September 12, 2014

વર્તમાન કથાસાહિત્યને મૂલવવામાં વિવેચન નિષ્ફળ ગયું છે?

વિવેચન સાહિત્યનું એક બહુ જવાબદારીભર્યું ક્ષેત્ર છે. એ શુદ્ધ સાહિત્યનો એક પ્રકાર નથી. પણ શુદ્ધ સાહિત્યની બહુ નિકટ છે. લગભગ એક સાહિત્યિક પ્રકાર ગણી શકાય એટલો બધો નિકટ. પશ્ચિમનાં સાહિત્યોમાં વિવેચનનું કામ હોય છે સર્જાતા સાહિત્યની ગુણવત્તા માપવાનું, મૂલ્ય ચેતનાઓને સમજવાનું, ઉચ્ચતાના સ્તર કાયમ કરવાનું. જ્યાં બેશુમાર પ્રકાશનો છપાતાં હોય ત્યાં વિવેચન માર્ગદર્શકનું મહત્વનું કામ કરતું હોય છે. આ સાહિત્યનું બેરોમીટર છે, એણે સાહિત્યિક મૂલ્યોને, ભય યા સિફારિશ તરફ ઉદાસીન રહીને, લગભગ નિર્દયતાથી એમના યોગ્ય સ્થાનોએ સ્થાપવાનાં છે માટે સાહિત્યને સમજનારા, નિરંતર સાહિત્યના સંપર્કમાં રહેનારા અભ્યાસીઓના વર્ગમાંથી આવે છે.

વિવેચક માટે મૂળ શબ્દ Krites ગ્રીક હતો. જે સંદર્ભમાં એ શબ્દ વપરાતો હતો એ સંદર્ભ હવે રહ્યો નથી. અંગ્રેજીમાં critic તરીકે એનો પુનર્જન્મ થયો. ગ્રીક kriterion અંગ્રેજીમાં criterion બન્યું - મૂલ્યસ્થાપનાનો માપદંડ. કૃતિને માપવાના માપદંડો જુદા જુદા હોય પણ અમુક પ્રવાહો ભાષામાં સમાંતર વહેતા હોય છે. પણ ગુજરાતી વાર્તાસાહિત્ય અને એના વિવેચન વિશે વિચાર કરતાં ઉપર ઉલ્લેખેલી વાતો કોઈ બીજી દુનિયાની હોય એવું લાગ્યા કરે છે.

એક ફારસી શેર સાંભળ્યો હતો: બે વસ્તુઓ કવિતાની મજા બગાડી નાંખે છે- જાણકારની ચૂપ અને બેવકૂફની દાદ. આપણા વિવેચનસાહિત્યમાં જાણકારથી બેવકૂફ સુધીની રેખા બહુ ટૂંકી છે. આપણા જાણકારો પણ બહુ ઓછું જાણતા હોય છે અને બેવકૂફો શોધવા જવું પડે એટલા દૂર નથી. દરેક કૃતિનું વિવેચન ન થઈ શકે, ન કરાય. વિવેચનની ગરમી સામે ઊભી રહી શકે એવી સશક્ત કૃતિનું જ વિવેચન થઈ શકે. કૃતિનું એક પોતાનું ધોરણ હોવું જોઈએ. પચાસ પચાસ રૂપિયાના હપ્તાઓ માટે, પેટને માટે લખેલી, અડધો કિલો-કિલો વજનની ધારાવાહિક ચીજો શુદ્ધ વિવેચનના વર્તુળની બહારની વસ્તુ છે. વિવેચન એ શ્રદ્ધાનો એક પ્રકાર પણ નથી. મૂળ લેખકે પોતે જ એ વિવેચન લખ્યું હોય એવું ન લાગવું જોઈએ. મિત્રની કૃતિ ટેકો આપવા માટે લખાતી ફરમાઈશ નથી. વિવેચકનું કામ બૉક્સરના સેકન્ડની જેમ સ્મેલિંગ સોલ્ટની શીશી લઈને રીંગની બહાર રાઉન્ડ પૂરો થવાની આશામાં ઉભા રહેવાનું નથી. એ લેખકનો પબ્લિસીટી એજન્ટ પણ નથી કે મિત્રની તારીફ એણે નિયમિત કરવી જોઈએ.

ગુજરાતી વિવેચક એ દયાજનક પ્રાણી છે: નહોરવાળું, દાંતોવાળું પણ તદ્દન શાકાહારી અને સાત્વિક. જૂનાઓ, પ્રતિષ્ઠિતો વિષે એ કંઈ લખી શકતું નથી, કારણ કે એ પ્રતિષ્ઠિતોમાં મિત્રો, ગુરુઓ, સાહેબો, ઉપરીઓ જેમની ફાલતું રમૂજોમાં પણ સેવારૂપે સાથે હસવું પડે એવા સાક્ષરો હોય છે. ઘણાખરા પ્રેક્ટીસીંગ વિવેચકો સ્કૂલ-કૉલેજોમાં અધ્યાપનના કામમાં સંડોવાયેલા છે, હજી શેલી-કિટ્સથી ચકાચૌંધ છે, મેથ્યુ આર્નોલ્ડની આ બાજુ આવ્યા નથી. દુનિયામાં અંગ્રેજી સિવાય પણ બીજાં સાહિત્યો છે એ સ્વીકારવા નારાજ છે. એમનાં વિવેચનો પ્રતિષ્ઠિતો માટે વાગતા ઓરકેસ્ટ્રાના એક વાજિંત્ર જેવા છે. એ લખાણોનું ગદ્ય કલમચાલાકીનો એક પ્રકાર છે, એમાં નિર્ભયતા નથી, જ્યૉર્જ ઓરવેલના double thinkની વાસ છે. નવા સાહિત્ય માટે એમનો માપદંડ તદ્દન જુદો છે. નવું છે માટે ખરાબ હોવું જ જોઈએ. નવું એકંદરે સારું હોય, આવકાર્ય હોય, આસ્વાદ્ય હોય; ભૂલો ન બતાવીએ, ભયસ્થાનો ન ચીંધીએ તો ફરજમાંથી ચૂક્યા ગણાઈએ એવો ગિલ્ટ રાખવો એ પણ વિવેચકનો ધર્મ છે એમ એ લોકો માને છે. સાલા શબ્દને પણ અશ્લીલ સમજનારા સુધારકો છે. આધુનિક ગુજરાતી કથાસાહિત્યને મૂલવવામાં અનાયાસે આ પ્રકારના વિવેચકોએ કુસેવા બજાવી છે. વિવેચનની ચેલેન્જ, નવા દ્રષ્ટિભેદ યા નવા રુચિભેદની ચેલેન્જ, ઊઠાવવામાં આ વિવેચકો નિષ્ફળ ગયા છે. પરિણામ એ આવ્યું છે કે સાહિત્ય વિશે ખોટાં ધોરણો સ્થાપવામાં એ લોકો કંઈક અંશે સહાયભૂત થયા છે.

વિવેચનના બેન્ડવેગન પર ચડી બેઠેલા ઘણા 'વિવેચકો'ને હજી કાફકા, કામ્યૂ અને સાર્ત્ર સિવાય પણ દુનિયામાં સેંકડો કલાકારો વિચારકો હતા અને છે એ વિશે હોશ આવ્યો નથી. ગુજરાતી વિવેચનસાહિત્ય, માથા વગરના નિષ્ફળ માણસોના હાથમાં લગામ રહેવાથી એક બચકાના હરકતની જેમ સાહિત્યપ્રેમીઓએ હજી નિભાવી લેવું પડે છે. એ આપણું સૌથી કંગાળ માધ્યમ રહી ગયું છે.

ગુજરાતી સાહિત્યમાં હજી એવો સમ્માનિત વિવેચક પેદા થયો નથી જેના એક કપાતા વિવેચનથી પુસ્તકના વેચાણને ધક્કો લાગે અથવા જેની પ્રસંશાથી વેચાણ વધી જાય અથવા નવા લેખકને સાહિત્યમાં સ્થાન મળે. છેલ્લાં પચીસ વર્ષોમાં આ સાહિત્યમાં વિવેચકો સૌથી નિષ્ફળ રહ્યા છે, કારણ કે વિવેચન સંબંધોની સોગઠાંબાજી બની ગયું છે. ભારતના સૌથી અશિક્ષિત અને અર્ધશિક્ષિત આલોચકો ગુજરાતી ભાષામાં જીવે છે. ગુજરાતીમાં વિવેચક મનીષી કે વિદ્વાન હોવો આવશ્યક નથી. ગામડાની ગમે તે કોલેજના ગુજરાતીના પાર્ટ ટાઈમ જુનિયર લેકચરરને ગાળો બોલવાનો પરવાનો મળી જાય છે. હજી આધુનિક વિવેચને ગુજરાતીમાં એક કલાવિધા બનવાનું બાકી છે.

આપણો વિવેચક - જેને માટે હું 'અભણ વિવેચક' શબ્દ વાપરું છું - પોતાના સુખદ અજ્ઞાનમાં આદતન જીવ્યા કરે છે. આપણે ત્યાં કેટલાક ખરેખર સમજદાર અને વિદ્વાન માણસો છે જેમને હું આ શ્રેણીમાં નથી મૂકતો. આપણા વિવેચકોનું ટોળું ઘણું ઘણું મોટું છે અને એ લોકોનો અવાજ મોટો છે (સ્વાભાવિક રીતે) એટલે એમને નજરમાં રાખીને જ અભણ શબ્દનો પ્રયોગ થઈ રહ્યો છે. ગુજરાતીની કોઈ પણ મહત્ત્વપૂર્ણ કૃતિના દૈહિક સ્થલ-કાલ અને માનસિક સ્થલ-કાલને દ્રષ્ટિમાં રાખીને એ સ્તર પર થયેલું વિવેચન મારે હજી જોવાનું બાકી છે. અર્થાત, થયેલાં વિવેચનો સામયિક, લેખક અને વિવેચનના વાચકો લક્ષમાં રાખીને, અને પોતાના મહત્ત્વને સમજીને કરાયેલાં સામાન્યત: જોવા મળે છે. ક્યારેક વિવેચક કૃતિના 'હું ત્વ' subjectivismની રૂપેરી જાળમાં એવો ફસાઈ જાય છે કે એકાદ ગદ્યચિત્ર યા વિચારો છાંટેલા વ્યક્તિગત નિબંધને પણ મહાન નવલકથા કહી નાંખે છે, ત્યારે દયા એ વાતની આવે છે કે નવલકથા વિષે આપણે હજી એક વ્યાખ્યા સુધી આવી શક્યા નથી? કલાકારનો કૃતિ સાથેનો સંબંધ એ સતી અને ચિતાનો સંબંધ છે. વિવેચકનું કામ ત્યાગનું, સર્ટિફિકેટ આપવાનું નથી, વિવેચકને આંખો હોય અને દ્રષ્ટિ હોય તો એ ઘણુંબધું જોઈ શકે છે અને એ વિષે લખી શકે છે. વિવેચકનું કામ ભાવકને નવી દ્રષ્ટિ આપવાનું છે, એકાદ જૂના સર્ટિફિકેટની 'ટ્રુ કૉપી' જુદેજુદે સ્થાને વિવેચનરૂપે છપાવવાનું નથી.

આપણું કથાસાહિત્ય, મારી દ્રષ્ટિએ, છેલ્લાં કેટલાંય વર્ષોથી સ્થગિત પડ્યું હતું અને હવે 'એર-બોર્ન' થઈ ચૂક્યું છે. વિવેચકો નવા ચશ્મા પહેરે કે ન પહેરે, કથાસાહિત્ય હવે વધતી ઝડપે ઉપર અને ઉપર જઈ રહ્યું છે, જવાનું છે.

આપણી વાર્તાઓ ભારતની શ્રેષ્ઠ વાર્તાઓની સામે આસાનીથી ઊભી રહી શકે છે, ઊભી છે એવો દાવો હું કરતો જ રહ્યો છું. ખરેખર શક્તિવાળા નવા લેખકો ગુજરાતીમાં છેલ્લાં બે-ત્રણ વર્ષોમાં આવ્યા છે, આકાર લઈ રહ્યા છે, બહુ જ અપેક્ષાથી હું એમનાં સર્જનોની રાહ જોઈ રહ્યો છું. નવલના ક્ષેત્રમાં પ્રતિનિધિઓ કયા કારણસર શરમાતા ફરે છે એ મને સમજાતું નથી. દેશકાળ પ્રમાણે, ભારતની અન્ય ભાષાઓની નવલો, અને એમની 'પ્રગતિ' વિષે આપણા વિવેચક સાહેબો શા માટે આપણને કંઈ કહેતા નથી? કે પછી એક કાનના સ્પેશલિસ્ટની જેમ એ ફક્ત ગુજરાતી નવલો - અને એ પણ બૂઢાઓની - વિષે જ જાણે છે?

ગુજરાતી કથાસાહિત્યને અન્યાય કરવામાં ગુજરાતી વિવેચને બહુ સારો ભાગ ભજવ્યો છે. નકામી કૃતિઓને ધ્યાનમાં લીધી છે. સશક્ત કૃતિઓની ઉપેક્ષા કરી છે. વસુકી ચૂકેલા લેખકો પાસેથી એ હજી આશા રાખીને બેસી રહ્યું છે. કૃતિ વિવેચકને શોધતી નહિ આવે, વિવેચકે કૃતિને શોધવી સમજવી પડશે. કૃતિને પ્રકાશમાં લાવવી, મૂલવવી, સમજવી, નવીનતા તરફ આંગળી ચીંધવી અને જૂનાઓ માટે પણ એક જ ચાબુક રાખવો એ વિવેચકનો ધર્મ છે. અને વિવેચકે વાંચવું પડશે. અભણ રહ્યે નહિ ચાલે. વાર્તા-નવલ-કવિતા બધાં આગળ જઈ રહ્યાં છે ત્યારે વિવેચન-પ્રકાર હજી ટોપીવાળા બૂઢા લેખકો કાણી રમૂજની જેમ એક જ પરિઘમાં ફરી રહ્યો છે દયાજનક છે. પણ એ સ્થિતિ તરત જ બદલાવાની છે.

પછી બેવકૂફ ચૂપ રહેશે, અને જાણકાર દાદ આપશે, અને એ બે વચ્ચેની રેખા બહુ લાંબી બની જશે.

વિવેચન થશે.

(1964)

('આભંગ'માંથી)

હું અંકગણિતમાંથી એલ્જિબ્રામાં અને એલ્જિબ્રામાંથી એપ્લાઈડ મેથેમેટિક્સ સુધી પહોંચી ગયો છું, પણ વિવેચકો હજી બેઠાબેઠા મારી અંકગણિતની ભૂલો શોધ્યા કરે છે.
                                                                                                        - અર્નેસ્ટ હેમિંગ્વે

I have moved through arithmetic, through plane geometry and algebra, and now I am in calculus. If they don't understand that, to hell with them.

No comments:

Post a Comment