેડકરનું પુસ્તક "થૉટ્સ ઑન પાકિસ્તાન" પ્રકટ થયું ત્યારે હિન્દુ-મુસ્લિમ વૈમનસ્ય પરાકાષ્ઠાએ હતું. આ પુસ્તકનાં 151થી 182 સુધીનાં પૃષ્ઠો પર મુસ્લિમોએ હિન્દુઓ પર કરેલા અમાનુષી જુલ્મોનું સવિસ્તર બયાન છે, જેની સામે સને 2002ની ગુજરાતની હિંસા તદ્દન સામાન્ય લાગે છે. ગાંધીજીએ સપ્ટેમ્બર 8, 1920ને દિવસે લખ્યું હતું કે, મૌલાના શૌકતઅલીએ કહ્યું હતું કે હિન્દુઓ "વંદેમાતરમ"નો નારો લગાવશે તો મુસ્લિમો "અલ્લહો-અકબર" પોકારશે.

1930-31ના અસહકાર આંદોલનનો મુસ્લિમોએ વિરોધ કર્યો હતો. ફેબ્રુઆરી 25, 1931ને દિવસે ભગતસિંહને ફાંસી આપ્યા પછી કાનપુરમાં કેટલાક મુસ્લિમ દુકાનદારોએ દુકાનો બંધ કરવાની ના પાડી હતી અને લોહિયાળ સંઘર્ષ થઈ ગયો હતો. હિન્દુસ્તાનનાં હિન્દુ-મુસ્લિમ હુલ્લડોનો સટિક વર્ષવાર ઇતિહાસ ડૉ. આંબેડકરે આપ્યો છે. મુંબઈ નગરમાં પ્રથમ હિન્દુ-મુસ્લિમ હુલ્લડ 1893માં થયું હતું એવું ડૉ. આંબેડકર નોંધે છે. તત્કાલીન મુસ્લિમ મન:સ્થિતિનું ડૉ. આંબેડકરે તદ્દન નિષ્પક્ષભાવે અને અધિકૃત વર્ણન કર્યું છે.

ડૉ. આંબેડકર, મુસ્લિમોના ગોહત્યાના આગ્રહ અને મસ્જિદની બહાર સંગીત બંધ કરવાની જીદ વિશે લખે છે: ઈસ્લામિક કાનૂન બલિદાનરૂપે ગાયોની કતલ કરવાનો ક્યારેય આગ્રહ રાખતો નથી અને હજ કરવા જતો કોઈ મુસલમાન મક્કા કે મદીનામાં ગાયોની હત્યા કરતો નથી. પણ હિન્દુસ્તાનમાં તેમને બીજા કોઈ જાનવરની હત્યાથી સંતોષ થતો નથી. બધા જ મુસ્લિમ દેશોમાં મસ્જિદની બહાર નિર્વિરોધ સંગીત વગાડાતું હોય છે. અફઘાનિસ્તાન, જે સેક્યુલર મુલ્ક નથી, એ પણ મસ્જિદની બહાર વગાડાતા સંગીતનો વિરોધ કરતું નથી, પણ ઈન્ડિયામાં મુસલમાનો સંગીત બંધ કરાવવાની જીદ કરતા જ હોય છે, કારણ કે એ હિન્દુઓ વગાડતા હોય છે.

