June 21, 2014

ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે ફૂટબૉલની વાત કરવી એટલે...

જ્યારે ગુજરાતી પત્રકારો કાઉન્ટી કેપો ઊંધી પહેરીને (વી-ટીવીના એફ્રો-એમેરિકન "ડી-જે" અથવા ડિસ્ક જૉકીની જેમ), ટેબલો પર બેસીને, કાંબલી અને કુંબળે અને સંજય અને સચિનની ક્રિકેટની કમાલ લખવામાં ઊંધું ઘાલીને મંડ્યા હોય...જ્યારે વેસ્ટ ઈંડીઝના ક્રિકેટરોની અપયશગાથા લખવામાં કૉલમો ભરવાની હોય...જ્યારે અઝહરૂદ્દીન સન 2011 સુધી હિંદુસ્તાનનો કૅપ્ટન રહેશે જેવાં શીર્ષકોને 3 કૉલમો સુધી ત્રાંસાં સુવડાવીને કે પછી 3 પ્રશ્નાર્થ ચિહ્નો મૂકવાનાં હોય... જ્યારે હવામાં ક્રિકેટ, ક્રિકેટની કૉમેન્ટરી સાંભળતાં સાંભળતાં બાવન કિલોના ગુજરાતીઓ અને એમના જમણા કાન પાસે પકડેલા પૉકેટ ટ્રાન્ઝીસ્ટરો બંને સાથે ઊછળતા હોય...ત્યારે ફૂટબૉલની, રોવર્સ કંપની, ઈસ્ટ બેંગોલ અને મોહન બગાન અને એર ઇંડિયા અને ડેમ્પો ટીમોની, કૉર્નર અને ફ્રી-કીક અને ફાઉલની, મોહન બગાનના વિજયન અને ઍર ઇંડિયાના મહમ્મદ અન્સારી અને ઈસ્ટ બેંગોલના મનોહરન અને ડેમ્પોના કાર્વાલ્હોની વાત કરવી, અને એ પણ ગુજરાતીઓ સામે, જરા જોખમી વાત છે! ફૂટબૉલ એટલે એ રમત જેમાં ફૂટથી બૉલને મારવાનો હોય, બસ એટલું જ્ઞાન કાફી છે. વિશ્વ ફૂટબૉલ સંસ્થાની ઉચ્ચતાક્રમ સૂચિ અથવા રેંકિંગ પ્રમાણે ફૂટબૉલમાં પ્રથમ બ્રાઝિલ છે, દ્વિતીય નંબર સ્વીડન છે, તૃતીય ઇટલી છે. એશિયન ચૅમ્પિયન ઉઝબેકિસ્તાન 77મું છે, ચીન 39મું છે, કુવૈત 53મું છે. કતાર 60મું, બેહરીન 71મું, ઓમાન 72મું, યમન 103 નંબરે છે. ભારતવર્ષનો નંબર 104 હતો, જે નવા રેંકિંગમાં 108 પર છે!

WIFAના ઉચ્ચાધિકારીએ કહ્યું: ઇંડિયન ટીમ ખરાબ નથી. હિંદુસ્તાન એશિયાનું બ્રાઝિલ થઈ શકે છે! હું શતાંશ: સહમત હતો. પણ ક્યાંક કંઈક ગડબડ થઈ જાય છે. એ જ રોગ છે હિંદુસ્તાની સ્પૉર્ટ્સ અને એથ્લેટિક્સનો: ભાઈભત્રીજાવાદ. રાજકારણીઓની દખલ. ઑફિસરોની સામંતી મનોવૃત્તિ. પ્લેયરોની અસલામતી. ક્રિકેટ સિવાય બધી જ રમતોની સરકારી અને અર્ધ-સરકારી કક્ષાએ ઘોર ઉપેક્ષા. સુંવાળી રમતો માટે વ્હાલ અને મર્દાના સ્પૉર્ટ્સ માટેની આપણી અરુચિ...! હિંદુસ્તાની ફૂટબૉલનો પણ એક જમાનો હતો જ્યારે મેલબર્ન ઑલિમ્પિક્સમાં વિશ્વની તત્કાલીન પ્રથમ બે-ત્રણ ટીમોમાં સ્થાન પામે એવી યુગોસ્લાવીઆની ટીમની સામે હિંદુસ્તાનના વોલ્ટર ડી'સુઝાએ પ્રથમ ગોલ મારી દીધો હતો અને આખું ફૂટબૉલ જગત આ અપસેટથી ચમકી ગયું હતું. હિંદુસ્તાની ફૂટબૉલનો એ પણ એક જમાનો હતો જ્યારે ઇન્ડોનેશિયાના જાકાર્તામાં હિંદુસ્તાન એશિયન ચૅમ્પિયન બન્યું હતું અને ઇન્ડોનેશિયન દર્શકોથી ખચાખચ ભરેલું સ્ટેડિયમ ઇન્ડિયન પ્લેયરોના ખૂન માટે પ્યાસું બની ગયું હતું, અને કૅપ્ટન ચુની ગોસ્વામી પોતાની ટીમને સ્ટેડિયમની વચ્ચે ટોળું બનાવીને, બચાવીને ઊભો રહી ગયો હતો...

હવે ફૂટબૉલ બદલાઈ ગઈ છે. ફ્લડ લાઇટ અથવા રાત્રિના કૃત્રિમ પ્રકાશમાં ફૂટબૉલ જોવાનો અનુભવ જરા વિચિત્ર હતો. હવે પ્લેયરો વિશ્વકપમાં જોયેલી મુવમેન્ટો અપનાવતા થઈ ગયા છે, રમત જ્યારે વૈજ્ઞાનિક થઈ ગઈ છે, પ્લેયરોની પોઝીશનો ત્વરાથી બદલાતી રહે છે, રમત શોર્ટ પાસમાંથી એકાએક લોંગ પાસમાં બદલાઈ જાય છે, થ્રો-ઇનમાં પ્લેયર માથા ઉપર બે હાથથી પકડેલો બૉલ એટલી તાકતથી ફેંકે છે કે લગભગ કૉર્નર જેટલો દૂર બૉલ જઈ શકે છે, હેડ કરવામાં વિવિધતા આવી છે, ટ્રેપિંગ વધારે પ્રોફેશનલ બન્યું છે. 

(ગુજરાત સમાચાર, ડિસેમ્બર 14, 1994)

(ખાવું, પીવું, રમવું: પૃ. 186-188)

No comments:

Post a Comment