મુસ્લિમ નેતાઓની દુરાગ્રહી જડતાં વિશે લખતાં ડૉ. આંબેડકર એક કિસ્સો વર્ણવે છે. 1932માં મૌલાના મોહમ્મદઅલી રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ બને છે. (ડૉ. આંબેડકર "મિસ્ટર મોહમ્મદઅલી" લખે છે.) એમના અધ્યક્ષીય પ્રવચનમાં મિસ્ટર મોહમ્મદઅલી કહે છે કે મહાત્મા ગાંધી આપણા યુગના જિસસ ક્રાઈસ્ટ જેવા મહાનુભાવ છે! એક વર્ષ પછી અજમેર અને અલીગઢમાં મિસ્ટર મોહમ્મદ અલી કહે છે: મિસ્ટર ગાંધીનું ચારિત્ર્ય ગમે તેટલું શુદ્ધ હોય, મને ધર્મની દ્રષ્ટિએ એ કોઈપણ મુસલમાન કરતાં નીચા લાગે છે, એ મુસલામન દુશ્ચરિત્ર હોય તો પણ! એ પછી લખનૌમાં અમીનાબાદની મીટિંગમાં મોહમ્મદઅલીને પૂછવામાં આવ્યું કે આવું વિધાન જે તમારા નામે ચડાવવામાં આવ્યું છે, સાચું છે? અને મિસ્ટર મોહમ્મદઅલીએ જરાયે સંકોચ કે હિચક વિના ઉત્તર આપ્યો: હા, મારા મઝહબ પ્રમાણે હું કોઈપણ લંપટ અને પતિત મુસલમાનને મિસ્ટર ગાંધી કરતાં વધારે સારો ગણું છું! ડૉ. આંબેડકર ઉમેરે છે કે કટ્ટર મુસ્લિમ કોમવાદીઓએ ગાંધી જેવા કાફિરને જિસસની કક્ષામાં મૂક્યો એ માટે સખત નારાજગી વ્યક્ત કરી હતી.

ડૉ. આંબેડકરે અત્યંત વિસ્ફોટક વિષયો પર અત્યંત સહજતાથી અને સંગીન હિમ્મતથી એ દિવસોમાં લખ્યું છે. એમનો અભિગમ હિન્દુતરફી કે મુસ્લિમતરફી નથી, પોતાના આત્માને જે યોગ્ય લાગ્યું એ ઈમાનદારીથી એમણે સ્પષ્ટ લખ્યું છે. જો હિન્દુસ્તાન અને પાકિસ્તાન થવાનાં જ હોય તો હિન્દુ હિન્દુસ્તાનમાં અને મુસ્લિમો પાકિસ્તાનમાં આવી જાય એ રીતે પ્રજાઓની ફેરબદલ કરી લેવાનું એમનું સૂચન હતું. ડૉ. આંબેડકરના વસ્તીઓની અદલાબદલીવાળા સૂચને એ વખતે ચર્ચા જન્માવી હતી. પણ આજે ઇતિહાસના આપણા અર્ધશતકનાં ગમગીન અનુભવ પછી ક્યારેક લાગે છે કે ડૉ. આંબેડકરનું આ સૂચન વાસ્તવિક અને વ્યાવહારિક હતું. જો એ સ્વાતંત્ર્ય-વર્ષોમાં હિન્દુઓ બધા જ હિન્દુસ્તાનમાં અને મુસ્લિમો બધા જ પાકિસ્તાનમાં ગોઠવાઈ ગયા હોત તો એ સમયનો ભયાનક હિન્દુ-મુસ્લિમ મહાસંહાર ન થયો હોત, અને આજે હિન્દુસ્તાનમાં વકરેલી લઘુમતી સમસ્યા જ ન હોત! આજના ઘણા સળગતા પ્રશ્નોનો આપોઆપ હલ મળી જાત અને સેક્યુલર નામના શબ્દને આજની જેમ નફ્ફટ અશ્લીલતાથી સતત ઉછાળતા રહેવાની જરૂર પણ રહેત નહીં.

ઇતિહાસ એવાં વ્યક્તિત્વોથી છલકાતો રહ્યો છે જેમને એમના સમયે અન્યાય કર્યો છે. એમની દીર્ઘદ્રષ્ટિને નજરઅંદાજ કરી છે. પણ ભવિષ્ય જ્યારે મોઢું ફેરવીને સિંહાવલોકન કરે છે ત્યારે એમનું પુનર્મૂલ્યાંકન થાય છે. એમની મનીષીદ્રષ્ટિ સાચી સાબિત થાય છે. કદાચ સાચી ન હોય તો પણ વિચારપ્રેરક જરૂર હોય છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારતીય ઇતિહાસના એવા જ એક ઇતિહાસપુરુષ હતા અને છે.

(ટેલિસ્કોપ થ્રૂ ધ લૅન્સ ઑફ ચંદ્રકાંત બક્ષી)

1 comment: